હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
૭ વ્યંઢળનો ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ
ગંજીવાડામાં રહેતાં નિકીતામાસીએ સાંજે ચોકમાં ફિનાઇલ પીધી : તેણે જેના પર આક્ષેપો કર્યા એ મીરાદેના છ શિષ્ય વ્યંઢળોએ રાતે બે વાગ્યે ઘંટેશ્વર ખાટુ શ્યામ મંદિર પાસે સામુહિક ફિનાઇલ ગટગટાવ્યું : નિકીતાદેએ આક્ષેપ કર્યો કે અગાઉની મારામારીનું સમાધાન કરી લેવા મને દબાણ થાય છેઃ સામે ખુશ્બુદે, સમીરાદે, બીંદીયાદે, ગોપીદે, કલ્પુદેએ કહ્યું-નિકીતાદેને કમિટીમાં મોટુ થઇને રહેવું છે, અમે તેને બરતરફ કરતાં વિવાદ ચાલે છે, અમને સતત ધમકી મળતાં અમારે પગલુ ભરવું પડયું: પોલીસે બંને પક્ષની તપાસ હાથ ધરી : સાંજે ફિનાઇલ પી લેનાર નિકીતામાસીનો વિડીયો વાયરલઃ તેણે આક્ષેપ કર્યા મીરાદે અને મિહીરનો ત્રાસ છે, હું મારુ જીવન ટુંકાવી લઇશઃ મને પાંચ મહિના પહેલા ૩૦ જણાએ ભેગા થઇ જ્યુબીલી પાસે મારી હતીઃ હું શાંતિથી રોટલો માંગી ખાઉ એટલી જ માંગણી

રાજકોટ તા. ૨૮: શહેરમાં વધુ એક વખત કિન્નર સમુદાયમાં ચકચાર જગાવતી ઘટના બની છે. જેમાં ભાવનગર રોડ પર ગંજીવાડામાં રહેતાં એક વ્યંઢળે સાંજે ચોકમાં ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. તેણે જેના પર આક્ષેપો કર્યા એ છ વ્યંઢળ કે જે ઘંટેશ્વર ૨૫ વારીયામાં રહે છે એ છએયએ મોડી રાતે બે વાગ્યે ઘંટેશ્વર નજીક આવેલા શ્રી ખાટુશ્યામ મંદિર પાસે એક સાથે ફિનાઇલ પી સામુહિક આપઘાતનો પ્રયાસ કરતાં છએયને સારવાર માટે દાખલ કરાયા છે. બંને પક્ષે પાંચ મહિનાથી ચાલતાં જુના મનદુઃખ મામલે સામ સામે આક્ષેપો થયા હોઇ પોલીસે તપાસ હાથ ધરી છે.
જાણવા મળ્યા મુજબ ઘંટેશ્વર ૨૫ વારીયામાં રહેતાં કિન્નર-વ્યંઢળો ખુશ્બુદે ગોપીદે (ઉ.વ.૨૪), સમીરાદે ગોપીદે (ઉ.વ.૩૦), બીંદીયાદે મીરાદે (ઉ.વ.૩૨), ગોપીદે મીરાદે (ઉ.વ.૩૦), ટીનદે મીરાદે (ઉ.વ.૩૦) અને કલ્પુદે મીરાદે (ઉ.વ.૨૭)એ રાતે બે વાગ્યે જામનગર રોડ ઘંટેશ્વર નજીક આવેલા શ્રીખાટુ શ્યામ મંદિર પાસે એક સાથે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં તમામને હેતલદેએ ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અમૃતભાઇ મકવાણા, ધર્મેન્દ્રભાઇ, પ્રતાપભાઇ, રવિભાઇ સહિતે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી.
હોસ્પિટલના બીછાનેથી ખુશ્બુદે સહિતના વ્યંઢળોએ કહ્યું હતું કે અગાઉ અમારી સાથે જ નિકીતાદે હતાં. પણ તેને અમારી કમીટીમાં આગળ થઇ જવું હોઇ જેથી અમારી વચ્ચે વિવાદ થયો હતો. પાંચ મહિના પહેલા આ કારણે માથાકુટ થતાં અમે તેને અમારી કમિટીમાંથી બરતરફ કરી દેતાં હાલ તે ગંજીવાડામાં રહે છે અને અમે બધા ઘંટેશ્વરમાં રહીએ છીએ. અમને તેના તરફથી ફોન પર સતત ધમકીઓ મળતી રહે છે. ગઇકાલે પણ તેણે ફોન કરી અમે તને જ્યાં ભેગા થઇશું ત્યાં તે છરી મારી દેશે તેવી ધમકી આપી હતી. આણી અમે બધા ગભરાઇ ગયા હોઇ રાતે ઘરેથી નીકળી એક સાથે ફિનાઇલ પી લીધી હતી.
બીજી તરફ આ ઘટના બની એ પહેલા સાંજે સાડા આઠેક વાગ્યે ગંજીવાડા-૧૩માં રહેતાં નિકીતામાસી જેના ગુરૂ મીરાદે છે તેણીએ પણ ગંજીવાડાના શક્તિ ચોકમાં ફિનાઇલ પી લેતાં તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં થોરાળા પોલીસને જાણ કરાઇ હતી. સારવાર બાદ નિકીતામાસીએ રાતે જ રજા લીધી હતી. તેણીએ મીરાદે અને મિહીર સહિતનો પોતાને અનહદ ત્રાસ હોઇ તેના કારણે આ પગલુ ભર્યાનો આક્ષેપ કર્યો હતો. આ પછી સારવાર બાદ રજા લીધી હતી.
બાદમાં મોડી રાતે નિકીતામાસીએ જેના પર આક્ષેપો કર્યા એ મીરાદેના શિષ્યો એવા છ વ્યંઢળોએ સામુહિક આપઘાતનો પ્રયાસ કરતાં છએય સારવાર હેઠળ છે. પોલીસે સામ સામે કરવામાં આવેલા આક્ષેપોની તપાસ હાથ ધરી છે. શહેરમાં વધુ એક વખત કિન્નર સમુદાયમાં અંદરો અંદરની માથાકુટને કારણે ચર્ચા જાગી છે.
દરમિયાન સાંજે ફિનાઇલ પી લેનારા નીકીતામાસીનો વિડીયો પણ સોશિયલ મિડીયામાં વહેતો થયો છે. જેમાં તેણે કહ્યું છે કે-મારૂ નામ નિકીતામાસી છે, મેં ભેખ પહેર્યો એને સોળ વર્ષ થયા છે. મેં મીરા અને મીહીરના ત્રાસથી દવા પીધી છે, મને સારુ થઇ જાશે તો પણ આગળ જતાં મારુ જીવન ટુંકાવી લીધુ હતું. મને ત્રીસ જણાએ મળીને જ્યુબીલી પાસે માર માર્યો હતો. હું ઓરીજીનલ કિન્નર છું, હું મારો રોટલો શાંતિથી માંગી ખાઉ બસ એટલી જ મારી માંગણી છે. (૧૪.૭)










