કણકોટ ચોકડી શુભમંગલ પાર્ટી પ્લોટ પાસે કારની ઠોકરે માધાપરના મનસુખભાઇનું મોત
ગોંડલ રોડ ચોકડીથી એક્ટીવા હંકારી ઘરે જતાં હતાં ત્યારે બનાવઃ ઝાલાવડીયા પરિવારમાં શોકની કાલીમાઃ તાલુકા પોલીસે કારચાલક સામે ગુનો દાખલ કર્યો

રાજકોટ તા. ૨૮: શહરેના મોટા મવા કણકોટ ચોકડી શુભમંગલ પાર્ટી પ્લોટ પાસે કારની ઠોકરે એક્ટીવા ચડી જતાં તેના ચાલક માધાપર ગામ વૃંદાવન સસાયટી શેરી ન. ૨માં રહેતાં સામાજીક આગેવા મનસુખભાઇ મોહનભાઇ ઝાલાવડીયા (ઉ.વ.૬૦)નું ગંભીર ઇજા થતાં મોત થયું છે.
જાણવા મળ્યા મુજબ માધાપર રહેતાં મનસુખભાઇ ઝાલાવડીયા-પટેલ હરસિધ્ધી ઓટો મોબાઇલમાં નોકરી કરતાં હતાં. તેઓ સાંજે સાડા સાતેક વાગ્યે કણકોટ ચોકડી શુભમંગલ પાર્ટી પ્લોટ પાસેથી એકટ્ીવા જીજે૦૩કેઆર-૭૯૭૦ હંકારીને જતાં હતાં ત્યારે જીજે૦૩પીડી-૭૦૦૮ નંબરની ગ્લોસ્ટર કારની ઠોકરે ચડી જતાં એક્ટીવા સહિત ફેંકાઇ જતાં ગંભીર ઇજાઓ થઇ હતી. તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થયું હતું. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફ મારફત થતાં તાલુકા પોલીસ સ્ટેશનના હેડકોન્સ. કિશનભાઇ અજાગીયા સહિતે હોસ્પિટલે પહોંચી મૃતકના પુત્ર કાર્તિકભાઇ મનસુખભાઇ ઝાલાવડીયા (ઉ.વ.૩૦)ની ફરિયાદ પરથી કારચાલક સામે ગુનો નોંધ્યો છે.
મૃત્યુ પામનાર મનસુખભાઇ ત્રણ બહેન અને ચાર ભાઇમાં વચેટ હતાં. સંતાનમાં એક દિકરી અને એક દિકરો છે. મનસુખભાઇ ગોંડલ ચોકડીએ ગયા હોઇ ત્યાંથી પરત ઘરે જતાં હતાં ત્યારે રસ્તામાં આ બનાવ બન્યો હતો. મોભીના મોતથી પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી.










