હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મારાથી કોઇને દુઃખ પહોંચ્યું હોય તો માફ કરજો, મારા આત્માને શાંતિ મળેઃ ચિઠ્ઠી લખી છાત્રાનો આપઘાત
ચોટીલાના તાજપરની બાળા એક વર્ષથી રાજકોટ છાત્રાલયમાં ધોરણ-૧૧માં ભણતી હતી :ગોકુલધામ પાસે છાત્રાલયમાં રહેતી હતીઃ બે વાગ્યે રૂમમાં સાથે રહેતી છાત્રા જાગી ત્યારે રીન્કલને લટકતી જોતાં દેકારો મચાવ્યોઃ ગૃહમાતાએ ૧૦૮ બોલાવી પણ જીવ ન બચ્યોઃ કારણ જાણવા માલવીયાનગર પોલીસ દ્વારા તપાસઃ ગત બપોરે જ પિતાને ફોન કરી ખબર અંતર પુછ્યા હતાં: દિકરીના અચાનક આવા પગલાથી માતા-પિતા સહિતના સ્વજનો શોકમાં ગરક

રાજકોટ તા. ૨૮: શહેરના ગોકુલધામ નજીક આવેલી છાત્રાલયમાં રહી લાલ બહાદુર શાષાી કન્યા વિદ્યાલયમાં ધોરણ-૧૧માં અભ્યાસ કરતી ચોટીલાના તાજપર ગામની ૧૬ વર્ષની છાત્રાએ મોડી રાતે છાત્રલાયના રૂમમાં આવેલા ખુણામાં લોખંડના એંગલમાં દૂપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. ‘મારાથી કોઇને દુઃખ પહોંચ્યું હોય તો માફ કરજો, મારા આત્માને શાંતિ મળે' તેવું ટુંકુ લખાણ ચિઠ્ઠીમાં લખ્યા પછી તેણીએ આ પગલુ ભર્યુ હતું. સાથે સાથે બહેનપણીનું નામ લખી તેને પણ સોરી કહ્યું છે. આપઘાતનું કારણ જાણવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
જાણવા મળ્યા મુજબ ગોકુલધામ ક્વાર્ટર પાસે આવેલી ડાલીબાઇ કન્યા છાત્રાલયમાં રહેતી ચોટીલાના તાજપર ગામની રીન્કલ મનસુખભાઇ ગોરધનભાઇ ગાબુ (ઉ.વ.૧૬) નામની છાત્રાએ મોડી રાતે બે વાગ્યા આસપાસ રૂમમાં ખુણાના ભાગે દિવાલમાં લોખંડનું એંગલ હોઇ તેમાં દૂપટ્ટો બાંધી દેહ લટકાવી દીધો હતો. તેણીના રૂમમાં સાથે જ રહેતી બહેનપણીની રાતે બે વાગ્યે ઉંઘ ઉડી ત્યારે રીન્કલને લટકતી જોઇ હેબતાઇ ગઇ હતી અને બૂમાબૂમ કરી મુકતાં ગૃહમાતા તથા બીજી છાત્રાઓ જાગી ગઇ હતી અને બધા રીન્કલના રૂમ તરફ દોડી આવ્યા હતાં. તુરત જ ૧૦૮ને બોલાવાઇ હતી. પરંતુ તેના તબિબે રીન્કલને મૃત જાહેર કરતાં કલ્પાંત સર્જાયો હતો.
ઘટનાની માલવીયાનગર પોલીસને જાણ થતાં એએસઆઇ એચ. ટી. પરમાર સહિતના સ્ટાફે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો. એ પહેલા ગૃહમાતા દ્વારા બાળાના વાલીને પણ જાણ કરી દેવાઇ હોઇ તાજપરથી રીન્કલના પિતા મનસુખભાઇ ગોરધનભાઇ ગાબુ, માતા શોભનાબેન સહિતના પરિવારજનો રાજકોટ દોડી આવ્યા હતાં.
પોલીસે તપાસ કરતાં રીન્કલે આપઘાત કરતાં પુર્વે એક ફુલ સ્કેપ ચોપડામાં સ્યુસાઇડ નોટ લખી હતી. જેમાં ‘મારાથી કોઇને દુઃખ પહોંચ્યું હોય તો મને માફ કરો, મારા આત્માને શાંતિ મળે' તેવુ લખ્યું છે. આ ઉપરાંત બહેનપણીનું નામ લખી તેને પણ સોરી કહ્યું છે. ત્રણ લિટીની આ નોટ પોલીસે કબ્જે કરી છે. રીન્કલે આપઘાત શા માટે કર્યો તેની કોઇ વિગતો હજુ બહાર આવી નથી.
રીન્બલ બે ભાઇ અને બે બહેનમાં ત્રીજી હતી. તેના પિતા મનસુખભાઇ ગાબુ ખેતી કરી ગુજરાન ચલાવે છે. તેમણે કહ્યું હતું કે-અમે આ વર્ષે જ દિકરી રીન્કલને રાજકોટ ૧૧મું ધોરણ ભણાવવા લાલબહાદુર શાષાી કન્યા વિદ્યાલયમાં એડમીશન કરાવ્યું હતું. રીન્કલ છાત્રાલયમાં રહીને ત્યાંથી શાળાએ સીટી બસમાં આવ-જા કરતી હતી. હજુ ગઇકાલે બપોરે જ રીન્કલે છાત્રાલયના નિયમ અનુસાર ત્યાંના ફોનમાંથી મારી સાથે ફોનમાં વાત કરી હતી અને મને ખબર અંતર પુછ્યા હતાં. છાત્રાલયમાં દિકરીઓને ફોન રાખવાની મનાઇ છે. મારી સાથે વાત કરી ત્યારે તે જરા પણ દુઃખી હોય કે ચિંતામાં હોય તેવો અણસાર આવ્યો નહોતો. ત્યાં મોડી રાતે અમને દિકરીના આ કઠોર પગલાની જાણ થઇ હતી.
અંતિમવિધી બાદ પોલીસ વિશેષ નિવેદન સહિતની કાર્યવાહી કરશે. રીન્કલે ચિઠ્ઠીમાં જે ત્રણ લીટી લખી છે તેમાં તેણે કોઇ ભુલ થઇ ગઇ હોય તો માફ કરજો એવુ લખ્યું છે. ત્યારે તેનાથી કઇ ભુલ થઇ હતી? શું બન્યું હતું? કઇ વાત તેને આત્મહત્યા સુધી દોરી ગઇ? તે સહિતની તપાસ હવે પછી પોલીસ કરશે. લાડકવાયી દિકરીના મૃત્યુથી ગાબુ પરિવારમાં અને છાત્રાલયમાં પણ ગમગીની વ્યાપી ગઇ છે. (૧૪.૫)










