<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th November 2025

સાંઢીયા પુલનું કામ ટલ્‍લે ચડે તેવી સ્‍થિતિ સર્જાઇ : રેલવેમાં મંજૂરી લટકી

રેલવે ટ્રેકની બરાબર ઉપરના ભાગે સ્‍ટીલ ગર્ડર લોન્‍ચ કરવા આજથી ત્રણ મહિના પૂર્વે માંગેલી મંજુરી આજ દિવસ સુધી મળી નથી : મહાપાલિકાની ચૂંટણી પૂર્વે આ પુલનું લોકાર્પણ થાય તેવી શક્‍યતા નહિવત : પદાધિકારીઓનો હરિ રસ ખાટો

 

રાજકોટ,તા.૨૬ : શહેરના જામનગર રોડ ઉપર રૂ.૭૫ કરોડના ખર્ચે નિર્માણાધિન સાંઢીયા પુલનું કામ ટલ્‍લે ચડે તેવી સ્‍થિતિ સર્જાઇ છે, પુલના કામે સેન્‍ટ્રલ પોર્શનમાં મતલબ કે રેલવે ટ્રેકની બરાબર ઉપરના ભાગે સ્‍ટીલ ગર્ડર લોન્‍ચ કરવા આજથી ત્રણ મહિના પૂર્વે માંગેલી મંજુરી આજ દિવસ સુધી મળી નથી જેથી મહાપાલિકાની ચૂંટણી પૂર્વે આ પુલનું લોકાર્પણ થાય તેવી શક્‍યતા નહિવત બની ગઈ છે, હવે મે-૨૦૨૬ આજુબાજુ ખુલો મુકાય તેવી શક્‍યતા હોવાનું સામે આવ્‍યું છે.

વિશેષમાં આ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ જ્‍યાં સુધી ઉપરોક્‍ત કામ માટે રેલવે વિભાગ તરફથી મંજૂરી ન મળે ત્‍યાં સુધી તે કામ આગળ ધપી શકે તેમ નથી અને આ કામ એ પુલ પ્રોજેક્‍ટનું મુખ્‍ય હિસ્‍સાનું કામ છે. અંદાજે ૯૦ દિવસ પૂર્વે આ કામ માટે મંજૂરી માંગવાની પ્રક્રિયા કર્યા બાદ અવારનવાર લેખિત, મૌખિક અને ટેલિફોનીક ફોલો અપ લેવામાં આવ્‍યા બાદ પણ હજુ સુધી મંજૂરી મળી નથી.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, આ કામ માટે રેલવે તંત્રએ બ્‍લોક લેવો પડે મતલબ કે જ્‍યારે કોઈ ટ્રેન પસાર થવાની ન હોય તેવો સમય મળે ત્‍યારે જ સ્‍ટીલના તોતિંગ ગર્ડરના લોન્‍ચિંગની કામગીરી થઇ શકે છે.

ઉપરોક્‍ત પ્રોજેક્‍ટની મુદ્‌ત તો માર્ચ ૨૦૨૬માં પૂર્ણ થાય છે પરંતુ ડિસેમ્‍બર સુધીમાં કામ પૂર્ણ થઇ જાય તેમ હોવાથી મહાપાલિકાની ચૂંટણી પૂર્વે જાન્‍યુઆરી ૨૦૨૬માં લોકાર્પણની રાજકીય તૈયારી ચાલુ હતી જેમાં રેલવેની મંજૂરીના વાંકે ખલેલ પડી છે. હવે રેલવેની મંજૂરી મળવામાં જેટલો વિલંબ થશે તેટલો પ્રોજેક્‍ટ લંબાશે તે નક્કી છે. હવે સંભવતઃ મે ૨૦૨૬માં પુલનું લોકાર્પણ થાય તેવી શક્‍યતા હોવાની ચર્ચા છે.(૩૭.૮)

(3:43 PM IST)