તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 30th November 2025
રાજકોટ એ-ડિવીઝન પોલીસની સફળ કાર્યવાહી: પ્રતિબંધીત ચાઇનીઝ દોરીની ૧૦૦ ફીરકીઓ સાથે કિટીપરાનો અપ્પુ પકડાયો
ઉત્તરાયણ પૂર્વે કડક કાર્યવાહીનો દોર: ડીસીપી હેતલ પટેલ તથા એસીપી બી.જે. ચૌધરીની રાહબરીમાં પીઆઇ બી.વી.બોરીસાગર, એએસઆઇ બી.વી. ગોહિલ અને ટીમની કામગીરી

રાજકોટ: આગામી ઉત્તરાયણ તહેવારને ધ્યાનમાં રાખીને રાજકોટ શહેર પોલીસ દ્વારા પ્રતિબંધીત ચાઇનીઝ દોરી અને તુક્કલના વેચાણ અને સંગ્રહ સામે કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે, એ-ડિવીઝન પોલીસે મોચી બજાર વિસ્તારમાંથી એક ઈસમને પ્રતિબંધીત પ્લાસ્ટિકની ચાઇનીઝ દોરીની ફીરકીઓના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે.
પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા, નાયબ પોલીસ કમિશ્નર હેતલ પટેલ સાહેબ (ઝોન-૨) તથા મદદનીશ પોલીસ કમિશ્નર બી.જે. ચૌધરી સાહેબ (દક્ષિણ વિભાગ)ની સ્પષ્ટ સૂચનાના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એ-ડિવીઝનના પોલીસ ઇન્સપેક્ટર બી.વી. બોરીસાગરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન, પો.હેડ.કોન્સ. મહેશભાઇ ચાવડા અને કલ્પેશભાઇ બોરીયાને સંયુક્ત હકીકત મળી હતી. આ બાતમીના આધારે, મોચી બજારની જુની સટ્ટા બજાર પાસેના જાહેર સૌચાલય નજીક વોચ ગોઠવવામાં આવી હતી.
પોલીસે ત્યાંથી અપ્પુ નાનાભાઈ વઢવાણીયા (ઉ.વ. ૨૦, ધંધો: મજૂરી, રહે: ગાયકવાડી સોસા, કીટીપરા પાસે, જંકશન પાછળ, રાજકોટ) નામના શખ્સને પકડી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી પ્રતિબંધીત પ્લાસ્ટીકની ચાઇનીઝ દોરીની નંગ-૧૦૦ ફીરકીઓ કબ્જે કરી હતી, જેની આંકવામાં આવેલી કિંમત વિસ હજાર રૂપિયા છે. પોલીસે પકડાયેલા આરોપી સામે જાહેરનામા ભંગ બદલ કાયદેસરનો ગુન્હો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં પી.આઈ. બી.વી. બોરીસાગર, એ.એસ.આઇ બી.વી. ગોહિલ, એમ.એસ. મકવાણા સહિત સર્વેલન્સ સ્કોડના કર્મચારીઓ કલ્પેશભાઈ બોરીયા, મહેશભાઇ ચાવડા, કનુભાઇ બસીયા, સાગરભાઈ માવદીયા, ધારાભાઈ વાનરીયા, કરણભાઇ વીરસોડીયા, ધર્મેશભાઇ ખાંડેખા અને તેજસભાઇ ડેર જોડાયા હતા.
(9:20 PM IST)










