હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જન્મ-મરણના દાખલામાં હવે વધુ વખત સુધારો કરી શકાશે : મનપાની અમલવારી ટુંક સમયમાં
બદલાયેલા સામાજિક માળખા અને સિંગલ પેરેન્ટ માટે સરકારનો મહત્વનો નિર્ણય માર્ગદર્શન જાહેરઃ જુના દાખલાઓ યથાવત રહેશે

રાજકોટ, તા.૨૮: ગુજરાતના લાખો નાગરિકોને જન્મ અને મરણના દાખલામાં નામ સુધારવા અંગેની મુશ્કેલીઓમાંથી મુક્તિ આપતો એક ક્રાંતિકારી નિર્ણય લેવાયો છે. રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળના મુખ્ય રજિસ્ટ્રાર (જન્મ-મરણ) દ્વારા ૨૬ નવેમ્બર, ૨૦૨૫ના રોજ, એક મહત્વપૂર્ણ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે, જે તાત્કાલિક અસરથી લાગુ થશે. આ નવા નિયમો ખાસ કરીને બદલાયેલા સામાજિક માળખા અને સિંગલ પેરેન્ટ્સને મોટી રાહત આપશે. આ પરિપત્ર મુજબ રાજકોટ મહાનગરપાલિકામાં ટૂંક સમયમાં સતાવાર જાહેર કર્યા બાદ અમલવારી ચાલુ કરવામાં આવશે.
જો છૂટાછેડા લીધેલા દંપતીના કિસ્સામાં બાળકની કસ્ટડી કોર્ટના આદેશ મુજબ માતા પાસે હોય, તો બાળકના જન્મના પ્રમાણપત્રમાં તેના નામની પાછળ માતાનું નામ અને માતાની અટક રાખી શકાશે.
નાગરિકોને સૌથી મોટી રાહત આપતો નિયમ એ છે કે હવે જન્મ-મરણની નોંધમાં એકથી વધુ વખત સુધારો કરી શકાશે. અગાઉ, ૨૦૦૭ના નિયમો મુજબ રજિસ્ટ્રાર દ્વારા માત્ર એક જ વાર સુધારો કરી શકાતો હતો. હવે, સંજોગો અને નિયમો બદલાય ત્યારે યોગ્ય આધાર-પુરાવા રજૂ કરીને ફરીવાર પણ જરૂરી સુધારા કરી શકાશે.મરણના દાખલામાં પણ સરળતા
મરણના પ્રમાણપત્રમાં પણ સુધારો કરાયો છે. હવે મરનારના નામ પાછળ પિતા કે પતિનું નામ અને અટક લખાવવી વૈકલ્પિક ગણાશે.મુખ્ય રજિસ્ટ્રાર દ્વારા રાજ્યના તમામ જિલ્લા રજિસ્ટ્રાર, મહાનગરપાલિકા અને નગરપાલિકાના અધિકારીઓને આ નવી એડવાઈઝરીનો તાત્કાલિક અમલ કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે.










