<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd December 2025

ધર્મેન્‍દ્ર સર્વશ્રેષ્ઠ કલાકારની સાથે બહુ ઉમદા વ્‍યક્‍તિ હતા ઉજાગરસિંઘ ખેતાન

ધરમપાજી ખુબજ ધાર્મિક સ્‍વભાવના હતા. જ્‍યારે તક મળતી ત્‍યારે ગુરૂદ્વારા સાહિબ પણ જતા : રાજકોટના શીખ પરિવારના ઉજાગરસિંઘ ખેતાન કે જેઓ હાલ ૯૧ વર્ષના છે તેઓને ધર્મેન્‍દ્ર દેઓલ સાથે ઘર જેવો સંબંધ બંધાઇ ગયો હતો : ધર્મેન્‍દ્ર મૂળ શીખ પરિવારમાંથી આવતા હતા એટલે એમના ઘરે લંગર લાગતું જેથી દરેક વ્‍યકિતને તેનો અચૂક લાભ મળતો. : અવાર નવાર ઉજાગરસિંઘ તેમના પુત્ર પાસે મુંબઇ જતા ત્‍યારે ધર્મેન્‍દ્રને અચૂક મળતા રાજકોટમાં ફિલ્‍મ અપનેના શૂટીંગ વખતે ધરમપાજી સાથે ઉજાગરસિંઘની મુલાકાત થઇ અને એ મિત્રતા જીવનભર રહી ધર્મેન્‍દ્ર સાથે ઉજાગરસિંઘ તથા તેમના પૌત્ર અમનવિરસિંઘ (પન્‍નીપાજી) તસ્‍વીરમાં નજરે પડે છે.

બોલિવુડના લેજેન્‍ડરી અભિનેતા ધર્મેન્‍દ્રનું ૮૯ વર્ષની વયે અવસાન થતા સમગ્ર દેશમાં શોકની લાગણી છવાઈ ગઇ. જોકે રાજકોટમાં તો તેમની યાદો ફરી તાજી થઈ ગઈ કારણ કે વર્ષ ૨૦૦૭માં રિલીઝ થયેલી તેમની ફિલ્‍મ અપનેનું મહત્‍વનું શૂટિંગ રાજકોટના ઇન્‍ડોર સ્‍ટેડિયમમાં થયું હતું. પિતા-પુત્ર ત્રિપુટીનું રાજકોટમાં થયેલું લોકપ્રિય શૂટિંગ આજે લોકો યાદ કરી રહ્યા છે. એવા ઘણા લોકો છે જેમનો પરિચય એ સમયે ધરમપાજી સાથે થયો હતો પણ રાજકોટના શીખ પરિવારના એવા એક વડિલ ઉજાગરસિંઘ ખેતાન છે કે જેઓ હાલ ૯૧ વર્ષના છે તેઓને ધર્મેન્‍દ્ર દેઓલ સાથે ઘર જેવો સંબંધ બંધાઇ ગયો હતો. અકિલા ખાતે તેમણે ધરમપાજી સાથેના સંસ્‍મરણો વાગોળ્‍યા હતા.

ઉજાગરસિંઘજી એ જણાવ્‍યું કે, ધર્મેન્‍દ્ર એક સર્વશ્રેષ્ઠ કલાકારની સાથે એક ખુબ સારા વ્‍યક્‍તિ હતા તેઓ પોતાને ક્‍યારેય મોટા માણસ નહોતા માનતા. નાના હોય કે મોટા તેઓ દરેક માણસને એક સરખી ઇજ્જત આપતા. તેમના ઘરે કે તેમના ફાર્મ હાઉસ પર કોઇપણ જતું, પછી તેઓ ત્‍યાં હાજર હોય કે ન હોય છતાં કોઇ વ્‍યક્‍તિ ત્‍યાંથી ભૂખ્‍યા પેટે પરત નહોતું આવતું. ધર્મેન્‍દ્ર મૂળ શીખ પરિવારમાંથી આવતા હતા એટલે એમના ઘરે લંગર લાગતું જેથી દરેક વ્‍યકિતને તેનો અચૂક લાભ મળતો. આટલી મોટી હસ્‍તી હોવા છતાં તેઓ કદી કોઇને તુકાતે બોલાવતા નહીં દરેકને ‘આપ' કહીનેજ બોલાવતા અથવા સંબોધતા હતા. ધર્મેન્‍દ્રને જોતા એવું લાગતું કે તેને જોયાજ કરીએ. એટલા બધા ધ્‍યાનાકર્ષિત અને હેન્‍ડસમ હતા. તેઓ જ્‍યારે મુંબઇ આવ્‍યા ત્‍યારે તેમને હિન્‍દી, ઉર્દુ બોલતા નહોતું આવડતું. જેની પાસે તેઓ ઉર્દુ શિખવા જતા તેને પંજાબી આવડી ગયું પણ ધરમપાજી ઉર્દુ ન શીખી શક્‍યા.

ધર્મેન્‍દ્ર સાથે મુલાકાત થવી એતો નસીબદારનેજ લાભ મળે પણ મુલાકાત થયા બાદ ઘર જેવો સંબંધ બંધાય અને ફોન પર વાતચીત તથા ઘરે આવન જાવન રહે તેવું ભાગ્‍ય માત્ર ઉજાગરસિંઘજીનું હતું. તેઓ કહે છે, જ્‍યારે રાજકોટના રેસકોર્સ ખાતે આવેલ ઇન્‍ડોર સ્‍ટેડિયમમાં ફિલ્‍મ અપનેનું શૂટીંગ થયું એ સમયે મારી ધરમપાજી સાથે પહેલી મુલાકાત થઇ. એ વખતે અપને ફિલ્‍મમાં તેમને કેટલાક શીખ લોકોની એક સીન માટે જરુર હતી. ઉજાગરસિંઘજીએ કહ્યું, કોઇ જ વાંધો નહિ જેમ તમે કહેશો એમ અમે કરીશું. અમે ૧૦-૧૨ શીખ લોકો સાથે ધરમપાજી પાસે ગયા અને તેમણે અપને ફિલ્‍મમાં ભાંગડા નૃત્‍યુનો અને બોક્‍સીંગ રીંગમાં ઓડિયન્‍સમાં ઉભા રહી ચીયરઅપ કરવાનો રોલ આપ્‍યો. જેટલા દિવસ અપનેનું શૂટીંગ ચાલ્‍યું તેટલા દિવસ અમે તેમની સાથે રહ્યા. તેઓ અમને નિયમીત અમને મળતા અને ખુબ વાતો કરતા.

ઉજાગરસિંઘ ખેતાન પણ ફિલ્‍મમાં નજરે પડે છે. ફિલ્‍મમાં એક સીન એવો છે જ્‍યારે બોબી દેઓલ બોક્‍સીંગ રીંગમાં જીતી જાય છે ત્‍યારે ધરમપાજી તેમનો હાથ પકડી વિજેતા જાહેર કરે છે તેની બરોબર પાછળ ઓડિયન્‍સમાં શિલ્‍પા શેટ્ટી અને ઉજાગરસિંઘજી દ્રશ્‍યમાન થાય છે. ફિલ્‍મનું શૂટીંગ પૂર્ણ થયું ત્‍યારે ધર્મેન્‍દ્રએ ઉજાગરસિંઘજીને તેમનો સંપર્ક નંબર આપેલો એટલે સમયાંતરે તેઓ ધરમપાજી સાથે વાતો કરતા.

ઉજાગરસિંઘ ખેતાનના ત્રણ પુત્રોમાંના એક મહેન્‍દ્રસિંઘ મુંબઇમાં રહે છે. અવાર નવાર ઉજાગરસિંઘ તેમના પુત્ર પાસે મુંબઇ જતા ત્‍યારે ધર્મેન્‍દ્ર દેઓલને અચૂક મળતા. તેઓ કહે છે, કોઇ પણ પ્રકારના હિચકિચાટ વિના તેઓ અમને મળતા. તેઓનો સમય ખુબ કિંમતી હોય છે. તેમના પરિવાર માટે સમય કાઢવો પણ તેમના માટે મુશ્‍કેલ હોય છે છતાં અનેકવાર મને તેમના કિમતી સમયમાંથી વચ્‍ચે મળી જતા. એક વખત એવું થયું કે અમે ધર્મેન્‍દ્રપાજીને ફોન ન કર્યો અને તેમને મળવા ચાલ્‍યા ગયા. ત્‍યાં પહોંચ્‍યા ત્‍યારે તેમના સિક્‍યોરીટીએ રોક્‍યા અને કહ્યું તમારી એપોઇનમેન્‍ટ નથી એટલે તમે નહીં મળી શકો. અમે એમને ખુબ વિનંતી કરી અને કહ્યું તમે સંદેશો પહોંચાડો કે રાજકોટથી સરદારજી મળવા આવ્‍યા છે. જ્‍યારે ધર્મેન્‍દ્ર પાસે સંદેશો પહોંચ્‍યો ત્‍યારે તેમણે કહ્યું તે સરદારજીને આવવા દો. જ્‍યારે અમે અંદર ગયા તો ફિલ્‍મ ઇન્‍ડસ્‍ટ્રીના બહુ મોટા દિગ્‍ગજ લોકો સાથે તેમની મીટીંગ ચાલુ હતી છતા ઉભા થઇ અમને આવકાર્યા અને ગળે મળ્‍યા. કામ કાજ પૂછ્‍યું. અમે ફક્‍ત મળવા આવ્‍યા છીએ તેમ જણાવ્‍યું. ધરમપાજીએ માફી માંગી કહ્યું મારી ખાસ મીટીંગ ચાલુ છે નહીંતર તમારી સાથે ચોક્કસ બેસત. જો સાંજે ફ્રિ હો તો આવો. અને ચા-પાણીની વ્‍યવસ્‍થા પણ કરી. ઉજાગરસિંઘ સાંજે રાજકોટ પરત ફરવાના હતા એટલે સાંજે મળવાનો લાભ ન મળ્‍યો. ધરમપાજીએ પૂછ્‍યુ કેવી રીતે આવ્‍યા છો કાર છે કે મોકલું? આ રીતે અવાર-નવાર તેમની સાથે મુલાકાત થતી રહી. ઉજાગરસિંઘજી કહે છે, ફિલ્‍મ અપને પછી મારી તેમની સાથે ૬ થી ૭ વાર મુલાકાત થઇ. બાકી ફોન પર અનેક વખત વાત થઇ છે. જોકે છેલ્‍લા દોઢ વર્ષથી મુલાકાત નહોતી થઇ.

 ધર્મેન્‍દ્રનો પરિવાર હોવા છતાં તેઓ તેમના ઘરમાં લગભગ એકલાજ રહેતા હતા. તેમનું ઘર બહુ મોટું છે અને એકજ કમ્‍પાઉન્‍ડમાં તેમના બંને દિકરા સન્ની દેઓલ અને બોબી દેઓલ પણ રહે છે. ઘરમાં બધા પંજાબીજ બોલે છે. તેમના પરિવાર સાથે ઉજાગરસિંઘજીને સંપર્ક નથી. જોકે તેઓ ઠેઠ પંજાબી એટલેકે પાક્કા પંજાબી પુતર હતા. તેમને પંજાબી બોલવામાં ખુબ આનંદ આવતો. તેઓ તાલી પાડી ખુબ મોટેથી હસી પડતા. તેઓ શૂટીંગમાં બહુ ભોજન લેતા નહીં. અપને ફિલ્‍મના શૂટીંગ દરમિયાન તેમણે ઉજાગરસિંઘજીને તેમનો કોટ પણ પહેરાવ્‍યો હતો.

ધરમપાજી ખુબજ ધાર્મિક સ્‍વભાવના હતા. જ્‍યારે તક મળતી ત્‍યારે ગુરૂદ્વારા સાહેબ પણ જતા. ઉજાગરસિંઘ તેમને કાયમ કહેતા કે તમે મંદિર અને ગુરૂદ્વારા જતા જાવ. ધર્મેન્‍દ્ર કહેતા કે અમે જવા ઇચ્‍છીએ છીએ પણ જઇ નથી શકતા કારણ બધે પબ્‍લિક ભેગી થઇ જાય છે. ક્‍યારેક મોડી સાંજે કે એવા સમયે અમે જઇએ છીએ બાકી રેગ્‍યુલર નથી જઇ શકતા. તેઓ દરેક ધર્મને માન આપતા. જ્‍યારે પણ ધર્મેન્‍દ્ર અને ઉજાગરસિંઘ મળતા ત્‍યારે પંજાબીમાં વાત કરતા અને પહેલા પંજાબ કેવું હતું, લોકો કેવા હતા તેવી જુની ચર્ચા અચૂક કરતા. ઉજાગરસિંઘજી કહે છે, મેં મારા ઘરમાં ધર્મેન્‍દ્ર સાથેની તસવીરો એક સંભારણા રુપે લગાવી રાખી છે. ભગવાન આવા ઉમદા વ્‍યક્‍તિની આત્‍માને શાંતિ અર્પે.

ખરાબ સમયમાં ધર્મેન્‍દ્રને મદદ કરનાર બહેન પાસે તેઓ રાખડી બંધાવતા..!

જ્‍યારે ધર્મેન્‍દ્રનો સંઘર્ષનો સમય હતો તે પછી તેઓ મુંબઇ આવેલા. તેમણે ઉજાગરસિંઘજીને એક વાત કહેલી કે, તેમના ગામની નજીક રહેતા એક બહેન હરવંશકૌર મુંબઇમાં કોઇ વિસ્‍તારમાં રહેતા હતા. તેમની પાસે તેઓ અવાર-નવાર જતા. તે મહિલાને ધરમપાજીએ બહેન બનાવી હતી. જ્‍યારે તેઓ એટલા ફેમસ નહોતા ત્‍યારે રક્ષાબંધન વખતે રાખડી બંધાવવા તેમના ઘરે જતા. સમય જતાં ધર્મેન્‍દ્ર ફેમસ થઇ ગયા. એ જ્‍યારે બહેનના ઘરે જતા ત્‍યાં ભીડ જમા થઇ જતી. એટલે બહેનને મુશ્‍કેલી ન પડે એટલે ધર્મેન્‍દ્રએ કહેલું આવતા વર્ષથી હું કાર મોકલીશ એટલે તમે રાખડી બાંધવા આવી જજો જેથી તમને ભીડનો સામનો ન કરવો પડે. હરવંશકૌરના બાળકોને ધર્મેન્‍દ્રએજ ભણાવ્‍યા અને ડોક્‍ટર પણ બનાવ્‍યા કારણ હરવંશકૌર ધર્મેન્‍દ્રને તેના ખરાબ સમયમાં મદદ કરેલી. ધર્મેન્‍દ્ર એવા વ્‍યક્‍તિ હતા જેઓ તેના ભૂતકાળને ક્‍યારેય ભૂલ્‍યા નહોતા.(૪૦.૨૦)

 

... અને ધર્મેન્‍દ્ર ઉજાગરસિંઘને ભેટી પડ્‍યા.!

ઉજાગરસિંઘ ખેતાને જણાવ્‍યું કે, કોઇ વ્‍યકિતએ આવીને મને કહ્યું, રાજકોટમાં ફિલ્‍મના શૂટીંગ માટે ધર્મેન્‍દ્રજી આવ્‍યા છે. એ વખતે મેં વિચાર્યું કે મારે તેમને મળવું જોઇએ. જ્‍યારે હું તેમને મળવા ગયો ત્‍યારે તેઓ તેમની વેનીટીવાનમાં બેઠા હતા. ફિલ્‍મોમાં કેટલાક શીખની જરૂરિયાત હોય અમે તેમને મળવા ગયેલા. જ્‍યા વેનીટીવાનમાં અમે તેમને મળ્‍યા ત્‍યારે મે નીચા નમીને તેમને પ્રણામ કરવાની કોશીશ કરી ત્‍યારે મને તુરતજ ખભેથી પકડી ધરમપાજીએ કહ્યું, આપકી જગહ પૈરો મે નહીં દિલ મે હૈ અને ઉજાગરસિંઘજીને ગળે લગાવી ભેટી પડ્‍યા. ઉજાગરસિંઘજી કહે છે, આટલા મોટા એભિનેતા અને મહાન માણસના તો કેટલાય લોકો પગે પડે જ્‍યારે તેમની મહાનતા એ હતી કે તેમણે મને ગળે લગાવ્‍યો.

 

 

 

સંપર્ક : ઉજાગરસિંઘ ખેતાન

મોબાઇલઃ ૯૪૨૬૪૪૩૬૧૨, ૯૭૨૭૦૮૫૫૧૩

(2:31 PM IST)