<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th November 2025

‘કોર્ટ કેસ અને ધક્કા ખાઇને કંટાળી ગઇ છું' ભાઇના મિત્રને વિડીયો કોલ કરી ઉર્વશી ધોકીયાનો ફાંસો ખાઇ આપઘાત

જામનગર સાસરૂ ધરાવતી પરિણીતા હાલ ૭ વર્ષના પુત્ર સાથે રાજકોટ એકલી રહેતી હતી : વાવડી ૮૦ના રોડ પર ગોવિંદરત્‍ન એપાર્ટમેન્‍ટમાં બનાવઃ નજીકમાં ગોવર્ધન ચોકમાં રહેતાં ભાઇ તત્‍કાળ પહોંચ્‍યા ત્‍યારે ઉર્વશીબેન લટકતા મળ્‍યાઃ સારવાર માટે ખસેડયા પણ જીવ ન બચ્‍યોઃ પતિ નયન ધોકીયા ફર્નિચરનું કામ કરે છે

રાજકોટ તા. ૨૯: શહેરના વાવડી વિસ્‍તાર ૮૦ ફુટ રોડ પર મટુક રેસ્‍ટોરન્‍ટ પાસે ગોવિંદરત્‍ન એપાર્ટમેન્‍ટમાં રહેતી ઉર્વશીબેન નયનભાઇ ધોકીયા (ઉ.વ.૩૦) નામની પરિણીતાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. જામનગર સાસરૂ ધરાવતી આ પરિણીતાને પતિ સાથે મનમેળ ન હોઇ ત્રણેક વર્ષથી રાજકોટ માવતરે આવી ગઇ હતી. હાલમાં સાત વર્ષના દિકરા સાથે અલગ ભાડેથી રહેતી હતી. ગઇકાલે તેણે ભાઇના મિત્રને વિડીયો કોલ કરી પોતે કોર્ટ કેસથી અને ધક્કા ખાઇ ખાઇને કંટાળી ગઇ છે અને હવે મરી જવાની છે તેવુ કહ્યું હતું. આ પછી ફાંસો ખાઇ લીધો હતો. બનાવને પગલે તેણીનો ભાઇ અને ભાઇનો મિત્ર તુરત જ પહોંચ્‍યા હતાં અને સારવારમાં ખસેડી હતી પણ જીવ બચ્‍યો નહોતો.

જાણવા મળ્‍યા મુજબ ઉર્વશીબેન ધોકીયા ગોવિંદરત્‍નમાં ભાડેથી પોતાના પુત્ર સાથે એકલી રહેતી હતી. ગઇકાલે ઉર્વશીબેને પોતાના ભાઇ યાજ્ઞિકભાઇના મિત્રને વિડીયો કોલ કર્યો હતો અને પોતે પતિ સામેના કોર્ટ કેસથી અને કોર્ટના ધક્કા ખાઇ ખાઇને કંટાળી ગઇ છે તેવી વાત કરી પોતે ગળાફાંસો ખાઇ રહી છે તેવું કહેતાં જ તેણીના ભાઇના મિત્ર ચોંકી ગયા હતાં અને તુરત મિત્ર યાજ્ઞિકભાઇને ફોન કરી તમારા બહેન આવુ પગલુ ભરે છે તેમ જણાવ્‍યું હતું. આથી નજીકમાં જ ગોવર્ધન ચોક રોયલ એલીગન્‍ટ એપાર્ટમેન્‍ટમાં રહેતાં તેણીના ભાઇ યાજ્ઞિકભાઇ તુરત જ બહેનના ઘરે પહોંચી ગયા હતાં. ત્‍યારે બહેન લટકતી હાલતમાં મળતાં બેભાન હાલતમાં નીચે ઉતારી બેભાન હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડયા હતાં.

જો કે સારવાર દરમિયાન મોડી રાતે ઉર્વશીબેને દમ તોડી દીધો હતો. આ બનાવની જાણ હોસ્‍પિટલ પોલીસ  ચોકીના એએસઆઇ એ. જી. મકવાણાએ જાણ કરતાં તાલુકા પોલીસ સ્‍ટેશનના પીએસઆઇ એસ. પી. ચોૈહાણ, કિરીટભાઇ રામાવત સહિતના સ્‍ટાફે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્‍યા મુજબ ઉર્વશીબેનના લગ્ન દસ વર્ષ પહેલા જામનગરના નયનભાઇ ધોકીયા સાથે થયા હતાં. સંતાનમાં સાત વર્ષનો દિકરો છે.

પતિ પત્‍નિ વચ્‍ચે કોઇ વાતે કલેશ થતાં  તેણી ત્રણેક વર્ષ પહેલા દિકરાને લઇ રાજકોટ માવતરે આવી હતી. હાલમાં તે માવતરથી અલગ ગોવિંદરત્‍ન એપાર્ટમેન્‍ટમાં પુત્ર સાથે એકલી રહેતી હતી અને ઘર નજીક જ રેડીમેઇડ કપડાની દૂકાન ચલાવતી હતી. થોડા મહિના પહેલા તેણે પતિ વિરૂધ્‍ધ કોર્ટ કેસ પણ કર્યો હતો. ગઇકાલે દિકરો તેના નાના-નાનીના ઘરે હોઇ ત્‍યારે તેણીએ ભાઇના મિત્રને વિડીયો કોલ કરી પોતે કોર્ટ કેસથી અને કોર્ટના ધક્કા ખાઇ ખાઇને કંટાળી ગયાનું કહી ગળાફાંસો ખાઇ લીધો હતો. સારવાર દરમિયાન મોત થતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. 

(11:40 AM IST)