News of Tuesday, 2nd December 2025
સાયબર ફ્રોડનો ભોગ બનનારા અરજદારોની રોકડ અને ગુમ થયેલા મોબાઇલ શોધી પરત કર્યા
યુનિવર્સિટી પોલીસની સાયબર સ્કોડની કામગીરીઃ રૂા. ૭.૬૦ લાખનો માલમતા પરત સોંપી

રાજકોટ, તા., ર : તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત શહેરના યુનિવર્સિટી પોલીસ મથક હેઠળના વિસ્તારમાં ગુમ થયેલા મોબાઇલ ફોન તેમજ સાયબર ફ્રોડનો ભોગ બનનારા અરજદારોની રોકડ રકમ મળી રૂા. ૭.૬૦ લાખની માલમતા સાયબર સ્કોડની ટીમે અરજદારોને પરત કરી હતી.
યુનિવર્સિટી વિસ્તારમાં રહેતા લોકોએ સાયબર ફ્રોડમાં ગુમાવેલા નાણા અને અલગ અલગ વિસ્તારમાંથી ગુમ થયેલા મોબાઇલ ફોન શોધી કાઢી અરજદારોને પરત કરવા અંગે પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા તથા એડીશનલ પોલીસ કમિશ્રર મહેન્દ્ર બગડીયા તથા ડીસીપી ઝોન-રના રાકેશ દેસાઇ અને એસીપી રાધીકા ભારાઇની સુચનાથી યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ એચ.એન.પટેલના માર્ગદર્શન હેઠળ સાયબર સ્કોડની ટીમે હેલ્પલાઇન પોર્ટલમાં આવેલી અરજદારોની અરજીઓની તપાસ હાથ ધરી હતી. દરમ્યાન અરજદારોએ સાયબર ફ્રોડમાં ગુમાવેલા રૂા. પ,૭૦,૧૩૦ રોકડ રકમ ટેકનીકલ એનેલેસીસ કરી અરજદારોને પરત કરી હતી. જયારે ગુમ થયેલા રૂા. ૧,૯૦,પ૦૦ની કિંમતના ૧૩ મોબાઇલ ફોન શોધી કાઢી અરજદારોને પરત કર્યા હતા. આ કામગીરી પીઆઇ એચ.એન.પટેલ, એએસઆઇ સંજયભાઇ ઠાકર, કોન્સ. સાવનભાઇ વસોયા અને ગૌતમભાઇ વાળા દ્વારા કરવામાં આવી હતી.
(3:13 PM IST)










