<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th November 2025

એસબીઆઇનું ક્રેડીટ કાર્ડ અપડેટ કરવાના નામે પેડક રોડના પરેશભાઇ સાથે ૪.૯૧ લાખની ઠગાઇ

ગઠીયાએ બેંક ઓફિસરની ઓળખ આપી તમારું કાર્ડ અપડેટ કરવું પડશે કહી વ્‍હોટ્‍સએપમાં એપીકે ફાઇલ મોકલીઃ તેમાં પરેશભાઇએ વિગતો ભરતાં જ ૪ ટ્રાન્‍જેક્‍શનથી નાણા ઉપડી ગયાઃ પીઆઇ જે. એમ. કૈલાએ તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૨૯: ઓનલાઇન ઠગાઇની વધુ એક ઘટના શહેરના સાયબર ક્રાઇમ પોલીસ સ્‍ટેશનમાં નોંધાઇ છે. જેમાં ગઠીયાએ પોતે એસબીઆઇનો ક્રેડીટ કાર્ડ વિભાગનો ઓફિસર હોવાની ઓળખ આપી ક્રેડીટ કાર્ડ અપડેટ કરી આપવાના નામે વ્‍હો્‌ટસએપ પર એસબીઆઇ ક્રેડીટ કાર્ડ નામે એપીકે ફાઇલ મોકલી ડાઉનલોડ કરાવી અલગ અલગ ટ્રાન્‍જેકશન કરી રૂા. ૪,૯૧,૬૪૦ ઉપાડી લીધા છે. છેતરાયેલા સામા કાંઠાના રહેવાસીની ફરિયાદ પરથી તપાસ શરૂ થઇ છે.

જાણવા મળ્‍યા મુજબ શહેરના પેડક રોડ વિસ્‍તારમાં રત્‍નદિપ સોસાયટીમાં રહેતા અને છૂટક મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતા પરેશભાઈ કેશુભાઈ અકબરીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્‍ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા. ૧૩ માચ ના રોજ સાંજે આશરે સાતેક વાગ્‍યાની આસપાસ તેમના મોબાઈલ નંબર ઉપર એક અજાણ્‍યા નંબર ૭૪૫૦૦-૮૨૪૯૨ પરથી ફોન આવ્‍યો હતો. ફોન કરનારે પોતાને એસબીઆઇ ક્રેડિટ કાર્ડનો ઓફિસર ગણાવીને જણાવ્‍યું હતું કે-તમારું ક્રેડિટ કાર્ડ અપડેટ કરવું પડશે. હું તમને વીડિયો કોલ કરીને એક એપ્‍લિકેશન ડાઉનલોડ કરાવું તે તમે કરી લો.

આ પછી ઠગે પરેશભાઈના વ્‍હોટ્‍સએપ નંબર પર એસબીઆઇ ક્રેડીટ કાર્ડ.એપીકે નામની એપીકે ફાઇલ મોકલી હતી.  પરેશભાઈએ વિશ્વાસ કરીને તે એપ્‍લિકેશન ડાઉનલોડ કરી લીધી હતી અને તેમાં તેમના ક્રેડિટ કાર્ડના નંબર, સીવીવી નંબર સહિતની અંગત વિગતો ભરી દીધી હતી.વિગતો ભરતાની સાથે જ પરેશભાઈના મોબાઈલમાં તેમના બેંક એકાઉન્‍ટમાંથી પૈસા કપાઈ ગયાના મેસેજ આવવાના શરૂ થઈ ગયા હતા. તપાસ કરતાં જાણવા મળ્‍યું કે તેમના એસબીઆઇ બેંક એકાઉન્‍ટમાંથી કુલ ચાર ટ્રાન્‍ઝેક્‍શન દ્વારા રૂા. ૪,૯૧,૬૪૦ની રકમ ડેબિટ થઈ ગઈ હતી. આ ટ્રાન્‍ઝેક્‍શનમાં નોર્થ દિલ્‍હી પાવર લિમિટેડપેમેન્‍ટ્‍સ માટે રૂા. ૨,૦૦,૬૧૦, ટોરેન્‍ટ પાવર ઇલેક્‍ટ્રિસિટી પેમેન્‍ટ્‍સ માટે રૂા.૧,૨૨,૫૧૦ અન્‍ય ટોરેન્‍ટ પાવર ઇલેક્‍ટ્રિસિટી પેમેન્‍ટ્‍સ માટે રૂા.૧,૧૩,૦૪૦ તેમજ ટોરેન્‍ટ પાવર ઇલેક્‍ટ્રિસિટી પેમેન્‍ટ્‍સ માટે રૂા. ૫૫,૪૮૦નો સમાવેશ થાય છે.

પોતાની સાથે ઓનલાઈન ઠગાઈ થઈ હોવાનું ધ્‍યાને આવતા પરેશભાઈએ તાત્‍કાલિક સાયબર હેલ્‍પલાઇન નંબર ૧૯૩૦ પર કોલ કરીને ફ્રોડની વિગત આપી હતી. આ અંગેની તેમની અરજી પરથી ગુનો દાખલ થયો છે. સાયબર ક્રાઇમ પોલીસ સ્‍ટેશને અજાણ્‍યા વ્‍યક્‍તિ સામે બીએનએસ અને ઇન્‍ફોર્મેશન ટેકનોલોજી એક્‍ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ કેસમાં ક્રેડિટ કાર્ડની વિગતો અને એપીકે  ફાઇલના ઉપયોગ દ્વારા ડેટા ચોરી અને નાણાકીય નુકસાન પહોંચાડવાનો ગુનો નોંધાયો છે.

સાયબર ક્રાઇમ પોલીસે જાહેર જનતાને અપીલ કરી છે કે, બેંક કે ક્રેડિટ કાર્ડ કંપનીના નામે આવતા કોઈપણ અજાણ્‍યા ફોન કોલ્‍સ પર વિશ્વાસ ન કરવો. કયારેય પણ ઓટીપી, સીવીવી, પિન કે અન્‍ય સંવેદનશીલ માહિતી શેર ન કરવી. ખાસ કરીને, અજાણ્‍યા સ્રોતમાંથી આવતી એપીકે ફાઇલો  કે અન્‍ય કોઈ એપ્‍લિકેશન ડાઉનલોડ કરવી નહીં, કારણ કે તે તમારા મોબાઇલનો ડેટા ચોરી કરીને આર્થિક નુકસાન પહોંચાડી શકે છે. હેડકોન્‍સ. પ્રદિપભાઇ કોટડે ગુનો નોંધતા વધુ તપાસ પીઆઇ જે. એમ. કૈલાએ હાથ ધરી છે.

(2:23 PM IST)