તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 2nd December 2025
આત્મનિર્ભરના દાવા સામે વિદેશી શસ્ત્ર ખરીદીની દોડ... પરદેશી, પરદેશી જાના નહી, મુજે છોડકર?!
દાવા અને નગ્ન વાસ્તવિકતા વચ્ચે અટવાતુ, અથડાતુ સત્ય

આમ જુઓ તો ઉપરોકત ગીતની પંકિતઓ ભલે હિન્દી ફીલ્મ ‘રાજા હિન્દુસ્તાની'ની હોય પરંતુ ‘‘આત્મનિર્ભર'' ભારતના પ્રયત્નો અને બાકી રહેલા પરિણામોને શબ્દદેહ આપવામાં મદદરૂપ બને તેવા સંજોગો છે. વિષય બહુ સેન્સેટીવ છે. દેખીતી રીતે આપણા ભારત દેશમાં જ આપણી સરંક્ષણ જરૂરીયાતો આપણુ ત્યાં સ્વાવલંબી રીતે પરીપૂર્ણ થઇ જાય તે સમયની સૌથી પહેલી જરૂરીયાત છે. હોવી પણ જોઇએ કારણ કે તે વગર શકિતશાળી રાષ્ટ્રના સંચાલન, સક્ષમતાની વિભાવના જ અધુરી બની જાય તેમ છે.
હાલમાં પ્રધાનમંત્રીના આહવાન મુજબ દેશમાં ‘આત્મનિર્ભર ભારત'નું અભિયાન ચાલે છે. સારી વાત છે અને ચાલવુ જ જોઇએ તેમાં બે મત નથી. પરંતુ આ વોકલ ફોર લોકલની ગાડી સંરક્ષણ ક્ષેત્રે મંઝીલે પહોંચતી જ નથી તે પણ એક એવુ સત્ય છે કે સ્વિકારવામાં ખુદ સાશંક સતાધારી પક્ષ અને તેને સમર્પિત મિડીયા સમુહો ઉદાસીન છે. ઉપેક્ષા સેવે છે.
હાલમાં છેલ્લા એક અઠવાડીયામાં ભારતે અમેરીકા સાથે લગભગ ત્રણ મોટા સંરક્ષણ સોદા કર્યાના અહેવાલો છે. અતિઆધુનિક હથિયારો મેળવવાના આ સોદા પાછળ એ પણ વિચારવુ રહયુ કે આ તમામ શસ્ત્રોમાં કયાંય પણ ‘‘સ્વદેશી'' કે ‘‘વોકલ ફોલ લોકલ'' નથી. અમેરીકાના ‘‘ટ્રમ્પ-ટેરિફ''ના ઓછાયા વચ્ચે થયેલી આ ‘‘ડિફેન્સ-ડીલ'' ઘણબધુ બયાન કરે છે!. એમાં પ્રથમ તો અમેરીકા માટે ‘‘બંને હાથમાં લાડુ'' જેવો ઘાટ છે. ટેરિફ તો જરાય ઓછા કર્યા નહી ઉપરથી હજ્જારો કરોડના હથિયારો વેંચી લીધા. આને કહેવાય ‘‘વિન-વિન પોઝીશન‘‘ (આપણા માટે નહી, ટ્રમ્પ પ્રશાસન માટે માત્ર!)
એ કહેવાનો બીલકુલ ભાવાર્થ નથી કે આપણે આપણા સરંક્ષણ દળો માટે ‘‘એડવાન્સ ડિફેન્સ વેપન્સ સિસ્ટમ'' ન ખરીદવી જોઇએ કે ઉતરતી કક્ષામાં સમજુતી કરવી પડે. મુળ વાત એ છે કે આઝાદી પછી હથિયારો માટેની તત્કાલીન નેતાઓની સુગ, ચીડ કે અણઆવડતે આપણને આજની તારીખ સુધી માત્ર ‘‘શસ્ત્રોના સોૈથી મોટા આયાતકાર''ના રૂપાળા લેબલ સિવાય ભાગ્યે જ કંઇ આપ્યુ છે.
હવે જે ‘‘સ્વદેશી ઉત્પાદન''ના દાવાઓ વચ્ચે આપણે આપણુ સ્વદેશી ‘‘તેજસ'' ગણાવીએ છીએ. તેના એન્જીન જ આપણે ત્યાં નથી બનતા! આના માટે પાછા અમેરિકાના આંગણે જવાનો વારો આવ્યો છે. મળતા અહેવાલો અનુસાર લગભગ ૧૦૦ અબજના આ મહાકાય ઓર્ડરના કારણે છેવટે ‘‘તેજસ'' ઉડી શકશે. પરંતુ તેની સાથે કે તેની પહેલા અમેરિકનો તો હવામાં ઉડશે જ. અલબત ચીક્કાર અભિમાન અને ચીક્કાર નફા સાથે આમાં ટ્રમ્પને પ્રેશરાઇઝ કરવાનુ તો ભુલી જ જાઓ. (પોંઇટ ટુ બી નોટેડ યોર ઓનર)
આ એકાદ સમ ખાવા પુરતી પૂર્ણ આત્મનિર્ભરતાનો (દેખીતા અભાવનો) દાખલો નથી. ભારતમાં સંરક્ષણ ક્ષેત્રે હમણા ડઝનબંધ ખાનગી કંપનીઓ મેદાનમાં છે. પરંતુ આમા ૧૦૦ ટકા સ્વદેશી કે આત્મનિર્ભર લગભગ કોઇ નથી તેમ કહેવામાં કોઇ અતિશયોકતી નથી. આપણા દેશપ્રેમથી ભરેલા વિજ્ઞાનીકો કઇ કમ તો નથી જ નથી. ડી.આ.ડી.ઓ. આ વાતનું ઉત્કૃષ્ઠ ઉ.દા. છે. આપણી સ્વદેશી ઓર્ડીનન્સ ફેકટરીઓ પણ શ્રેષ્ઠ કક્ષાના ઉત્પાદન માટે જાણીતી છે. હિન્દુસ્તાન એરોનોટીકસ દ્વારા મીગ સીટીમેન અને બીજા યુધ્ધ વિમાનો વર્ષો સુધી બન્યા છે અને યુધ્ધોમાં પણ સફળતાપુર્વક વપરાયા છે.
હમણા હમણા મેદાનમાં આવેલી થોકબંધ સ્વદેશી શષા ઉત્પાદક કંપનીઓનું પુર્ણ કે આંશિક રીતે વિદેશી હથીયાર ઉત્પાદકો સાથે કાયદેસરનું જોડાણ છે. પણ તેથી આ બધુ સ્વદેશી ઉત્પાદન થઇ ગયું? જો નહી તો આવા મીકસઅપ પ્રકારના શષા ઉત્પાદનને આત્મનિર્ભરનું લેબલ લગાવી સરકારી તંત્ર શું સાબીત કરવા ઇચ્છે છે તે જાણવુ અઘરૂ નથી. આના માટેના અત્યંત નિષ્ણાંત સંરક્ષણ નિષ્ણાંતો (માત્ર ભારતીય જ હોય તેવા) આપણે ત્યાં હાજરમાં છે? સંશોધન કેન્દ્રો પણ છે ? તે માટેનું નાણાકીય બેકઅપ અને અતિ આધુનિક શસ્ત્રો વિકસીત કરવાનું ઇન્ફ્રાસ્ટ્રકચર અને ધીરજ પણ છે? આમાથી બહુમતી પ્રશ્નોના જવાબ ના હોય તો આયાત કરેલા રેડી ટુ યુઝ હથીયારો જ મળે ! (પોઇંટ ટુ બી નોટેડ યોર ઓનર)
આમાં પણ બાયર એન્ડ સેલરનો બુનીયાદી વેપારનો સિધ્ધાંત કામ કરે છે. ગાંધીજી કહેતા કે ગ્રાહકને ભગવાન સમાન ગણવા. વિદેશીઓ આ સલાહ જ અનુસરે છે. લાખો, કરોડો, અબજો ડોલરના હથીયારો વેચાતા હોય તો સબંધીતોને મિત્ર, વિશ્વના શ્રેષ્ઠ નેતા, મહાન, કહેવામાં વાંધો શું (?!!)
સૌથી ખેદજનક વાત છે કે આપણી પાસે આઝાદીના લગભગ આઠ દાયકા પછી પણ ગ્લોક સીરીઝને ટકકર આપે એવી એક સ્વદેશી પિસ્તોલ પણ નથી બનાવી શકતા. સ્વદેશી રાયફલ ઇન્સાસને બદલે રશીયનો પાસેથી ઉછીની ટેકનોલોજીથી પ્રેરીત એ.કે.ર૦૬ જેવી રાયફલોના ઉત્પાદન માટે પાના ભરીને વર્તમાનપત્રોમાં જાહેરાત કરી ગૌરવ અનુભવીએ છીએ.
બીજી વાત બાજુએ સાઇડલાઇન કરીએ તો પણ આપણી સેનાનું ગૌરવ ગણાતી બ્રહ્મોસ મિસાઇલ ખુદ રશીયન ટેકનોલોજીથી સંલગ્ન છે. રશીયનો સૌથી મોટા ભારતમાં શષાો નિકાસ કરનારા દેશોમાં દાયકાઓથી પ્રથમ નંબરે છે. રશીયનો વગર આપણી આત્મનિર્ભરતા કેટલી અને કઇ હદ સુધી ? વિચાર માગી લે તેવો સવાલ છે. બ્રહ્મોસ મીસાઇલો અન્ય દેશોને વેચવા માટે આપણે રશીયાની પુર્વ મંજુરી લેવી જરૂરી હોય છે !!
બસ આજ છે ટેકનોલોજી ટ્રાન્સફરના રૂપાળા શબ્દો પાછળ છુપાયેલા શષાોના વેચાણનું અસલી સ્વરૂપ. આજે સ્વદેશી કે આત્મનિર્ભર ન કહેવાય મિત્રો હમણા જ સમાચાર હતા કે અદાણી લડાયક ડ્રોન બનાવશે (!!) વચ્ચે વળી અનિલ અંબાણી નૌકાદળ માટે સબમરીન બનાવવાના હતા (!!) વાદે વાદે ચણા ઉપાડવાના આવા પ્રચાર યુધ્ધમાં કયારે વિદેશી શષા ઉત્પાદક કંપનીઓ આવીને આમા ગોઠવાઇ જાય છે. તે કઇ સીક્રેટ તો નથી. છેવટે તો ટેકનોલોજીથી માંડી પેકીંગ સુધીનું હોલ એન્ડ સોલ વિદેશી હોય તેને આત્મનિર્ભર કહેવાય?
હમણા તો ટ્રમ્પના અમેરિકાને અબજો રૂપિયાની ડિફેન્સ ડીલ કરાવ્યા પછી હવે ‘‘પુતિન'' આવે છે. માત્ર ચોવીસ કલાક માટે જ. શષાોની લાખો કરોડોની ડીલ કરવા જ? S-૪૦૦ કે SU સિરીઝના પાંચમાં જનરેશનના ફાઇટર પ્લેનનો સોદો થવાની સંભાવના મિડીયામાં છે. જોઇએ શું થાય છે? બીજુ શું થશે?!
વાહવાહીની મૌજુદા હાલાતમાં એ વાત સાવ આસાનીથી ભુલી જવાય છે કે લાખો, કરોડો ડોલરના હથિયારો લેતા દેશના નેતાઓને ‘‘મિત્ર, સૌથી મહાન મિત્ર, વિશ્વના મંચ ઉપર ગૌરવપૂર્ણ નેતા'' એવા વિશેષણોથી નવાજવામાં આ યુરોપીયનો કયાંય પાછા પડે તેમ નથી. ‘‘વાઇન, વેપન્સ એન્ડ વુમન''ની જ ભાષા સમજનારા આવા લોકો માત્ર વાહવાહી કરી ફાયદો ઉપાડે છે તેવુ નથી લાગતુ? આવા રેડીમેઇડ વિદેશી હથિયારોની ખરીદીને જસ્ટીફાઇડ કરવા ‘‘પાક. ધ્રુજી જશે, ફફડી જશે જેવા પ્રચારના પ્રયાસો તો ખરા જ ખરા!!!
પણ જયારે ભારતને યુનોની સુરક્ષા પરિષદનુ કાયમી સભ્ય બનાવવાની વાત આવે ત્યારે? બધા જ ચુપ!! અમેરીકા (લાખો કરોડો ડોલરની ડીલ) ફ્રાન્સ (રાફેલ) રશિયા S-૪૦૦, SU સિરીઝ પાંચમાં જનરેશન પ્લેન, બીજુ ઘણુ બધુ) ઇઝરાયલ બધા જ ચુપ!! ટુંકમાં આવા સંરક્ષણના સોૈથી અગત્યના પ્રશ્ને સંપુર્ણ આત્મનિર્ભર થઇએ તે વધારે યોગ્ય નથી લાગતુ? વાહવાહીના નશામાંથી બહાર આવવાની જરૂર છે. પણ બહાર...?
આશિષ યોગેન્દ્ર દવે, રાજકોટ
(2:50 PM IST)










