News of Sunday, 30th November 2025
પુત્રીના પ્રેમલગ્નનો ખાર રાખી પરિણીતા પતિ સાથે જતી હતી ત્યારે ખરાબ ઇશારા કર્યા
પરિણીતાની જાહેરમાં છેડતી: હમીર અને હકા વિરુદ્ધ થોરાળા પોલીસમાં ગુનો દાખલ

રાજકોટ: શહેરના આજી વસાહત વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં પુત્રીના પ્રેમલગ્નનો ખાર રાખી બે શખ્સો દ્વારા એક પરિણીતા અને તેના પતિની જાહેરમાં છેડતી અને હેરાનગતિ કરવામાં આવી છે. આ મામલે પરિણીતાએ થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, આજી વસાહત વિસ્તારમાં રહેતી પરિણીતા આજે બપોરે તેના પતિ સાથે દાંતની સારવાર કરાવીને બાઇક પર પરત ઘરે જઈ રહી હતી. ભાવનગર રોડ પર આંબેડકર નગરના રહેવાસી હમીર મેઘજીભાઈ મકવાણા અને હકા ગાંડાભાઇ મકવાણાએ તેમનો પીછો કર્યો હતો.
આરોપીઓએ બાઇક પાછળ પોતાની ગાડી હંકાવીને દંપતીને બાઇક ઊભું રાખવાનું કહ્યું હતું. જોકે, પતિએ બાઇક ન રોકતાં, આરોપીઓએ ગાળો દેવાનું શરૂ કર્યું હતું અને ચાલુ વાહને પરિણીતાને જોઈને ખરાબ ઇશારા કર્યા હતા. આથી દંપતીએ બમીને પોલીસ મથક તરફ વાળી લીધું હતું.
ખાર અને પૂર્વ વિવાદ
ફરિયાદ મુજબ, આરોપીની પુત્રીએ બે વર્ષ પહેલાં પરિણીતાના સંબંધીના દીકરા સાથે પ્રેમલગ્ન કરી લીધા હતા. આ જ બાબતનો ખાર રાખીને બંને આરોપીઓ અવારનવાર દંપતી સાથે ઝઘડો કરતા હતા. પરિણીતા જ્યારે કોઈ કામ માટે બાજુના ચોકમાં નીકળે ત્યારે પણ આ આરોપીઓ ખરાબ ઇશારા કરી છેડતી કરતા હતા અને તેમનો પીછો કરતા હતા.
આરોપીઓ દંપતીને હેરાન કરવા માટે સંતાન ન હોવા બાબતે પણ ખરાબ બોલીને માનસિક ત્રાસ આપતા હતા.
સમગ્ર ઘટના બાદ પરિણીતાએ થોરાળા પોલીસ સ્ટેશનમાં બંને આરોપીઓ વિરુદ્ધ છેડતી અને અપશબ્દો બદલ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ કરીને બંને આરોપીઓને પકડવા અને વધુ તપાસ હાથ ધરી છે.
(10:22 AM IST)










