<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th November 2025

એલએલબીના છાત્ર રિક્ષાચાલક યુવાને બ્‍લેકમેઇલીંગથી કંટાળી ફિનાઇલ પીધું

રૈયાધારના યુવાનની રિક્ષામાં મુસાફર તરીકે યુવતિ બેઠી હોઇ ફોન નંબરની આપ-લે થતાં વાતચીત કરતાં હતાં: યુવાને ખોટુ થતું હોવાનું લાગતાં મિત્રતા ખતમ કરતાં દોઢ લાખ માંગી હેરાન કરતી હોવાનો આક્ષેપ

રાજકોટ તા. ૨૮: શહેરના રૈયાધાર ટાઉનશીપ સરકારી ક્‍વાર્ટરમાં રહેતાં અને એલએલબીમાં અભ્‍યાસ કરવાની સાથે સાથે રિક્ષા ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં અનિલ રવજીભાઇ બેડવા (ઉ.વ.૨૨) નામના યુવાને રાતે એક વાગ્‍યે ઘરે ફિનાઇલ પી લેતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. આ યુવાનના પિતાએ આક્ષેપ કર્યો છે કે એક જેતપુર પંથકની યુવતિ જે તેના પતિને મુકીને રાજકોટ આવી છે તેણે મારા દિકરાની રિક્ષામાં મુસાફરી વખતે ફોન નંબરની આપ-લે કરી બાદમાં તેને ફસાવ્‍યો હતો. દિકરાને ખબર પડી જતાં તેણે રીલેશન પુરા કરતાં આ યુવતિ બ્‍લેકમેઇલ કરી ખોટી ફરિયાદ કરતી હોઇ કંટાળીને મારો દિકરો ફિનાઇલ પી ગયો હતો.

અનિલ બેડવા બે બહેનનો એકનો એક ભાઇ છે. તેણે રાતે ફિનાઇલ પી લેતાં સારવાર માટે ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. અનિલના પિતા રવજીભાઇએ જણાવ્‍યું હતું કે ચારેક મહિના પહેલા મારો દિકરો રિક્ષાના ફેરા કરતો હતો ત્‍યારે યુવતિ તેમાં મુસાફર તરીકે બેઠી હતી. બાદમાં તેણીએ પોતાને રોજ બરોજ બહાર આવવા-જવાનું હોય છે તેમ કહી પોતાના નંબર આપી મારા દિકરાના ફોન નંબર પણ લીધા હતાં.

આ પછી બંને એક બીજા સાથે મેસેજમાં વાતો કરતાં હોઇ રિલેશનશીપ થઇ હતી. પણ બાદમાં મારા દિકરાને ખબર પડી હતી કે યુવતિ તેની સાથે ખોટુ કરી રહી છે આથી તેણે એકાદ મહિના પહેલા રિલેશન ખતમ કરી દીધા હતાં. આ પછી તે દોઢ લાખ રૂપિયા માંગી મારા દિકરાને હેરાન કરે છે અને યુનિવર્સિટી પોલીસમાં અરજી કરી મારા દિકરાને હેરાન કરે છે. આથી કંટાળીને તેણે ફિનાઇલ પીધુ હતું. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.

(3:11 PM IST)