<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th November 2025

મવડીના વૃધ્‍ધ ભરતભાઇ અંબાસણાનું સોલવન્‍ટ ફાટક પાસે બસની ઠોકરે મોત

અગાઉ જ્‍યાં કામ કરતાં તે કારખાનેથી આટો મારી પરત આવતા હતાં ચાલીને જતાં હતાં ત્‍યારે ઠોકરે ચડયાઃ સારવાર દરમિયાન મૃત્‍યુ થતાં પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૨૯: શહેરમાં વાહન અકસ્‍માતનો વધુ એક બનાવ બન્‍યો છે. જેમાં મવડી વિસ્‍તારમાં રહેતાં એક વૃધ્‍ધ ગોંડલ રોડ કોઠારીયા સોલવન્‍ટ  ફાટક પાસે ચાલીને જતાં હતાં ત્‍યારે બસની ઠોકરે ચડી જતાં મોત થયું છે. પોતે અગાઉ જ્‍યાં કામ કરતાં હતાં તે કારખાને આટો મારીને ઘરે જવા પરત ફરતાં હતાં ત્‍યારે આ બનાવ બન્‍યો હતો.

જાણવા મળ્‍યા મુજબ મવડી ચોકડી પાસે ન્‍યુ જલારામ સોસાયટી-૨માં રહેતાં ભરતભાઇ મોનજીભાઇ અંબાસણા (ઉ.વ.ં૬૫) નામના વૃધ્‍ધ ગઇકાલે કોઠારીયા સોલવન્‍ટ ફાટક પાસે ચાલીને જતાં હતાં ત્‍યારે અજાણી બસની ઠોકરે આવી જતાં ગંભીર ઇજા થઇ હતી. બનાવને પગલે લોકો ભેગા થઇ ગયા હતાં અને કોઇએ ૧૦૮ બોલાવી તેમને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડયા હતાં. પરંતુ અહિ મોડી રાતે તેમનું મોત થયું હતું.

બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે કરતાં આજીડેમ પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનાર ભરતભાઇ ત્રણ ભાઇ અને એક બહેનમાં મોટા હતાં. તેમને સંતાનમાં એક દિકરો અને ચાર દિકરી છે. પોતે હાલ નિવૃત જીવન જીવતા હતાં. અગાઉ કોઠારીયા સોલવન્‍ટના એક કારખાનામાં કામ કરતાં હોઇ ગઇકાલે તેઓ ત્‍યાં આટો મારવા જવાનું નક્કી કરી મવડીથી સીટી બસમાં બેસી કોઠારીયા સોલવન્‍ટ ફાટક પાસે ઉતર્યા હતાં. ત્‍યાંથી પગપાળા જુના કામના સ્‍થળે જઇ ત્‍યાં થોડીવાર બેસી પરત ઘરે આવવા નીકળ્‍યા ત્‍યારે સોલવન્‍ટ ફાટક પાસે બસની ઠોકરે ચડી ગયા હતાં અને ગંભીર ઇજા થવાથી મોત થયું હતું. પોલીસે બસ ચાલક અંગે તપાસ હાથ ધરી છે. મોભીના મોતથી અંબાસણા-સુથાર પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.

(2:31 PM IST)