<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th November 2025

સાળંગપુર જવાનું છે જમવાનું તૈયાર રાખજે કહી ત્રણ બાળકોને લઇ નીકળ્‍યા પછી પતિ ગાયબ

સત્‍યસાઇ રોડ શ્રીજી હેરીટેજનો બનાવઃ પરિણીતાની તાલુકા પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૨૭ શહેરના સત્‍ય સાંઈ રોડ પર રહેતાં સંદીપભાઇ દાવડા તેના ત્રણ સંતાનો સાથે ગાયબ થઇ જતાં તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ છે.

આ બનાવમાં તાલુકા પોલીસે સત્‍ય સાઇ રોડ મારૂતિ ચોક શ્રીજી હેરીટેજ એપાર્ટમેન્‍ટ એ-૨૦૩માં રહેતી ધ્‍યાનાબેન સંદીપભાઈ દાવડા (ઉ.વ.૩૭)ની ફરિયાદ પરથી તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે.  ધ્‍યાનાબેને ફરિયાદમાં જણાવ્‍યું છે કે મારા લગ્ન ૨૦૧૩ના રોજ જ્ઞાતિના રિવાજ મુજબ થયા છે. લગ્ન બાદ અમે સંયુક્‍ત પરિવારમાં રહેતાં હતાં. બાદમાં પતિ-પત્‍નિ બાળકો અલગ સત્‍ય સાઇ રોડ પર રહેતાં હતાં. અહિથી છેલ્લે તા. ૨૮/૧૦/૨૫ના રોજ મારા પતિ ત્રણેય બાળકોને પોતે છાપરા ગામે પ્‍લોટીંગ બતાવવા જાય છે, તું જમવાનું બનાવી રાખજે, છાપરાથી આવીને સાળંગપુર જવાનું છે તેમ કહી બાળકોને લઇ નીકળી ગયેલ. એ પછી તે પરત ન આવતાં  ફોન જોડતાં ફોન પણ બંધ આવતો હતો. ત્‍યારબાદ તેણીએ તપાસ કરતાં ખબર પડી હતી કે તેના પતિ બાળકોને લઇ તેણીના સસરાના ઘરે ગયા હતાં અને ત્‍યાં તેમને નાસ્‍તો અપાયો હતો, નાણાકીય સહાય પણ કરી હતી. પોતાને માનસિક ત્રાસ આપવાના ઇરાદે સાસુ, સસરા, જેઠ, જેઠાણીએ સાથે મળી તેણીના પતિને બાળકો સાથે ક્‍યાંક મોકલી દીધાનો આરોપ મુકાયો છે. આ આક્ષેપો મામલે પીઆઇ ડી. એમ. હરીપરાની રાહબરીમાં હેડકોન્‍સ. મયુરભાઇ ઠાકરે ફરિયાદ નોંધતા એએસઆઇ દીપકભાઇ પંડીતે ગુનો દાખલ કરાવ્‍યો હતો. વધુ તપાસ  પીએસઆઇ કે. એચ. કારેણા ચલાવી રહ્યા છે.

(3:38 PM IST)