તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 30th November 2025
શ્રેષ્ઠ કામગીરી: રાજકોટ તાલુકા પોલીસે 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ હેઠળ રૂપિયા 7.35 લાખનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કર્યો
ડીસીપી રાકેશ દેસાઈ, એસીપી બી.જે. ચૌધરીની રાહબરીમાં પીઆઇ એમ. જે. હૂણ તથા પીએસઆઇ બી.જે. ભરવાડ અને ટીમની કામગીરી

રાજકોટ: ગુજરાત પોલીસના 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત રાજકોટ શહેર પોલીસની પ્રશંસનીય કામગીરી સામે આવી છે. રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશને માત્ર એક મહિનાના સમયગાળામાં સફળતા હાંસલ કરીને રૂપિયા 7,35,149નો ચોરી કે ગુમ થયેલો મુદ્દામાલ શોધી કાઢીને તેના મૂળ માલિકોને પરત આપ્યો છે.
પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા, અધીક પોલીસ કમિશ્નરશ મહેન્દ્ર બગડીયા, નાયબ પોલીસ કમિશ્નર ઝોન-ર રાકેશ દેસાઈ, અને મદદનીશ પોલીસ કમિશ્નર દક્ષીણ વિભાગ બી.જે. ચૌધરીના સઘન માર્ગદર્શન હેઠળ આ કામગીરી કરવામાં આવી હતી. રાજકોટ શહેરના નાગરિકોના ગુમ થયેલા મોબાઈલ ફોન શોધી કાઢવા માટે સીઇઆઇઆર (Central Equipment Identity Register) પોર્ટલના અસરકારક ઉપયોગ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.
રાજકોટ તાલુકા પોલીસે CEIR પોર્ટલના માધ્યમથી કાર્યવાહી કરીને કુલ 25 ગુમ થયેલા મોબાઇલ ફોન શોધી કાઢ્યા છે, જેની અંદાજિત કિંમત રૂપિયા 4,17,149 થાય છે. આ ઉપરાંત, રા.તા. પોલીસ સ્ટેશનના ગુન્હાના કામે ગુમ થયેલા 3 મોટરસાયકલ, 1 સોનાનો ચેઈન, અને રૂપિયા 18,000 રોકડ રકમ પણ ડિટેક્ટ કરવામાં આવી હતી. તમામ મળીને કુલ રૂપિયા 7,35,149નો મુદ્દામાલ અરજદારોને સુપરત કરવામાં આવ્યો હતો. રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. હુણના સીધા નેતૃત્વ હેઠળ CEIR પોર્ટલના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. એન.કે. સભાયા, સર્વેલન્સ સ્કોડ ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. બી.આર. ભરવાડ, અને વુમન લોક રક્ષક મોનિકાબેન ભુવા દ્વારા આ સરાહનીય કામગીરી પાર પાડવામાં આવી હતી. પોલીસની આ સફળતા, ખાસ કરીને ટેક્નોલોજીકલ પ્લેટફોર્મ સીઇઆઇઆરનો ઉપયોગ કરીને નાગરિકોની ગુમ થયેલી વસ્તુઓ પરત અપાવવાના પોલીસના પ્રયાસોને દર્શાવે છે.
(8:34 PM IST)










