<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th November 2025

રાજકોટમાં બંધારણ દિવસની ઉજવણી: 'બંધારણીય સુશાસન અને સત્તાની વહેંચણી' પર સેમિનાર: વર્ષભર ‘તમારા બંધારણને જાણો’ અભિયાન ચાલશે

રાજકોટ: ભારતીય બંધારણની પ્લેટિનમ જયંતી નિમિત્તે રાજકોટમાં લીગલ રિસર્ચ ફાઉન્ડેશન અને એચ.એન.એસ. ઈન્સ્ટિટ્યૂટના ઉપક્રમે આયોજિત વિશેષ સેમિનારમાં બંધારણીય સર્વોપરિતા અને સત્તાની વહેંચણી અંગે વિદ્વતાપૂર્ણ મંથન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બંધારણના મૂળ ગ્રંથનું પૂજન કરી વર્ષભર દરેક વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ માટે ‘તમારા બંધારણને જાણો’ અભિયાન ચલાવવાનો સંકલ્પ લેવાયો હતો.

બંધારણ દિવસ એટલે કે ૨૬ નવેમ્બર નિમિત્તે લીગલ રિસર્ચ ફાઉન્ડેશન, રાજકોટની લો કોલેજો અને એચ.એન.એસ. ઈન્સ્ટિટ્યૂટ ઓફ લીગલ સ્ટડીઝના યજમાનપદે આયોજિત આ કાર્યક્રમમાં ભારત સરકાર દ્વારા પ્રકાશિત બંધારણની મૂળ પ્રતિકૃતિ સમાન ગ્રંથનું પૂજન કરી આમુખના શપથ લેવામાં આવ્યા હતા.

કાર્યક્રમના અધ્યક્ષ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ પ્રો. કમલેશ જોષીપુરાએ ‘સેપરેશન ઓફ પાવર એન્ડ ઇન્ડિયન કોન્સ્ટિટ્યૂશન’ વિષય પર વક્તવ્ય આપતા જણાવ્યું હતું કે, તાજેતરમાં રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ પાસે વિચારાધીન ખરડાઓ સંદર્ભે સુપ્રીમ કોર્ટે ખૂબ જ સંતુલિત અને બંધારણીય સર્વોપરિતા જળવાય તેવો 'વ્યાજબી સમય' શબ્દ પ્રયોજીને અભિપ્રાય આપ્યો છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, આમુખ મુજબ સત્તાનું મૂળ ભારતીય જનતા છે અને લોકતંત્રમાં સંસદ, ન્યાયતંત્ર તથા કારોબારીની મર્યાદાઓ નિશ્ચિત છે.

સમાજ કાર્ય ભવનના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ દવેએ દરેક વિદ્યાશાખામાં બંધારણના જ્ઞાનની અનિવાર્યતા સમજાવી હતી. 

ગુજરાત રાજ્ય શિક્ષણ સેવાના ડો. અરુંધતી દાસાણીએ બંધારણના ઘડતરમાં સરદાર પટેલ, કનૈયાલાલ મુનશી, હંસાબહેન મહેતા, જયસુખલાલ હાથી, ઠક્કરબાપા અને ડૉ. આંબેડકરના પ્રદાનને યાદ કર્યા હતા. 

 

જ્યારે ગૌતમભાઈ દવેએ શાળા-કોલેજોમાં બંધારણીય શિક્ષણ પર ભાર મૂક્યો હતો.

 

એચ.એન.એસ. ઈન્સ્ટિટ્યૂટના પ્રાધ્યાપક પ્રિયંકા દ્વારા સુયોજિત આ કાર્યક્રમમાં સરકારી લો કોલેજના પ્રકાશભાઈ કાગડા, કાયદા ભવનના ધરાબેન ઠાકર, વીજ ગ્રાહક તકરાર પંચના સભ્ય અને ધારાશાસ્ત્રી કૌશિક છાયા, કાઉન્સેલર પારૂલબેન પંડ્યા અને ડો. મોનિકાબેન શાહ સહિતના અગ્રણીઓ, ધારાશાસ્ત્રીઓ અને સંશોધકો ઉપસ્થિત રહ્યા હતા.

(1:04 PM IST)