તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 3rd December 2025
રેસકોર્ષ રીંગ રોડ પર વોકીંગમાં નીકળેલા રેલનગરના પુનીતભાઇનો ચેઇન ખેંચાયોઃ રીઢો શખ્સ મેહુલ ઉર્ફ ભુરી ઉર્ફે મામો સકંજામાં
સોનાના ચેઇનનો ટૂકડો અને પેન્ડલ મળી ૩૮ હજારના દાગીનાની ઝોંટ મારી હતીઃ ચેઇન ખરીદનારની પણ પ્ર.નગર પોલીસે પુછતાછ શરૂ કરીઃ નવલનગરનો મેહુલ અગાઉ ચોરી, લૂંટ, મંદિર ચોરી સહિતના અનેક ગુનાઓમાં સામેલ

રાજકોટ તા. ૩: શહેરના રેસકોર્ષ રીંગ રોડ પર મોર્નિંગ વોક કરવા નીકળેલા રેલનગરના વેપારી યુવાનના ગળા પર ઝોંટ મારી ચિલઝડપકાર ચેઇન ખેંચી જતાં પ્ર.નગર પોલીસે તપાસ હાથ ધરી હતી. જો કે ચિલઝડપકારના હાથમાં ચેઇનનો ટૂકડો અને પેન્ડલ આવ્યા હતાં. અડધો ટુકડો વેપારી પાસે રહી ગયો હતો. પોલીસે ભેદ ઉકેલી રીઢા શખ્સને સકંજામાં લઇ પુછતાછ હાથ ધરી છે. આ શખ્સ અગાઉ ચોરી, ચિલઝડપ, લૂંટ, મંદિર ચોરીઓ સહિતના અનેક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે.
આ બનાવમાં પ્ર.નગર પોલીસે રૈયા ટેલીફોન એક્ષચેન્જ પાસે સોમનાથ સોસાયટી-૧માં મોલ્ટાબેલા એપાર્ટમેન્ટ એ-૨૦૨ ખાતે રહેતાં અને ભક્તિનગર સ્ટેશન પ્લોટ-૭માં ચિરાગ ટ્રેડ લિંક નામની ઓફિસમાં બેસી વેપાર કરતાં પુનીતભાઇ દિપકભાઇ ગણાત્રા (ઉ.વ.૩૦)ની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધ્યો છે અને શકમંદ રીઢા શખ્સને દબોચી લઇ પુછતાછ હાથ ધરી છે. તેણે આ ચિલઝડપ કરેલો ચેઇન વેંચી નાંખ્યો હોઇ ખરીદનારની પણ પોલીસે પુછતાછ શરૂ કરી છે.
પુનીતભાઇ ગણાત્રાએ જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું. ૨૯/૧૧ના સવારે સાડા સાતેક વાગ્યે હું ઘરેથી મારુ પેશન બાઇક જીજે૦૧એફયુ-૦૨૧૬ લઇને રેસકોર્ષ રીંગ રોડ ખાતે વોકીંગ કરવા ગયો હતો. આ વખતે મેં બાઇક કિસાનપરા ચોકમાં પાર્ક કર્યુ હતું. ત્યાંથી ચાલીને બહુમાળી ભવન ચોક, એનસીસી ચોક થઇને પરત કિસાનપરા ચોક તરફ ચાલીને જતો હતો ત્યારે સાડા આઠેક વાગ્યે એનસીસી ચોક અને ઇનકમટેક્સ ઓફિસ વચ્ચે પહોંચતા પાછળથી એક બાઇકવાળો આવ્યો હતો અને મારા ગળા પર ઝોંટ મારી સોનાનો ચેઇન ખેંચી લીધો હતો.
આ ચિલઝડપને કારણે ચેઇન તુટી ગયો હતો. ચેઇનનો થોડો ભાગ અને તેમાં ગણેજીનું પેન્ડલ હતું તે ખેંચીને બાઇકચાલક ભાગી ગયો હતો. તેના નંબર હું જોઇ શક્યો નહોતો. બાદ હું ચાલીને કિસાનપરા ચોકમાં મારુ બાઇક જ્યાં પાર્ક કર્યુ હતું ત્યાં ગયો હતો અને પોલીસ સ્ટેશને જઇ જાણ કરી હતી. જે તે વખતે મેં ફરિયાદ નોંધાવી નહોતી. આ ચેઇન મારા પિતાજીએ સાત આઠ વર્ષ પહેલા મને લઇ દીધો હતો. જે આશરે પંદર ગ્રામનો હતો અને તેમાં ગણેશજીનું પેન્ડલ બે ગ્રામનું હતું. જે મેં તાજેતરમાં ૨૩ હજારમાં લીધુ હતું. ચેઇન તૂટી જતાં જે ટુકડો ચિલઝડપકારના હાથમાં ગયો તે આશરે ૧૫ હજારનો હતો. હવે મેં ફરિયાદ નોંધાવવાનું નક્કી કરી પોલીસને જાણ કરી હતી. તેમ વધુમાં પુનીતભાઇએ કહેતાં પ્ર.નગર પીઆઇ વી. આર. વસાવાની રાહબરીમાં પીએસઆઇ એસ. ડી. કોઠીરે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
દરમિયાન ડી. સ્ટાફે આ ગુનામાં મવડી પ્લોટ નવલનગર-૯ના છેડે કૈલાસનગર-૨માં રહેતાં મેહુલ ઉર્ફ ભુરી ઉર્ફ મામો ધનજીભાઇ જેઠવા (ઉ.વ.૨૮)ને ઝડપી લીધો છે. આ શખ્સ અગાઉ પણ ઘરફોડ ચોરી, મંદિરોમાં ચોરી, જૈન દેરાસરમાં લૂંટ, નિર્લજ્જ હુમલો સહિતના અનેક ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે.
(3:05 PM IST)










