હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કોઠારીયાની શાનદાર રેસીડેન્સીમાં હીરાના કારખાનેદાર રાજેશભાઇ મારકણાનો આપઘાતઃ વ્યાજખોરી કારણભુત
ઘર નજીક ગોવર્ધન પાન પાસે ઝેર પી દિકરા તિર્થને જાણ કરીઃ હોસ્પિટલે લઇ જતી વખતે વ્યાજમાં આવી ગયાનું કહ્યું હતું: મોબાઇલ ડિટેઇલને આધારે પોલીસ તપાસ કરે તેવી પરિવારની માંગણી

રાજકોટ તા. ૨૮: વ્યાજખોરીમાં ફસાઇ જનારા લોકો આપઘાત કે આપઘાતનો પ્રયાસ કરતાં હોવાના બનાવો અગાઉ પણ બની ગયા છે. દરમિયાન કોઠારીયામાં રહેતાં અને અગાઉ હીરાનું કારખાનુ ચલાવતાં આધેડએ ઘર નજીક પાનની દૂકાન પાસે ઝેર પી લઇ આપઘાત કરી લીધો છે. વ્યાજખોરીમાં ફસાઇ જવાથી અને પઠાણી ઉઘરાણી થતી હોવાથી કંટાળીને આ પગલુ ભર્યાની તેમના પરિવારજનોએ શંકા દર્શાવી છે. પોલીસ તેમનો મોબાઇલ ફોન કબ્જે કરી કોલ ડિટેઇલને આધારે તપાસ કરે તેવી પરિવારજનોએ માંગણી કરી છે.
જાણવા મળ્યા મુજબ કોઠારીયા ગામથી થોડે આગળ આવેલી શાનદાર રેસીડેન્સી-૩માં રહેતાં રાજેશભાઇ બાબુભાઇ મારકણા (ઉ.વ.૪૫)એ પરમ દિવસે ઘર નજીક આવેલા ગોવર્ધન પાન નામના ગલ્લા પાસે ઝેરી દવા પી લીધી હતી. દવા પીધા બાદ પોતાના ૧૯ વર્ષના દિકરા તિર્થને ફોન કરી પોતે દવા પી ગયા છે અને ગોવર્ધન પાન પાસે છે તેવી વાત કરતાં ગભરાઇ ગયેલો તિર્થ પરિવારજનોને જાણ કરી તુરત જ ત્યાં પહોંચતા તેને પિતા રાજેશભાઇ દવા પીધેલી હાલતમાં મળ્યા હતાં. તુરત જ તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ સારવાર દરમિયાન આજે મોત થતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
આપઘાત કરનારા રાજેશભાઇ મારકણા એક બહેન અને બે ભાઇમાં વચેટ હતાં. તેને સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. તેઓ અગાઉ હુડકો ચોકડી પાસે ડિવાઇન ડાયમંડ નામે હીરાનુ કારખાનુ ચલાવતાં હતાં. જો કે આર્થિક સંકડામણને કારણે આ કારખાનુ થોડા સમય પહેલા બંધ કરવાની નોબત આવી ગઇ હતી. તેઓ વ્યાજમાં પણ ફસાઇ ગયા હોઇ તેના કારણે સતત ચિંતામાં રહેતાં હોઇ આ પગલુ ભર્યાનું પરિવારજનોએ કહ્યું હતું. જો કે કોઇ ચિઠ્ઠી પરિવારજનોને મળી નથી. ત્યારે પરિવારજનોએ માંગણી કરી છે કે રાજેશભાઇનો મોબાઇલ ફોન પોલીસ તપાસ માટે જપ્ત કરી કોલડિટેઇલ વગેરે કઢાવે તો અમને ન્યાય મળી શકે.
રાજેશભાઇના દિકરા તિર્થ મારકણાએ જણાવ્યું હતું કે-પપ્પાએ દવા પીધા બાદ મને ફોન કરતાં હું તુરંત ત્યાં પહોંચ્યો હતો. તેમને દવાખાને લઇ જતી વખતે રસ્તામાં તે થોડા ભાનમાં હોઇ મેં શા માટે આવુ કર્યુ? એમ પુછતાં તેણે વ્યાજખોરો હેરાન કરે છે એટલુ બોલ્યુ હતું. બાદમાં તેઓ બેભાન થઇ ગયા હતાં. બનાવને પગલે મારકણા પરિવારમાં શોક છવાઇ ગયો છે. આજીડેમ પોલીસ આ અંગે વધુ તપાસ કરે છે.










