તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 1st December 2025
આજે ગીતા જયંતી - ભગવાન શ્રી કૃષ્ણે આપેલો ઉપદેશ એ જ શ્રીમદ્ ભગવદ્ ગીતા

આજે ગીતા જયંતી છે. ગીતાનું આપણાં જીવનમાં ખુબજ મહત્વ છે. ગીતા હિન્દુઓ માટે પવિત્ર ગ્રંથ છે. આ વિશ્વનો એક એવો ગ્રંથ છે, જેની જયંતી મનાવવામાં આવે છે. ગીતા મનુષ્યનો પરિચય જીવનની વાસ્તવિકતાથી કરાવી વગર સ્વાર્થે કર્મ કરવા માટે પ્રેરિત કરે છે. ભારતમાં જ નહીં પણ વિદેશોમાં પણ ગીતા જયંતી ધામધુમથી ઉજવવામાં આવે છે. ગીતા જયંતી આપણને એ પાવન ઉપદેશની યાદ અપાવે છે. જે શ્રી કૃષ્ણએ મોહમાં ફસાયેલા અર્જુનને આપ્યો હતો. ગીતા અજ્ઞાન, દુઃખ, મોહ, ક્રોધ, કામ અને લોભ જેવી સાંસારિક વસ્તુઓમાંથી મુકિતનો માર્ગ બતાવે છે. ગીતાનો ઉપદેશ ખાલી ઉપદેશ જ નથી. પરંતુ આપણે જીવન કેવી રીતે જીવવું તે આપણને શીખવે છે. તેના અભ્યાસ, શ્રવણ, ચિંતન દ્વારા જીવનમાં શ્રેષ્ઠતાની ભાવના આવે છે. માન્યતા એવી છે કે કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુન તેના પરિવારના સભ્યો અને સંબંધીઓને પોતાની વિરોધમાં જોઇને ભયભીત થઇ ગયો હતો. સાહસ અને વિશ્વાસથી ભરેલો અર્જુન મહાન યુદ્ધની શરુઆત પૂર્વે રથ પર બેસીને યુદ્ધને મુલતવી રાખે છે. તે શ્રી કૃષ્ણને કહે છે કે ‘હું યુદ્ધ નહીં કરું, હું પૂજય ગુરૂઓ અને સંબંધીઓની હત્યા કરીને રાજયની ખુશી નથી ઇચ્છતો, ભીખ ખાયને જીવન ધારણ કરવામાં હું શ્રેય માનું છું.' આ સાંભળીને સારથી બનેલા ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને તેમના કર્તવ્યો અને કર્મ વિશે જણાવ્યું. તેમણે આત્મા-પરમાત્માથી લઇને ધર્મ-કર્મથી જોડાયેલી દરેક શંકાઓનું સમાધાન કર્યું.
ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચે થયેલો સંવાદ એજ શ્રીમદ્ ભગવદ્ ગીતા છે. આ ઉપદેશ દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને પોતાનું વિરાટ સ્વરૂપ દેખાડી જીવનની વાસ્તવિકતાથી તેમને સાક્ષાત્કાર કરાવ્યો હતો. ત્યારથી લઇ અત્યારસુધી ગીતાના ઉપદેશની સાર્થકતા બની રહી છે. શ્રી કૃષ્ણના ઉપદેશ બાદ અર્જુનનો મોહ ભંગ થઇ ગયો અને તેમણે ગાંડીવ ધનુષ્ય ધારણ કરીને દુશ્મનોનો નાશ કર્યા પછી ધર્મની ફરી સ્થાપના કરી. જે દિવસે શ્રી કૃષ્ણએ આ ઉપદેશ આપ્યો ત્યારે માર્ગશીર્ષ શુકલ એકાદશી હતી. આ એકાદશીને મોક્ષદા એકાદશી પણ કહેવામાં આવે છે. મોક્ષદા એકાદશીના દિવસે ગીતા જયંતી ઉજવવામાં આવે છે.
‘‘ભગવાન શ્રી કૃષ્ણે આપેલા ઉપદેશોમાંથી એક અંશ પણ જીવનમાં અનુસરવામાં આવે તો આપણું જીવન ધન્ય બની જાય.''
સં. એડવોકેટ હિંમતભાઇ લાબડીયા
(2:17 PM IST)










