<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th November 2025

કાર સાથે રેકેટ અથડાવવાની ના પાડતાં મહિલા વકિલ, તેમના પતિ-પુત્ર પર હુમલોઃ ખૂનની ધમકી

યુનિવર્સિટી રોડ બોમ્‍બે હાઉસીંગ સોસાયટીમાં ફુલ-રેકેટ રમતી વખતે પડોશી વચ્‍ચે ડખ્‍ખો પાડોશમાં રહેતાં અનિરૂધ્‍ધ ગરાચ, બીનલ ગરાચ અને હિતેષ ગરાચ વિરૂધ્‍ધ ફરિયાદ દાખલ થઇ

રાજકોટ તા. ૨૮: શહેરના યુનિવર્સિટી રોડ વિસ્‍તારમાં આવેલી બોમ્‍બે હાઉસીંગ સોસાયટી, શેરી નં.૨માં રહેતાં અને વકીલાત કરનાર મહિલા તથા તેમના પરિવાર પર પાડોશીઓએ ફુલ રેકેટ રમવા જેવી  બાબતે ઉશ્‍કેરાઈને લોખંડના રેકેટ વડે હુમલો કરી ઝઘડો કરતાં અને  માર મારતાં ફરિયાદ થઇ છે. આ હુમલામાં મહિલા વકિલ, તેમના પતિ અને પુત્રને ઇજા થઇ હતી. માથાકુટ કરનારે

આ બનાવમાં તાલુકા પોલીસે બોમ્‍બે હાઉસીંગ સોસાયટી-૨ ધોળકીયા સ્‍કૂલ સામે રહેતા મલિા વકિલ ભુમિતાબેન ઘનશ્‍યામભાઇ રૂઘાણી (ઉ.વ.૫૫)ની ફરિયાદ પરથી તેમના પડોશમાં રહેતાં અનિરૂધ્‍ધ મોહનલાલ ગરાચ, બીનલ અનિરૂધ્‍ધ ગરાચ અને હિતેષભાઇ મોહનલાલ વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે. ભુમિતાબેને ફરિયાદમાં જણાવ્‍યું છે કે ૧૨/૧૧ના રોજ રાત્રે આશરે નવેક વાગ્‍યાની આસપાસ તેઓ પોતાના ઘરે પરિવાર સાથે જમવાની તૈયારી કરી રહ્યા હતા. તે સમય પાડોશી દેવાંશુ અનિરૂધ્‍ધ ગરાચ, ફોરમ હિતેશભાઈ ગરાચ, મળદંગ હિતેશભાઈ ગરાચ, ભવ્‍ય દિપકભાઈ કારીયા અને ભવ્‍યનો નાનો ભાઈ તેમના ઘરની નજીક પાર્ક કરેલી ભૂમીતાબેનની ગાડી પાસે ફુલ રેકેટ (શટલ કોક)થી રમતાં હોઇ અને દેકારો કરતાં હોઇ તેમજ વારેઘડીએ કાર ઉપર ફુલ નાખી રેકેટ ભટકાવતાં હોઇ ભુમીતાબેનના પરિવારે તેઓને આ રીતે કાર ઉપર ફુલ નહિ નાખવા, રેકેટ નહિ અથડાવવા સમજાવ્‍યા હતાં.

આમ છતાં આ બધા સમજ્‍યા નહોતાં. જેથી ભુમિતાબેન અને તેના પતિ  ઘડીકવાર માટે ગાડીમાં બેસી ગયા હતા. તેમ છતાં આ બધાએ ગાડી પર ફુલ નાખવાનું ચાલુ રાખતાં રાતે પોણા દસેક વાગ્‍યે ભુમિતાબેન અને તેમના પતિ ગાડીમાંથી બહાર નીકળી ઘરમાં જતો હતો, ત્‍યારે ફોરમે ઈરાદાપુર્વક ગાડીના કાચ પર ફૂલ નાખ્‍યું હતું. આ બાબતે સમજાવતા ફોરમે ઉશ્‍કેરાઈને ચપટી વગાડી આંગળી ચીંધી ધમકી આપી કે-ફૂલ તો આવશે જ, તારાથી થાય એ કરી લે. ત્‍યારબાદ સામેના મકાનમાં રહેતા અનિરૂધ્‍ધ મોહનલાલ ગરાચ ત્‍યાં આવ્‍યા અને છોકરાઓને મોટેથી રમવા માટે પ્રોત્‍સાહિત કરતા ભૂમીતાબેનને ઈશારો કરીને આખી શેરીમાં સંભળાય તે રીતે કહ્યું કે-એ તો ગાંડી છે, એ તો અહીયા જ રમશે થાય તે કરી લે. તેમજ અનિરૂધ્‍ધ ગરાચે ભૂમીતાબેનને અસભ્‍ય ભાષામાં ધમકી આપતા કહ્યું કે-તારા જેટલા હોય તેને બોલાવી લે અને જેટલી પોલીસ બોલાવી હોય તે પણ બોલાવી લે.

આ ઉશ્‍કેરણીજનક વર્તન બાદ દેવાંશુએ ફોરમમના હાથમાંથી ફૂલ લઈને ભુમીતાબેન અને તેમના પુત્ર કિશન પર રેકેટ વડે ફૂલ માર્યું હતું. જે સ્‍પીડમાં આવતું ફુલ કિશનની આંખમાં લાગી ગયું હતું. ત્‍યારબાદ અનિરૂધ્‍ધ મોહનલાલ ગરાચે ઉશ્‍કેરણીજનક વાકયો બોલીને પોતાના ઘરમાંથી નીચે ઉતરી ભુમીતાબેનના ઘર તરફ ધસી આવી હુમલો કરવાનું શરૂ કર્યું. ફોરમે તેના હાથમાં રહેલું લોખંડનું રેકેટ અનિરૂધ્‍ધ ગરાચના હાથમાં આપ્‍યું, જેનાથીઅનિરૂધ્‍ધ ે ભુમીતાબેન, તેમના પુત્ર કિશન અને પતિ ઘનશ્‍યામભાઈ પર હુમલો કર્યો અને રેકેટ વડે માથા પર માર માર્યો હતો.

હુમલામાં ભુમીતાબેનને ડાબા અને જમણા હાથના કોણીથી ઉપરના ભાગે મૂઢ ઈજાઓ પહોંચી. પુત્ર કિશનને ડાબા હાથના કોણીથી ઉપરના ભાગે ચીરો પડ્‍યો અને ડાબા પગના પંજામાંથી લોહી નીકળ્‍યું. પતિ ઘનશ્‍યામભાઈને માથા પર થતા હુમલાથી બચવા જમણો હાથ આડો રાખતા ટચલી આંગળી પર લોખંડનું રેકેટ વાગતા ચીરો પડી લોહી નીકળ્‍યું હતું. ઘટનાની જાણ થતા ૧૧૨ નંબરની પોલીસ વાન ત્‍યાં આવી હતી. આ વખતે પોલીસની હાજરીમાં પણ અનિરૂધ્‍ધ ગરાચે બે વખત રેકેટ વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ અનિરૂધ્‍ધ, બિનલે ભુમીતાબેનના ઘરના મેઈન ગેટ પાસે ઉભા રહીને સતત ધમકીઓ આપતા હતા કે-બારે નીકળ એટલે મારી નાખું અને ટાટીયા ભાંગી નાખુ. ૧૦૦ નંબર પર વાત કરતી વખતે પણ અનિરૂધ્‍ધે અપશબ્‍દો બોલી ઉશ્‍કેરણીજનક ધમકીઓ આપી હતી. પોલીસે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ મોબાઈલમાં જોયા હતા. ભુમીતાબેનની ફરિયાદના આધારે પોલીસે અનિરુદ્ધ મોહનલાલ ગરાચે સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એએસઆઇ મુકેશભાઇ ચરમટા વધુ તપાસ કરે છે.

(2:29 PM IST)