News of Sunday, 30th November 2025
ગુજસીટોક હેઠળ 'મૂરગા ગેંગ' પર કાર્યવાહી: ૧૧ આરોપીઓ ૧૦ દિવસના રિમાન્ડ પર
પેંડા ગેંગ બાદ ક્રાઈમ બ્રાંચનો વધુ એક સકંજો: ૨૧ સભ્યો સામે ગુનો, પાંચ આરોપીઓ વોન્ટેડ

રાજકોટ: રાજકોટ શહેરની ક્રાઈમ બ્રાંચે અંધાધૂંધ ગુનાહિત પ્રવૃત્તિઓ આચરતી 'મૂરગા ગેંગ' પર ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ (ગુજસીટોક) કાયદા હેઠળ ગંભીર ગુનો નોંધી સકંજો કસ્યો છે. આ ગેંગના કુલ ૨૧ સભ્યો સામે ગુજસીટોક હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાંથી ૧૧ આરોપીઓની ધરપકડ કરીને પોલીસે કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે તમામ આરોપીઓને ૧૦ દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવાનો હુકમ કર્યો છે, જેના પગલે ક્રાઈમ બ્રાંચે સઘન પૂછપરછ શરૂ કરી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મૂરગા ગેંગના સભ્યો વિરુદ્ધ છેલ્લા ૧૦ વર્ષના ગાળામાં રાજકોટ શહેર અને આસપાસના અન્ય જિલ્લાઓમાં ખૂનની કોશિષ, ફાયરિંગ, ખંડણી, અને સરકારી ફરજમાં રૂકાવટ સહિત કુલ ૩૬ જેટલા ગંભીર ગુનાઓ નોંધાયા છે. આ ગેંગ દ્વારા આચરવામાં આવતી સંગઠિત ગુનાખોરીને ધ્યાને લઈને ક્રાઈમ બ્રાંચના એસીપી બી.બી. બસિયાએ કડક કાર્યવાહી હાથ ધરી હતી અને ગેંગના ૨૧ સભ્યો સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
આ કાર્યવાહીના ભાગરૂપે, મૂરગા ગેંગના ૧૧ સભ્યોની ધરપકડ કરવામાં આવી છે, જેમને પોલીસે આજે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કર્યા હતા. નોંધનીય છે કે આ ગેંગના અન્ય પાંચ આરોપીઓ હાલમાં જેલવાસ ભોગવી રહ્યા છે, જ્યારે બાકીના પાંચ આરોપીઓ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે અને તેમને પકડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
આ પહેલાં, શહેરમાં મંગળા રોડ પર અંધાધૂંધ ફાયરિંગની ઘટના બાદ ક્રાઈમ બ્રાંચે 'પેંડા ગેંગ' સામે પણ ગુજસીટોક હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી. સતત બે મોટી ગેંગ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી થતાં રાજકોટના ગુનાહિત તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
(10:20 AM IST)










