હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દમણના સંદિપનો ૬.૫૩ લાખનો દારૂ ભરેલા વાહન સાથે કુવાડવા રોડ પરથી બેડીપરાનો પ્રતિક પકડાયો
ક્રાઇમ બ્રાંચનો દરોડોઃ દિલીપભાઇ બોરીચા, વિશાલભાઇ દવેની બાતમીઃ પીઆઇ એમ. આર. ગોંડલીયા, એમ. એલ. ડામોર અને પીઆઇ સી. એચ. જાદવની રાહબરીમાં પીએસઆઇ ડોડીયા અને ટીમની કાર્યવાહી

રાજકોટ તા. ૨૯: શહેર ક્રાઇમ બ્રાંચે કુવાડવા રોડ નાગબાઇ પાનવાળા ખુેણી જુના મોરબી રોડના રસ્તા પરના ખુલ્લા પ્લોટમાં દરોડો પાડી બેડીપરા શ્રમજીવી સોસાયટી-૩માં રહેતાં પ્રતિક ભરતભાઇ ખસીયાને રૂા. ૬,૫૩,૧૮૪નો દારૂનો જથ્થો ભરેલા મારૂતિ કેરી માલવાહક વાહન સાથે પકડી લીધો છે. પુછતાછમાં પ્રતિકે પોતાને આ દારૂ દમણના સંદીપ મણીલાલ હડપતીએ ભરી આપ્યાનું કહેતાં સંદિપની શોધખોળ થઇ રહી છે. પોલીસે કુલ ૯,૫૪,૧૮૪નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
દારૂ જૂગારની પ્રવૃતિ અટકાવવા ક્રાઇમ બ્રાંચની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે કોન્સ. વિશાલભાઈ દવે અને હેડકોન્સ. દિલીપભાઈ બોરીચાને બાતમી મળી હતી કે જુના મોરબી રોડના ખુણે આવેલા પટમાં એક શખ્સ દારૂનો જથ્થો ભરેલુ વાહન લઇને આવ્યો છે. આ બાતમી પરથી ટૂકડી ત્યાં પહોંચતા જીજે૦૩બીઝેડ-૪૭૬૭ નંબરનું મારૂતી કેરી માલવાહક વાહન જોવા મળતાં તેને કોર્ડન કરી લીધુ હતું. આ વાહનમાં બેઠેલા શખ્સની પુછતાછ કરતાં પોતાનું નામ પ્રતિક ખસીયા જણાવ્યું હતું. વાહનના ઠાઠામાં જોતાં પોલીસને અલગ અલગ બ્રાન્ડનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેની કિંમત ૬,૫૩,૧૮૪ ગણવામાં આવી હતી.
પોલીસે ડીએસપી બ્લેક ડીલક્ષ વ્હીસ્કી ૧૮૦ એમએલની કુલ ૪૧ પેટીઓ-ે ૧૯૬૮ બોટલો, જેની કિંમત રૂ. ૫,૬૬,૭૮૪ તથા રોયલ સ્ટેગ બેરેલ વ્હીસ્કીના ૧૮૦ એમએલના ચપલાની પાંચ પેટીઓ-૨૪૦ બોટલો, જેની કિંમત રૂ. ૮૬,૪૦૦ મળી કુલ ૨૨૦૮ વિદેશી દારૂની બોટલો કબ્જે કરવામાં આવી હતી. તેમજ ૩ લાખનું વાહન પણ જપ્ત કરાયું હતું.
ઝડપાયેલા ડ્રાઈવર પ્રતિક ભરતભાઈ ખસીયાની પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે આ કેરી વાહન રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી ખાતે સંદીપ મણીલાલ હડપતી (રહે. દમણ) પોતાને આપી ગયો હતો. દારૂ કયાંથી લાવવામાં આવ્યો હતો અને કયાં ઉતારવાનો હતો કે કોને આપવાનો હતો તેની તેને ખબર ન હોવાનું જણાવ્યું હતું. વિશેષ પુછતાછ કરવા રિમાન્ડ મેળવવા તજવીજ થઇ રહી છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એમ.આર.ગોંડલીયા, એમ.એલ.ડામોર, સી.એચ.જાદવ તથા પીએસઆઇ વી.ડી.ડોડીયા, એએસઆઇ અમીતભાઇ અગ્રાવત, દિગ્પાલસિંહ જાડેજા તથા હેડકોન્સ. સંજયભાઇ રૂપાપરા, દિપકભાઇ ચોૈહાણ, દિલીપભાઇ બોરીચા, રાજેશભાઇ જળુ, પ્રદિપસિંહ જાડેજા, જયરાજભાઇ કોટીલા, કોન્સ. વિશાલભાઇ દવેએ આ કામગીરી કરી હતી.










