<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th November 2025

જુનાગઢના ભાવીને ઇન્‍સ્‍ટાગ્રામ મારફત રાજકોટની બે સંતાનની માતાને ફસાવી દૂષ્‍કર્મ આચરી જિંદગી બગાડી

પોતાનાથી ઉંમરમાં નાના શખ્‍સ પર આંધળો વિશ્વાસ કરી વીસ વર્ષ જુના લગ્નસંબંધને ભુલી કહેવાતા પ્રેમી સાથે ગઇઃ પણ તેણે લગ્ન ન કરી જાકારો આપી દીધોઃ યુનિવર્સ્‍ટિી પોલીસે ગુનો દાખલ કર્યો : મારા ઘરના અપનાવે કે ન અપનાવે હું તને અપનાવીશ તેમ કહી અનેક વખત શરીર સંબંધ બાંધ્‍યાઃ એક વખત તો ભાવીનની મમ્‍મીએ પણ ફોનમાં કહેલુ-તમે એક બીજાને પસંદ કરો છો તો મને કોઇ વાંધો નથીઃ ઉજ્જૈન ફરવા ગયા ત્‍યારે પરિણીતાના પતિને શંકા જતાં ભાવીનનો મોબાઇલ ચેક કર્યો અને ભાંડો ફુટયો : ભાવીન પરિણીતાને તેણીના માવતર, પતિ સહિતની હાજરીમાં અપનાવવાની વાત કરી ભાવીન મોટે ઉપાડે જુનાગઢ સાથે તો લઇ ગયો પણ તેના પરિવારજનોએ તેણીને ન અપનાવતાં પરત રાજકોટ મોકલી દીધી

રાજકોટ તા. ૨૮: સોશિયલ મિડીયા થકી મિત્રતા અને  પ્રેમની જાળમાં ફસાવી વધુ એક શખ્‍સે દૂષ્‍કર્મ આચર્યુ છે. જુનાગઢના યુવાને રાજકોટ રહેતી બે સંતાનની માતા સાથે ઇન્‍સ્‍ટાગ્રામથી ફ્રેન્‍ડશીપ કરી બાદમાં પોતે તેણીને અપનાવશે, લગ્ન કરી લેશે, પોતાના પરિવારના લોકો માને કે ન માને પણ પોતે તે લગ્ન કરીને લઇ જ જશે તેવી વાતો કરી ફસાવી રાજકોટ આવી અવાર-નવાર પરિણીતાના ઘરે તેમજ અન્‍ય સ્‍થળોએ શરીરસંબંધ બાંધી લીધા હતાં. જો કે પરિણીતા ૨૦ વર્ષના લગ્નસંબંધને જતાં કરી પતિને છોડી આ કહેવાતા પ્રેમી સાથે નીકળી ગઇ  પછી પ્રેમીએ તેણીને ન અપનાવતાં પોતાની સાથે ફ્રેન્‍ડશીપના નામે છેતરપીંડી થયાનું અને શોષણ થયાનું જણાતાં પોલીસને જાણ કરી હતી.

આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે રાજકોટ રહેતી ૩૭ વર્ષિય મહિલાની ફરિયાદ પરથી જુનાગઢના ભાવીન રતિલાલ મકવાણા વિરૂધ્‍ધ દૂષ્‍કર્મનો ગુનો નોંધી તેને ઝડપી લેવા તજવીજ આદરી છે. આ પરિણીતાને સંતાનમાં એક દિકરી અને એક દિકરો છે. ોલીસ ફરિયાદ મુજબ ભોગ બનનાર મહિલા રાજકોટમાં પતિ અને દિકરા-દિકરી  સાથે રહ છે.  આશરે ત્રણ મહિના પહેલા તેને જૂનાગઢના ભાવિન રતિલાલ મકવાણા સાથે ઇન્‍સ્‍ટાગ્રામ પર મિત્રતા થઈ હતી. બંને વચ્‍ચે વાતચીત વધતાં ભાવિન રાજકોટ તેને મળવા આવ્‍યો હતો. આ વખતે મહિલાએ ભાવિનને જણાવ્‍યું હતું કે તે પરણીત છે, બે બાળકોની માતા છે અન ઉંમરમાં પણ તેનાથી મોટી છે. આમ છતાં ભાવિને-હું તને અપનાવીશ અને લગ્ન કરીશ જ, તેવી લોભામણી વાતો કરી વિશ્વાસમાં લીધી હતી. ત્‍યાર પછી ભાવિન અવારનવાર મહિલાના ઘરે આવતો હતો. એક દિવસ મહિલાના પતિ નોકરી પર હતા અને બાળકો નીચે રમવા ગયા હતા ત્‍યારે ભાવિ તેણીના ઘરે પહોંચી ગયો હતો.

આ વખતે પરિણીતાએ સંતાનોને આ મારી ફ્રેન્‍ડનો ફ્રેન્‍ડ છે તેમ કહી સંતાનોને આ ભાવીન મારી ફ્રેન્‍ડનો દિકરો છે તેમ કહ્યું હતું. બાદમાં સંતાનો બિલ્‍ડીંગ નીચે રમવા જતાં રહ્યા હતાં. આ પછી ભાવીન લગ્નની વાત કરી શરીર સંબંધ બાંધ્‍યો હતો. ત્‍યારબાદ આ સિલસિલો ચાલુ રહ્યો હતો. બંને એકબીજાને અવારનવાર મળતા અને મહિલાની મિત્રના ઘરે પણ તેઓ શરીર સંબંધ બાંધતા હતા. ભાવિને તેના પરિવાર સાથે પણ ફોન પર વાતચીત કરાવી લગ્ન માટે રાજી હોવાનું નાટક કર્યું હતું. દરમિયાન દિવાળી પર પરણિીતા, તેનો પતિ, બાળકો અને તેમજ ભાવિન સહિતના લોકો ઉજ્જૈન ફરવા ગયા હતા. પરત ફરતી વખતે તેણીના પતિને શંકા જતાં તેણે ભાવિનનો મોબાઈલ ચેક કર્યો હતો, જેમાં પત્‍નિ અને ભાવિનના ફોટા મળી આવતા ભાંડો ફૂટયો હતો.

આ ઘટના બાદ રાજકોટ પરત ફર્યા પછી પરિણીતાના માવતર પક્ષને બોલાવી તેણીના અને ભાવીનના સંબંધની વાત કરી હતી. આ વખતે ભાવીન પણ હાજર હતો. તેણે બધાની વચ્‍ચે તેણીને અપનાવી લેવાની વાત કરી હતી અને તેણીને પોતાની સાથે જુનાગઢ લઇ ગયો હતો. પરંતુ જુનાગઢ ભાવીનના પરિવારજનોને આ પસંદ ન પડતાં ભાવીને તેણીને પરત રાજકોટ જતાં રહેવાનું કહેતાં તે રાજકોટ આવી ગઇ હતી. બાદ ફરીથી જુનાગઢ પોતાની બહેનપણીના ઘરે અને ત્‍યાંથી ભાવીનના મમ્‍મી-પપ્‍પાના ઘરે ગઇ હતી. ત્‍યારે ભાવીન પણ હાજર હતો. પરંતુ તે લગ્ન બાબતે કંઇ બોલતો ન હોઇ તેણી પરત રાજકોટ આવી હતી. એ પછી પતિ સાથે છુટાછેડાની વાત ચાલતી હોઇ ૭/૧૧ના રોજ છુટાછેડા લઇ લીધા હતાં.  જે વ્‍યક્‍તિ માટે પરિણીતાએ પોતાનું ઘર ભાંગ્‍યું, એ જ વ્‍યક્‍તિએ લગ્ન કરવાની ના પાડી દેતાં પરિણીતાને પોતાની સાથે દગો થયાનું સમજાયું હતું. યુનિવર્સિટી પીઆઇ એચ. એન. પટેલના માર્ગદર્શનમાં હેડકોનસ. જી. એસ. ઝાલાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

(1:16 PM IST)