<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd December 2025

‘લાલો'ના સર્જકોને સો કરોડની સફળતા માટે મોમેન્‍ટો અપાયા

‘લાલો : શ્રી કૃષ્‍ણ સદા સહાયતે'ની સફળતાની ક્ષણો યાદગારી બની, ફિલ્‍મના ૧૦૦ કરોડના બોક્‍સ ઓફિસ કલેક્‍શન માટે કરિશ્‍મા ક્રિએશન દ્વારા મોમેન્‍ટો અપાયા

રાજકોટ : અત્‍યારે ‘લાલો : શ્રી કૃષ્‍ણ સદા સહાયતે' ગુજરાતભરમાં ધૂમ મચાવી રહી છે. ફિલ્‍મમાં કરણ જોશી, શ્રુહદ ગોસ્‍વામી અને રિવા રાચ્‍છ મુખ્‍ય પાત્ર ભજવે છે. રિક્ષા ચાલક લાલજી પરમાર બનેલા કરણ જોશી, શ્રી કૃષ્‍ણના પાત્રમાં શ્રુહદ ગોસ્‍વામી અને તુલસી તરીકે રિવા રાચ્‍છના અભિનયના ખૂબ જ વખાણ થઇ રહ્યા છે. ફિલ્‍મના કો-રાઇટર અને ડિરેક્‍ટર અંકિત સખિયાએ શ્રી કૃષ્‍ણના સિદ્ધાંતોનો સુંદર અને સરળ રીતે ફિલ્‍મમાં કંડાર્યા છે.

અમદાવાદ સ્‍થિત ફિલ્‍મ પબ્‍લિસિટીમાં વર્ષોથી કાર્યરત કરિશ્‍મા ક્રિએશનના પંકજ ખત્રીએ ‘લાલો' ફિલ્‍મની આ અભૂતપૂર્વક સફળતા બદલ રાજીપો વ્‍યક્‍ત કર્યો હતો. પંકજ ખત્રીનું કરિશ્‍મા ક્રિએશન છેલ્લા સત્‍યાવીસ વર્ષથી ગુજરાતી ફિલ્‍મોની પબ્‍લિસિટીમાં કાર્યરત છે. કરિશ્‍મા ક્રિએશન આજ ૧૫૦૦ જેટલી ફિલ્‍મોનું પબ્‍લિસિટીનું કામ કર્યું છે. ‘લાલો : શ્રી કૃષ્‍ણ સદા સહાયતે' એ ગુજરાતી ઇન્‍ડસ્‍ટ્રીને એક ડગલું ઓૈર આગળ ધપાવતા, ૧૦૦ કરોડના બારણે આવીને ઊભી છે ત્‍યારે કરિશ્‍મા ક્રિએશનના  પંકજ ખત્રીેએ મેનિફેસ્‍ટ ફિલ્‍મ્‍સના ત્રણ મજબૂત પિલ્લર અંકિત સખિયા (પ્રોડયુસર - ડિરેક્‍ટર), શુભમ ગજ્જર (પ્રોડયુસર - ડિરેક્‍ટર) અને  અજય બળવંત પાદરીયા (પ્રોડયુસર)નું મોમેન્‍ટો આપીને સન્‍માન કર્યું હતું.

તેમણે જણાવ્‍યું હતું કે, હું વર્ષોથી ઇન્‍ડસ્‍ટ્રી સાથે જોડાયેલો છું. કલા અને કલાકાર કસબીઓ પ્રત્‍યે આદર અને પ્રેમ રહ્યો છે. ‘લાલો : શ્રી કૃષ્‍ણ સદા સહાયતે' જેવી ઘટના ક્‍યારેક જ બનતી હોય છે. બેશક, ‘દેશ રે જોયા દાદા પરદેશ જોયા'થી કરીને ‘છેલ્લો દિવસ', ‘હેલ્લારો' અને ‘ચાલ જીવી લઇએ' સહિતની અઢળક ફિલ્‍મો ગુજરાતી ઇન્‍ડસ્‍ટ્રી માટે માઇલસ્‍ટોન સાબિત થઇ છે ત્‍યારે આ ક્ષણની સાક્ષી બન્‍યા તેનો આનંદ છે.

(3:12 PM IST)