<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th November 2025

રાજકોટની 'મુરગા ગેંગ' પર ગુજસીટોકનો સકંજો: ડીસીબી પોલીસ સ્ટેશનમાં ૨૧ વિરૂધ્ધ ગુનો દાખલ

સંગઠિત ગુનાઓ બદલ કાર્યવાહી: ૧૧ની ધરપકડ: ડીસીપી જગદીશ બાંગરવાની રાહબરીમાં એસીપી ભરત બી. બસિયા અને ટીમની કાર્યવાહી અગાઉ પેંડા કમ પરિયા ગેંગ સામે થઈ ચૂકી છે ગુજસીટોકની કાર્યવાહી

​રાજકોટ: રાજકોટ શહેર પોલીસ દ્વારા સંગઠિત ગુનાઓ આચરતી ટોળકીઓ વિરુદ્ધ સખત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તાજેતરમાં રાજકોટ શહેરના એ.ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે જૂથો વચ્ચે સામ-સામે ફાયરિંગનો ગંભીર બનાવ બન્યો હતો. આ બનાવના પગલે, શહેર ક્રાઇમ બ્રાન્ચે 'મુરઘા ગેંગ' તરીકે ઓળખાતા કુલ ૨૧ સાગરીતો વિરુદ્ધ 'ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ-૨૦૧૫ ગુજસીટોક હેઠળ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. અગાઉ સામેની પેંડા કમ પરિયા ગેંગ સામે આવો ગુનો નોંધાયો હતો.

​ગુજરાત રાજ્યમાં સંગઠિત ગુના આચરતી ટોળીઓ ને નિયંત્રણમાં લેવા માટે ગુજસીટોક કાયદો અમલમાં છે. રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા અને અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયાની સીધી સૂચના હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

​તાજેતરમાં 'મુરઘા ગેંગ' દ્વારા સરેઆમ જાહેરમાં ફાયરિંગ કરી આમ નાગરિકોમાં ભયનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું. આથી, સંગઠિત ગુના આચરતી આ ટોળીને નિયંત્રણમાં લેવા માટે નાયબ પોલીસ કમિશ્નરશ્રી (ક્રાઇમ) જગદીશ બાંગરવા સાહેબના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચે ગેંગના સભ્યોનો ગુનાહિત ઇતિહાસ મેળવ્યો હતો.

​સમીર ઉર્ફે મુરઘાની ગેંગનું કૃત્ય

​આ ગેંગનો મુખ્ય સૂત્રધાર સમીર ઉર્ફે મુરઘો યાસીનભાઇ પઠાણ (રહે. જંગલેશ્વર, રાજકોટ) છે. સમીર પઠાણ છેલ્લા ઘણા વર્ષોથી પોતાના ગુનેગાર સાગરીતો સાથે મળીને 'મુરઘા ગેંગ' ચલાવી રહ્યો છે. આ ટોળકીએ સને ૨૦૧૫ થી ૨૦૨૫ દરમિયાન રાજકોટ શહેર અને આજુબાજુના જિલ્લાઓમાં પોતાની ધાક જમાવવા માટે કુલ ૩૬ ગંભીર ગુનાઓ આચર્યા છે, જેમાં આ કૃત્યોનો સમાવેશ થાય છે. પ્રાણઘાતક હથિયારો વડે ખુનની કોશિષ. ​જાહેરમાં ફાયરિંગ કરી ભયનું વાતાવરણ ઊભું કરવું, ​ગેરકાયદેસર મંડળી રચી શરીર સંબંધિત ગુનાઓ આચરવા, ​સરકારી અધિકારી/કર્મચારીઓની ફરજમાં રૂકાવટ અને ઇજા પહોંચાડવી, ​આર્થિક ફાયદા માટે ગેરકાયદેસર આર્મ્સ (હથિયાર) અને એન.ડી.પી.એસ. (ડ્રગ્સ)નું વેચાણ કરવું. ​આ તમામ ગુનાઓ G.C.T.O.C. Act-૨૦૧૫ ની કલમ ૨(૧)(સી)ની જોગવાઈ મુજબ ગંભીર પ્રકારના ધ્યાને આવેલ છે.

​ડી.સી.પી. (ક્રાઇમ) જગદીશ બાંગરવાની સૂચના હેઠળ, મદદનીશ પોલીસ કમિશ્નર (ક્રાઇમ) ભરત.બી.બસીયા (જેઓ આ કેસના તપાસનીશ અધિકારી પણ છે), તથા ડી.સી.બી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એમ.આર.ગોંડલીયા, એમ.એલ.ડામોર, સી.એચ.જાદવ, અને પો.સબ.ઇન્સ સી.બી.જાડેજા નાઓએ અતિ ગુપ્ત રાહે માહિતી મેળવી આ ગેંગ વિરુદ્ધ દરખાસ્ત તૈયાર કરી હતી.

​આ કાર્યવાહીમાં કુલ ૨૧ આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોક (G.C.T.O.C.)ની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તાજેતરમાં થયેલા ફાયરિંગ કેસમાં જેલવાસ ભોગવી રહેલા ૦૫ આરોપીઓનો કબ્જો નામદાર કોર્ટમાંથી મેળવીને ધરપકડ કરવામાં આવશે. આ ઉપરાંત, પકડવાના બાકી આરોપીઓને શોધી કાઢવા માટે પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝાના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવવામાં આવેલી છે.

​રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડવામાં આવેલા આરોપીઓના નામ આ મુજબ છે: ​(૧) શાહજહા ઉર્ફે ગોટીયો સુલેમાનભાઇ ઉર્ફે કાળુ વશીર, (૨) ઇરફાન ઉર્ફે મુનો ઉર્ફે જીમી આમદભાઇ જુણાચ, (૩) તેજીમ રફીકભાઇ ફુફાર, (૪) મુજકીર ઉર્ફે મુજુડો દિલાવરભાઇ બ્લોચ, (૫) સરફરાજ ઉર્ફે સેફુડો ઇકબાલભાઇ ખેડારા, (૬) અહેમદ ઉર્ફે દુડી રફીકભાઇ બકાલી, (૭) સતાર ઉર્ફે મેંગણી સીદીકભાઇ દોઢીયા, (૮) અંજુમ ઇસ્માઇલ ખીયાણી, (૯) સમીર સીંકદર ચાનીયા, (૧૦) દિનેશ હકાભાઇ રીબડીયા, (૧૧) હમીઝ ઉર્ફે ભાણો હારૂનભાઈ આમદભાઇ હેરંજા સામેલ છે.

ચાર આરોપીઓ હાલ રાજકોટ શહેર એ.ડિવિઝન પોલીસ સ્ટેશનના ગુનાના કામે જ્યુડીશયલ કસ્ટડીમાં છે, જેનો કબ્જો મેળવી ધરપકડ કરવામાં આવશે. જેમાં ​(૧) સમીર ઉર્ફે મુર્ધો  યાસીનભાઇ પઠાણ (ગેંગ લીડર), (૨) શાહનવાજ ઉર્ફે નવાજ મુસ્તાકભાઇ વેતરણ, (૩) સોહીલ ઉર્ફ ભાણૉ સીંકદરભાઇ ચાનીયા અને (૪) સલમાન નનકેભાઇ ફકીરનો સમાવેશ થાય છે.

​પોલીસ દ્વારા આ ગુન્હાના કામે તમામ આરોપીઓની ગેરકાયદેસર વસાવેલ મિલકતો ટાંચમાં લેવા અંગેની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. મુરઘા ગેંગ અને અન્ય 'પેંડા ગેંગ' દ્વારા આજીવિકા માટે પ્રોહીબીશન, જુગાર, અને ડ્રગ્સ વેચાણની પ્રવૃત્તિઓ પણ કરવામાં આવતી હતી. આ બંને ગેંગ વિરુદ્ધ પ્રોહીબીશનના ૯૨ ગુના, એન.ડી.પી.એસ.ના ૦૨ ગુના, અને જુગારના ૧૦ ગુના દાખલ થયેલા છે. G.C.T.O.C. હેઠળની આ કાર્યવાહીથી આ ગેંગની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઉપર કાયમી ધોરણે અંકુશ આવશે.

​આ મહત્વપૂર્ણ કાર્યવાહી  નાયબ પોલીસ કમિશ્નર જગદીશ બાંગરવાની સૂચના હેઠળ રાજકોટ શહેરના મદદનીશ પોલીસ કમિશ્નર (ક્રાઇમ) ભરત.બી.બસીયા તથા ડી.સી.બી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એમ.આર.ગોંડલીયા, એમ.એલ.ડામોર, સી.એચ.જાદવ, તથા પો.સબ.ઇન્સ સી.બી.જાડેજાના માર્ગદર્શનમાં પાર પાડવામાં આવી હતી. ​દરખાસ્ત તૈયાર કરવામાં અને ગુનાહિત ઇતિહાસ મેળવવામાં એ.એસ.આઇ ભરતભાઇ વનાણી, અશોકભાઇ કલાલ, રણજીતસિંહ પઢારીયા, તથા પોલીસ હેડ કોન્સ પ્રતીકસિંહ રાઠોડ, પો.કોન્સ પોપટભાઇ ગમારા વિગેરે દ્વારા મહત્વની કામગીરી કરવામાં આવેલ છે.

(7:50 PM IST)