<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th November 2025

ભગવતીપરાના ૭ લોકો સાથે સોલાર પેનલ ફીટીંગમાં સબસીડી આપવાના નામે છેતરપીંડી

મુળ જામકંડોરણાના બોરીયાના મંથન સતાસીયા વિરૂધ્‍ધ ભગવતીપરાના વિનોદભાઇ સોલંકીની બી-ડિવીઝનમાં ફરિયાદઃ પેનલ ફીટ થયા પછી તપાસ કરતાં ખબર પડી કે આમાં સબસીડીની કોઇ જોગવાઇ જ નહોતી!

રાજકોટ તા. ૨૯: ભગવતીપરા વિસ્‍તારમાં સોલાર પેનલ ફીટ કરી સબસીડી અપાવી દેવાના નામે એક શખ્‍સ સાત લોકોને છેતરી ગયો છે. આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે ભગવતીપરા મેઇન રોડ જયપ્રકાશનગર-૨માં રહેતાં હીરાઘસુ વિનોદભાઇ ખોડાભાઇ સોલંકી (ઉ.વ.૫૮)ની ફરિયાદ પરથી જામકંડોરણાના બોરીયા ગામના મંથન દિનેશભાઇ સતાસીયા વિરૂધ્‍ધ સોલાર પેનલ નાંખવાના નામે રૂપિયા લીધા બાદ સબસીડીના ૭૮ હજાર પાછા નહિ અપાવી ઠગાઇ કર્યાનો ગુનો દાખલ કરાયો છે.

વિનોદભાઈએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે તેમણે તેમના ઓળખીતા મારફતે શ્રીજી ઇલેક્‍ટ્રીકના મંથન સતાસીયાનો સંપર્ક કર્યો હતો. તા. ૫/૨ના રોજ  મંથન સતાસીયાએ વિનોદભાઈના ઘરે આવીને ૩.૨૫ કિલોવોટની સોલાર પેનલ ફીટ કરવા માટે કુલ રૂ. ૧,૫૨,૦૦૦નો ખર્ચ જણાવ્‍યું હતો, જેમાં સરકાર તરફથી રૂ. ૭૮,૦૦૦ની સબસિડી મળવાની ખાતરી આપી હતી અને સબસિડીની તમામ પ્રક્રિયા પોતે જ કરી આપશે તેમ જણાવ્‍યું હતું. આ વિશ્વાસના આધારે વિનોદભાઈએ તેમના પિતા ખોડાભાઈના નામે પેનલ નખાવવાનું નક્કી કર્યું. તેમણે ૧૧/૨ના રોજ રૂ. ૮૦,૦૦૦ અને ત્‍યારબાદ આઠેક દિવસ પછી બાકીના રૂ. ૭૨,૦૦૦ મળીને કુલ રૂ. ૧,૫૨,૦૦૦ રોકડા મંથન સતાસીયાને ચૂકવી આપ્‍યા હતા. પૈસા ચૂકવ્‍યા બાદ દોઢ મહિનામાં પેનલ ફીટ કરવાના વાયદા છતાં, આશરે પાંચ મહિના પછી પેનલ ફીટ કરવામાં આવી હતી અને પીજીવીસીએલનું મીટર પણ લાગી ગયું હતું. જો કે પેનલ લાગ્‍યાના એકાદ મહિના પછી પણ જ્‍યારે સબસિડીના રૂ. ૭૮,૦૦૦ વિનોદભાઈના બેન્‍ક ખાતામાં જમા ન થયા, ત્‍યારે તેમણે મંથનનો વારંવાર સંપર્ક કર્યો હતો, પરંતુ દરેક વખતે ‘થઇ જશે' તેમ કહીને તે વાત ટાળી દેતો હતો.  બાદમાં વિનોદભાઈએ અન્‍ય એજન્‍ટ મારફતે તપાસ કરાવતા તેમને જાણવા મળ્‍યું કે તેમના ઘરે ફીટ કરવામાં આવેલી સોલાર પેનલ સબસિડી મેળવવાને પાત્ર જ નહોતી, જેના કારણે સબસિડી મંજૂર થઈ નહોતી.

 આ છેતરપિંડીનો ભાંડો ફૂટતા મંથન દિનેશભાઈ સતાસીયા પોતાની શ્રીજી ઇલેક્‍ટ્રીકની દુકાન ખાલી કરીને ફરાર થઈ ગયો હતો. વિનોદભાઈએ તેમની ફરિયાદમાં જણાવ્‍યું છે કે મંથન સતાસીયાએ માત્ર તેમની સાથે જ નહીં પરંતુ બીજા છ લોકો  દિપકભાઈ સમભાઈ બારડ, લીલાવતીબેન રાજેશભાઈ ધડુક,  દિનેશભાઈ ભીખાભાઈ વસોયા, અશોકભાઈ તેજાભાઈ રાદડીયા, નારણભાઈ નરશીભાઈ રાઠોડ અન  વિશાલભાઈ કાળુભાઈ રાઠોડ સહિત કુલ ૭ જેટલા વ્‍યક્‍તિઓ સાથે પણ આ રીતે ઠગાઇ કરી છે. તમામ ભોગ બનેલા વ્‍યક્‍તિઓએ સાથે મળીને રાજકોટ ક્રાઇમ બ્રાન્‍ચમાં અરજી કરી હતી અને હવે કાયદેસર ગુનો દાખલ કરવા માટે ફરિયાદ નોંધાવવામાં આવી છે.  બી-ડિવીઝન પીઆઇ એસ. એસ. રાણેના માર્ગદર્શનમાં હેડકોન્‍સ. વી.એ. ગરચરે ફરિયાદ નોંધી હતી. 

 

 

(4:03 PM IST)