<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th November 2025

બહેન સાથે બનેવીએ રસોઇ બાબતે ઝઘડો કરતાં દુઃખી થઇ ૧૩ વર્ષની ચાંદનીનો ફાંસો ખાઇ આપઘાત

મુળ યુપીની બાળા છએક મહિનાથી રાજકોટ આજી વસાહત ખોડીયારપરામાં બહેન-બનેવી સાથે રહેતી હતી

રાજકોટ તા. ૨૭: શહેરના ૮૦ ફુટ રોડ પર આજી વસાહત ખોડીયારપરા-૨૭માં રહેતી ચાંદની શેખરભાઇ ચોૈહાણ (ઉ.વ.૧૩) નામની બાળાએ સાંજે રૂમમાં છતના હુકમાં દૂપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ લેતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ સારવારમાં મોત થતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો.

આપઘાત કરનારી ચાંદની મુળ ઉત્તરપ્રદેશ સંતકબીર નગરની વતની હતી. તે ત્રણ બહેન અને એક ભાઇમાં ત્રીજી હતી. તેના માતા-પિતા હાલ મુંબઇ રહે છે અને પિતા ત્‍યાં ડ્રાઇવીંગ કરે છે. ચાંદનીએ ભણવાનું છોડી દીધુ હતું અને છએક મહિનાથી રાજકોટ ખોડીયારપરામાં રહેતાં બહેન રીનાબેન અને બનેવી ધર્મપાલના ઘરે રહેતી હતી. ગઇકાલે ચાંદનીની બહેન રીનાબેન સાથે ચાંદનીના બનેવી ધર્મપાલ રસોઇ સરખી બનાવવા બાબતે ઝઘડો કરતાં હોઇ અને ગાળો દેતાં હોઇ જેથી ચાંદનીએ તેના બહેનને કહેલું કે જીજાજી તારી સાથે આ રીતે વર્તન કરે છે તે મને નથી ગમતું, તેને કહે ગાળો ન બોલે.

આથી ચાંદનીને તેની બહેને તારા જીજાજીને થોડો ગુસ્‍સો આવ્‍યો છે, હમણા શાંત થઇ જશે તેમ કહી સમજાવી હતી. પરંતુ ચાંદનીને બહેન સાથે બનેવીએ ઝઘડો કરી ગાળો દીધી હોઇ તે વાતનું માઠુ લાગી ગયું હોઇ તેણે ગળાફાંસો ખાઇ લીધો હતો. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અમૃતભાઇ મકવાણા, ધર્મેન્‍દ્રભાઇ, પ્રતાપભાઇ, રવિભાઇ સહિતે જાણ કરતાં આજીડેમ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

પોસ્‍ટમોર્ટમ બાદ ચાંદનીનો મૃતદેહ કોલ્‍ડ રૂમમાં રખાયો છે. તેના પિતા મુંબઇથી આવ્‍યા બાદ અંતિમવિધી માટે લઇ જવાશે.  તેર વર્ષની ચાંદનીના આપઘાતની બહેન-બનેવી, માતા-પિતા સહિતના પરિવારજનો શોકમાં ગરક થઇ ગયા હતાં.

(11:38 AM IST)