<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd December 2025

રાજકોટમાં સીઝન હોટલ ખાતે વડોદરાના અમિતભાઇનું હૃદય ધબકારા ચુક્‍યું:મોત

ડ્રાઇવર તરીકે નોકરી કરતાં હોઇ લગ્નપ્રસંગમાં શેઠને લઇને આવ્‍યા હતાં: ૪૨ વર્ષિય યુવાન પરિવારનો આધારસ્‍તંભ હતાં: બે સંતાને પિતાનું છત્ર ગુમાવ્‍યું

રાજકોટ તા. ૩: કાલાવડ રોડ અવધના ઢાળ નજીક આવેલી સીઝન્‍સ હોટેલ ખાતે પોતાના શેઠને લઇને લગ્ન પ્રસંગમાં વડોદરાથી રાજકોટ આવેલા ડ્રાઇવર યુવાનનું હોટેલની લોબીમાં બેભાન થઇ ગયા બાદ મૃત્‍યુ થતાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. તેને હાર્ટએટેક આવી ગયાનું ખુલ્‍યું હતું.

જાણવા મળ્‍યા મુજબ વડોદરા એકતા સોસાયટીમાં રહેતાં અમિતભાઇ મનોહરભાઇ પવાર (ઉ.વ.૪૨) નામના યુવાન વડોદરામાં ડ્રાઇવર તરીકે નોકરી કરતાં હોઇ ત્રણેક દિવસ પહેલા તે ડ્રાઇવર તરીકે તેના શેઠ સાથે રાજકોટ લગ્નપ્રસંગમાં આવ્‍યા હતાં. ગત સાંજે આઠેક વાગ્‍યે અમિતભાઇ સીઝન્‍સ હોટલ ખાતે લોબીમાં ઉભા હતાં ત્‍યારે એકાએક બેભાન થઇ ઢળી પડતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું. હાર્ટએટેક આવી ગયાનું ખુલ્‍યું હતું. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અમૃતભાઇ મકવાણા, યુવરાજસિંહ, રવિભાઇ, પ્રતાપભાઇ, ધર્મેન્‍દ્રભાઇએ જાણ કરતાં મેટોડા પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનાર ડ્રાઇવર તરીકે નોકરી કરતાં હતાં. તે એક બહેનથી મોટા અને પરિવારનો આધારસ્‍તંભ હતાં. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. બનાવથી પરિવારજનોમાં કલ્‍પાંત સર્જાયો છે.

(1:02 PM IST)