તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 27th November 2025
ડિસેમ્બરમાં કુમાર વિશ્વાસના વ્યાસાસને યોજાશે વિશ્વની પ્રથમ 'જલકથા'
ગીરગંગા પરિવારના જળસંચય મહાઅભિયાનને રાજકોટ બાપ્સના અપૂર્વમુનિ સ્વામીના આશીર્વાદ : : ૧૫ થી ૧૭ ડિસેમ્બર દરમિયાન રાજકોટમાં ડો. કુમાર વિશ્વાસની ‘જલકથા’ યોજાશે: ટ્રસ્ટ દ્વારા ૧૦ વર્ષમાં ૮,૩૫૪ જળસંચયના કામો દ્વારા ૭.૫૫ લાખ લોકોને સીધો લાભ મળ્યો * જળ સંચય એ માત્ર સામાજિક કાર્ય નહીં, પણ ‘આધ્યાત્મિક ફરજ’ છે: પૂ. અપૂર્વમુનિ સ્વામીએ ટ્રસ્ટના કાર્યાલયની મુલાકાત લીધી

રાજકોટ: સૌરાષ્ટ્રમાં જળક્રાંતિના મશાલચી સમાન ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આયોજિત આગામી ઐતિહાસિક કાર્યક્રમો અને જળસંચયના કાર્યોને બિરદાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડના સંત પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીએ તાજેતરમાં ટ્રસ્ટના કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ તકે સ્વામીજીએ ડિસેમ્બર માસમાં યોજાનારી વિશ્વપ્રસિદ્ધ કવિ ડો. કુમાર વિશ્વાસની 'જલકથા' માટે આશીર્વાદ પાઠવ્યા હતા.
વિશ્વની પ્રથમ ‘જલકથા’નું ભવ્ય આયોજન
ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જળ સંચયના ૧,૧૧,૧૧૧ કાર્યોના સંકલ્પને વેગ આપવા રાજકોટના આંગણે એક ઐતિહાસિક આયોજન કરવામાં આવ્યું છે.
આગામી ૧૫, ૧૬ અને ૧૭ ડિસેમ્બરના રોજ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે દરરોજ સાંજે ૭ થી ૧૨ દરમિયાન વિશ્વની પ્રથમ 'જલકથા: અપને અપને શ્યામ કી' યોજાશે. જેમાં જાણીતા કવિ ડો. કુમાર વિશ્વાસ સાહિત્ય, ધર્મ અને સંસ્કૃતિના માધ્યમથી જળ સંરક્ષણનો સંદેશ આપશે.
પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોધરા અને શ્રી ડી.વી. મહેતાની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીએ જણાવ્યું હતું કે, "ભારતીય સંસ્કૃતિમાં પાણીને 'નીર' નહીં પણ 'નીર-જીવન' કહેવાયું છે. જળ સંચય એ માત્ર સરકારી કે સામાજિક પ્રવૃત્તિ નથી, પરંતુ એક આધ્યાત્મિક ફરજ છે. ગીરગંગા પરિવાર જે યજ્ઞ કરી રહ્યું છે તે વંદનીય છે."
છેલ્લા એક દાયકાથી કાર્યરત ગીરગંગા પરિવાર ટ્રસ્ટે ગુજરાતના ૭ જિલ્લા, ૩૫ તાલુકા અને ૫૮૨ ગામોમાં ૮,૩૫૪ થી વધુ ચેકડેમ, તળાવો અને બોરવેલ રિચાર્જના કામો કર્યા છે. જેનાથી ૪.૨૯ લાખ એકર જમીનનું જળસ્તર સુધર્યું છે. ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રને પાણીની બાબતમાં આત્મનિર્ભર બનાવવું એ જ અમારો સંકલ્પ છે.
આ ગરિમાપૂર્ણ સમારોહમાં ટ્રસ્ટના સભ્યો દ્વારા પૂજ્ય સ્વામીજીનું ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગીરગંગા પરિવારના અગ્રણીઓ સર્વશ્રી જમનભાઈ ડેકોરા, પ્રતાપભાઈ પટેલ, વિરાભાઈ હુંબલ, રમેશભાઈ ઠક્કર, વસંતભાઈ લીંબાસીયા, જેન્તીભાઈ સરધારા, ભરતભાઈ દોશી, ભાવેશભાઈ સખીયા, સંજયભાઈ ટાંક, ગોપાલભાઈ બાલધા, પી.એમ સખીયા, પ્રકાશભાઈ ભાલાળા અને કૌશિકભાઈ સરધારા સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની વ્યવસ્થા દિલીપભાઈ મમિયા દ્વારા સંભાળવામાં આવી હતી.
(2:04 PM IST)










