<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th November 2025

પોરબંદરથી રાજકોટ લગ્ન પ્રસંગોમાં શરણાઇ વગાડવા આવેલા બાબુભાઇ મીરનું પડી જતાં મોત

નવાગામમાં સગાના ઘરે પાંચેક દિવસથી રોકાયા હતાં: લઘુશંકા કરવા માટે પગથીયા ઉતરતી વખતે બનાવ બન્‍યો

રાજકોટ તા. ૨૭: પોરબંદરથી લગ્ન પ્રસંગે રાજકોટ શરણાઇ વગાડવા આવેલા  શરણાઇવાદક વૃધ્‍ધનું નવાગામમાં સગાના ઘરે હતાં ત્‍યારે  રાતે અગાસી પરથી પગથીયા ઉતરતી વખતે પડી જતાં ઇજા થવાથી મોત થયું છે.

જાણવા મળ્‍યા મુજબ પોરબંદર રહેતાં બાબુભાઇ ઇબ્રાહીમભાઇ મીર (ઉ.વ.૬૯) પાંચેક દિવસથી રાજકોટ અલગ અલગ લગ્નપ્રસંગોમાં શરણાઇ વગાડવા માટે રાજકોટ આવ્‍યા હતાં અને અહિ નવાગામમાં શેરી નં. ૪માં રહેતાં સગાના ઘરે રોકાયા હતાં. સવારે તેમની લાશ મળતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. બનાવની જાણ થતાં બી-ડિવીઝન પોલીસ સ્‍ટેશનના હેડકોન્‍સ. કુલદીપભાઇ અને રાઇટર રાજાભાઇ સહિતે ઘટના સ્‍થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.

પોલીસ તપાસમાં ખુલ્‍યુ હતું કે મૃત્‍યુ પામનાર બાબુભાઇ મીર રાતે અગાસી પર સુતા હતાં. રાતે કોઇપણ સમયે લઘુશંકા કરવા માટે નીચે ઉતરતાં હતાં ત્‍યારે પગથીયા પરથી લપસી જતાં ઘરની બહારની તરફ ફેંકાઇને પટકાયા હતા. આ કારણે મોઢા પર ઇજા થઇ હતી અને બેભાન થઇ ગયા બાદ મૃત્‍યુ થયું હતું. કોઇએ જાણ કરતાં ૧૦૮ પહોંચી હતી અને તેના તબિબે વૃધ્‍ધને મૃત જાહેર કર્યા હતાં. સગાએ જણાવ્‍યું હતું કે બાબુભાઇ પોરબંદરથી શરણાઇ વગાડવા માટે રાજકોટ આવીને તેને ત્‍યાં રોકાયા હતાં. તેમને સંતાનમાં એક દિકરો છે. બનાવ આકસ્‍મીક હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્‍યું હતું.

(3:52 PM IST)