<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd December 2025

મંગળા રોડ ગેંગવોરઃ પેંડા ગેંગનો વધુ એક સાગ્રીત નાગજી ઉર્ફ નાગદાન પકડાયો

પેરોલ ફરલો સ્‍ક્‍વોડના બી. એમ. ઝણકાટ અને ટીમે દબોચી લીધો

રાજકોટ તા. ૨: શહેરમાં ૧૦૦થી વધુ ગુનાઓમાં સંડોવાયેલી અને કાયદો-વ્‍યવસ્‍થાની સ્‍થિતિને પડકારતી પેંડા અને મુરગા ગેંગ સામે પોલીસે સખ્‍ત કાર્યવાહી શરૂ કરી છે. છેલ્લા ૧૦ માસથી ચાલતી ગેંગવોરના મામલે મંગળા રોડ પર સામસામે થયેલા અંધાધુંધ ફાયરીંગની ઘટનામાં પોલીસે અત્‍યાર સુધીમાં કુલ ૨૯ આરોપીઓની ધરપકડ કરી હતી. બંને ગૈંગ સામે ગુજસીટોક હેઠળ ગુના પણ નોંધાઇ ચુક્‍યા છે. આ વચ્‍ચે પેંડા ગેંગના વધુ એક સાગરીતને ઝડપી લેવાયો છે. તે સાથે ધરપકડનો આંક ૨૯ થયો છે.

સૌથી મહત્ત્વની કાર્યવાહીમાં પોલીસે આ બંને ગેંગ સામે રાજ્‍યના સંગઠિત ગુના નિયંત્રણ કાયદા ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કર્યો છે. અગાઉ એ-ડિવિઝન પોલીસે ફાયરિંગના કેસમાં ૨૮ આરોપીઓને પકડી જેલ હવાલે કર્યા હતા, પરંતુ ગેંગની વધતી ગુનાખોરીને જોતા તેમની સામે ગુજસીટોકનો ગાળિયો કસવામાં આવ્‍યો છે. ફાયરીંગના ગુનામાં ફરાર રહેલા આરોપીઓને ઝડપી પાડવા માટે એસઓની ટીમે ઝુંબેશ શરૂ કરી હતી અને મોટા ભાગનાને દબોચી લીધા હતાં. ક્રાઇમ બ્રાંચે પણ આ કામગીરીમાં ભાગ ભજવ્‍યો હતો. દરમિયાન પેરોલ ફરલો સ્‍ક્‍વોડની ટીમે પેંડા ગેંગના નાગજી ઉર્ફ નાગદાન નકુભાઇ બાવડા (ઉ.વ.૩૦-રહે. ખોડીયારનગર-૧૨)ને જલારામ ચોક ભક્‍તિનગર સર્કલ પાસેથી દબોચી લીધો હતો.

પોલીસ દ્વારા જણાવ્‍યા મુજબ ફાયરીંગ કેસમાં મુરગા ગેંગના સંજલા સહિત ૬ અને પેંડા સહિતના ૨ મળી કુલ ૮ આરોપીઓ ફરાર હતા. તેમાંથી નાગદાનની ધરપકડ થતાં હવે અન્‍ય ૭ ફરાર આરોપીઓને પકડી પાડવા માટેની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. આ ઉપરાંત ગુજસીટોકના ગુનામાં પણ આ તમામ આરોપીઓની ધરપકડની કાર્યવાહી કરાશે. આ કામગીરી પેરોલ ફરલો સ્‍કવોડના પીઆઇ બી. એમ. ઝણકાટ, પીએસઆઇ જે. જી. તેરૈયા, એએસઆઇ રાજદિપસિંહ ગોહિલ, હેડકોન્‍સ. નરેન્‍દ્રભાઇ ગઢવી, રાહુલભાઇ ઠાકુર, જયેશભાઇ ચોસલા અને કુલદીપસિંહ જાડેજાએ કરી હતી.

(4:03 PM IST)