તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 2nd December 2025
છ વ્યંઢળોએ ફિનાઇલ ગટગટાવી લીધાના બનાવમાં વ્યંઢળ નીકીતાદેની ધરપકડ
અખાડામાંથી કાઢી મકુાયા પછી પણ નિકીતાદે ભીક્ષાવૃતિ કરતાં હોઇ આ મામલે વિવાદ સર્જાયો હતોઃ બીજા આરોપી સંગીતા ઉર્ફ રાજીયાની શોધખોળ

રાજકોટ તા. ૨: શહેરમાં વ્યંઢળો વચ્ચે ચાલી રહેલો વિવાદ વકરી જતાં ત્રણ દિવસ પહેલા જામનગર રોડ પર શ્રીખાટુ શ્યામજી મંદિર નજીક એક સાથે છ વ્યંઢળોએ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ મામલે ગાંધીગ્રામ પોલીસે મીરાદેની ફરિયાદને આધારે ગંજીવાડામાં રહેતાં નીકીતાદે એ સંગીતા ઉર્ફ રાજીયો વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો હતો. આ ગુનામાં નિકીતાદેની ધરપકડ કરી લઇ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
જાણવા મળતી વિગતો મુજબ જામનગર રોડ પર પરપીપળિયા ગામે એકતા સોસાયટીમાં રહેતી મીરા દેએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગંજીવાડામાં રહેતી નીકીતા દે અને નવાગામ રંગીલા સોસાયટીમાં રહેતી સંગીતા ઉર્ફે રાજીયોના નામ આપ્યા હતાં. મીરા દે એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, નીકીતા માસીની ખોટી ટેવના લીધે તેને અખાડામાંથી પાંચ મહિના પુર્વે કાઢી મૂકી હતી.તેમ છતા તેણે અખાડના નામે ભીક્ષાવળત્તિ કરવાનું ચાલુ રાખ્યું હતું. દરમિયાન ગઇ તા. ૨૭/૧૧ ના રોજ નીકીતાએ રાત્રીના ફોન કરી મીરા દે સાથે ઝઘડો કરી હું રાજકોટમાં ભીક્ષાવળત્તિ કરીશ જ તારાથી થાય તે કરી લેજે કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સિવાય તેની સાથે રહેલી સંગીતા ઉર્ફે રાજીયાએ પણ ધમકી આપી હતી.
આ ધમકીથી ડરીને મીરાદેના શિષ્યો એવા છ વ્યંઢળો ખુશ્બુ દે ગોપી દે, સમીરાદે ગોપી દે, બિંદિયાદે મીરાદે, ગોપીદે મીરાદે ટીની મીરાદે અને કલ્પુ મીરાદેએ ૨૭મીએ રાતે ફિનાઇલ પી સામુહીક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. એ પહેલા સાંજના સમયે ગંજીવાડામાં નિકીતાદેએ પણ ફિનાઇલ પીધુ હતું. સામ સામે આક્ષેપો બાદ મીરાદેની ફરિયાદ પરથી નિકીતાદે સહિત બે સામે ગુનો દાખલ થયો હતો. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.આર.મેઘાણીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એસ. બી. જાડેજા તથા ટીમે તપાસ હાથ ધરી નીકીતાદેને ઝડપી લઇ જરૂરી કાર્યવાહી કરી હતી.
રાજકોટ કિન્નર અખાડાના ગાદીપતિ મીરાદેની અને નિકિતાદે વચ્ચેના વિવાદમાં ગઇકાલેં સમગ્ર ગુજરાતમાંથી કિન્નરોના ગાદીપતિ રાજકોટ ખાતે એકઠા થયા હતાં અને નિકીતાદે વિરૂધ્ધ સુત્રોચ્ચાર કર્યા હતાં. અમદાવાદ, બરોડા,જૂનાગઢ તેમજ ઉજ્જૈન કિન્નર અખાડા સહીત ૭૦ થી વધુ ગાદીપતિ અહીં પહોંચ્યા હતા અને નિકિતાદેના ફોટો પર ચપ્પલો મારી સુત્રોચ્ચાર કર્યા હતાં.
(4:06 PM IST)










