<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd December 2025

ક્રિસ્‍ટલ મોલમાં ‘લાલો'ના પ્રમોશનમાં ભીડ બેકાબૂઃ ગુનો નોંધાયો . : જુઓ વિડિયો

ભીડ એવી ઉમટી પડી કે અફડા-તફડી મચી ગઇઃ કલાકારો સાથે ફોટા-સેલ્‍ફી લેવા પડાપડી : મોલના વચ્‍ચેના ભાગે સ્‍ટેજ બાંધી ગુજરાતી ફિલ્‍મના એક્‍ટર, પ્રોડયુસર, ડિરેક્‍ટર, સ્‍ટારકાસ્‍ટને બોલાવાતાં ભીડ બેકાબૂ બની ગઇ હતીઃ એક બાળકી એલીવેટર પરથી પટકાતી માંડ બચીઃ બે લોકોએ બચાવી લીધીઃ યુનિવર્સિટી પોલીસે મોલના મેનેજર સમીર વિસાણી સામે કાયદેસરની કાર્યવાહી કરી : પુર્વ મંજુરી વગર ‘લાલો' ફિલ્‍મનું પ્રમોશનઃ મેનેજર સામે જાહેરનામા ભંગ સબબ પોલીસની કાર્યવાહી : કલાકારોએ અગાઉથી જ સોશિયલ મિડીયાથી લોકોને પોતે ક્રિસ્‍ટલ મોલ ખાતે આવી જવા સંદેશો આપ્‍યો હોઇ મોટી સંખ્‍યામાં લોકો ઉમટી પડયા હતાં

ક્રિસ્‍ટલ મોલ ખાતે ગુજરાતી ફિલ્‍મ લાલોના પ્રમોશન માટે ફિલ્‍મની સ્‍ટારકાસ્‍ટ-નિર્માતા, નિર્દેશક સહિતના પહોંચતા ભીડ બેકાબુ બની ગઇ હતી અને અફરા તફરી મચી ગઇ હતી. આ કાર્યક્રમ માટે કોઇ મંજુરી લેવાઇ ન હોઇ આ ઘટનાના વિડીયો વાયરલ થતાં યુનિવર્સિટી પોલીસે મોલના મેનેજર વિરૂધ્‍ધ ગુનો દાખલ કર્યો હતો. મોલ ખાતે કેવા દ્રશ્‍યો હતાં તે તસ્‍વીરોમાં જોઇ શકાય છે (તસ્‍વીરઃ અભિષેક બગથરીયા)

રાજકોટ તા. ૩: શહેરના કાલાવડ રોડ પર આવેલા  ક્રિસ્‍ટલ મોલ ખાતે પુર્વ મંજુરી વગર ગુજરાતી ફિલ્‍મ ‘લાલો'નું પ્રમોશન રાખવામાં આવ્‍યું હોઇ તેમાં ખુબ જ મોટી ભીડ એકઠી થતાં અફરાતફરી મચી ગઇ હતી. આ ઘટનાના વિડીયો સોશિયલ મિડીયા પર વાયરલ થયા હતાં. દરમિયાન યુનિવર્સિટી પોલીસે જાહેરનામાના ભંગ બદલ મોલના મેનેજર વિરૂધ્‍ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.

આ બનાવમાં યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશનમાં પીએસઆઇ એન. વી. ચાવડાની ફરિયાદ પરથી મોલના મેનેજર સમીર રામજીભાઇ વિસાણી (રહે. રૈયા રોડ સી-૯૦૧, સવંત સરફેસ) વિરૂધ્‍ધ બીએનએસની કલમ ૨૨૩ મુજબ કોઇપણ જાતની મંજુરી વગર ક્રિસ્‍ટલ મોલ જેવી જાહેર જગ્‍યા ખાતે ગ્રાઉન્‍ડ ફલોર ઉપર વચ્‍ચેના ભાગે સ્‍ટેજ બાંધી લાલો ફિલ્‍મના એક્‍ટર, ડિરેક્‍ટર, પ્રોડયુસર અને સ્‍ટારકાસ્‍ટને મુવીના પ્રમોશન માટે બોલાવી અંદરના અને મોલના બહારના ભાગમાં  કાર્યક્રમ યોજી મોટી ભીડી એકઠી કરી જાહેરનામાનો ભંગ કરવામાં આવ્‍યાનો ગુનો દાખલ કરાયો છે.

પીએસઆઇ ચાવડાએ આપેલી ફરિયાદ મુજબ ગઇકાલે મંગળવારે તા. ૦૨/૧૨/૨૦૨૫ના રોજ સાંજે ૬ થી ૬:૩૦ વાગ્‍યાના સમયગાળા દરમિયાન ક્રિસ્‍ટલ મોલના મેનેજર દ્વારા કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી મેળવ્‍યા વિના મોલના ગ્રાઉન્‍ડ ફ્‌લોર પર સ્‍ટેજ બાંધી લાલા ફિલ્‍મના કલાકારો, ડાયરેક્‍ટર, પ્રોડ્‍યુસર તથા સ્‍ટાર કાસ્‍ટને પ્રમોશનલ એક્‍ટિવિટી માટે બોલાવવામાં આવ્‍યા હતા. આ કાર્યક્રમના કારણે મોલની અંદરના તેમજ બહારના ભાગમાં ખૂબ જ મોટી સંખ્‍યામાં ભીડ એકઠી થઈ હતી. આ બનાવનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસને જાણ થઈ હતી.

રાત્રીના સવા નવ વાગ્‍યાની આસપાસ વીડિયો વાયરલ થતાં પીએસઆઇ  એન.વી. ચાવડા પોતાના સ્‍ટાફ સાથે તાત્‍કાલિક ક્રિસ્‍ટલ મોલ ખાતે પહોંચ્‍યા હતા અને તપાસ હાથ ધરી હતી. તપાસમાં સામે આવ્‍યું હતું કે મોલ મેનેજર સમીર રામજીભાઈ વીસાણી-બારોટ (ઉ.વ. ૩૭, રહે. સી-૯૦૧ સર્વન સરફેસ, રૈયા રોડ, રાજકોટ) દ્વારા પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરાયો છે.

જાહેરનામા મુજબ જાહેર જગ્‍યાએ વધારે માણસોને ભેગા કરવા માટે પૂર્વે મંજૂરી લેવી ફરજિયાત છે, જેનું પાલન કરવામાં આવ્‍યું ન હતું. આથી મેનેજર સમીર વીસાણી સામે બીએનએસની કલમ ૨૨૩ મુજબ જાહેરનામાના ભંગનો ગુનો નોંધીને સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન મુજબ નોટિસ આપવામાં આવી છે.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયાની સુચના તથા ડીસીપી (ઝોન-૨) રાકેશ દેસાઇ અને એસીપી રાધીકા ભારાઇની રાહબરીમાં  યુનિવર્સિટી પીઆઇ એચ. એન. પટેલના માર્ગદર્શન મુજબ ડી-સ્‍ટાફના પો.સબ ઇન્‍સ. એન. વી. ચાવડા અને ડી. સ્‍ટાફની ટીમ વાયરલ વિડીયોને પગલે મોલ ખાતે પહોંચ્‍યા હતાં અને કાર્યવાહી કરી હતી. ઉલ્લેખનિય છે કે લાલો નામની ગુજરાતી ફિલ્‍મ દેશ-વિદેશમાં હાલમાં જોવાઇ રહી છે અને આ ફિલ્‍મે સો કરોડથી વધુની કમાણી કરી લીધી છે. વાયરલ થયેલા વિડીયોમાં એક બાળકીને કઇ રીતે મોલની સીડી પરથી પટકાતી લોકો બચાવી રહ્યા છે જે જોવા મળી રહ્યું છે. બેકાબુ ભીડના દ્રશ્‍યો પણ જોઇ વિડીયોમાં જોવા મળી રહ્યા છે. (૧૪.૫)

મેનેજરે કહ્યું-ફિલ્‍મની ૧૦૦ કરોડની કમાણી થતાં કલાકારો ચાહકોને થેન્‍ક-યુ કહેવા આવ્‍યા હતાં: પોલીસે મારા વિરૂધ્‍ધ જે કાર્યવાહી કરી તે યોગ્‍ય છે

રાજકોટની જનતાને થેન્‍કયુ કહેવા કલાકારો આવ્‍યા હતાં. સો કરોડની કમાણી કરનારી આ ફિલ્‍મ બની ગઇ છે, એના માટે  પર્યાપ્‍ત બાઉન્‍સર, સિક્‍યુરીટી ગાર્ડ હતાં. લોકોને આ કલાકારોને મળવાની ખુબ ઇચ્‍છા હોઇ મોટી સંખ્‍યામાં લોકો આવી ગયા હતાં. જે કંઇ બન્‍યું તેની મને સોશિયલ મિડીયાથી જાણ થઇ હતી. અમે તો પ્રમોશન કરતાં જ હોઇએ છીએ. પ્રમોશન માટે એ લોકોએ અમને પુછી અમારી જ મંજુરી લીધી હતી. પોલીસે આ બદલ જે પગલા લીધા છે તે યોગ્‍ય છે. પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી જ છે. મોલ ખાતે ૧૪ બાઉન્‍સર હતાં, સિક્‍યુરીટી સ્‍ટાફ પણ હતો. આ વખતે થોડી ભીડ વધી ગઇ છે. કલાકારો સાથે સેલ્‍ફી લેવા જતાં થોડી દોડધામ મચી ગઇ હશે. અમે પ્રોપરલી પગલા લીધા હતાં. આમ છતાં અમારી ચુક થઇ હોઇ તેવુ જણાયું હોઇ પોલીસે કાર્યવાહી કરી છે. (૧૪.૫)

 

(2:29 PM IST)