<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd December 2025

જિલ્લા પંચાયતમાં ‘સમય' બદલાયોઃ જુનાના ‘કાંટા' ચોટશે, નવાના ‘ડંકા' વાગશે

કૈંક ઇચ્‍છાઓ અધુરી હોય છે, જિંદગી તોયે મધુરી હોય છે, દ્રાક્ષ ખાટી દર વખતે હોતી નથી, જીભ પણ કયારેક ‘તૂરી' હોય છે અનામત બેઠકોની ફાળવણીથી રાજકીય સમીકરણોમાં ધરખમ ફેરફારઃ અમૂકના અરમાન ‘અધૂરા', અમૂકના દિવસો ‘મધુરા' પંચાયતમાં ઐતિહાસિક ઘટનાઃ વર્તમાન પાંચ વર્ષના છ એ છ મુખ્‍ય પદાધિકારીઓને બેઠક ફાળવણીની અસરઃ પ્રવીણાબેનના મતક્ષેત્રમાં ‘પ્રમુખ' ફેરફારઃ ઉપપ્રમુખ રાજુ ડાંગર માટે હવે રાજકીય ‘થડ' બનશે કોલીથડ, વિકલ્‍પે મોવૈયા બેઠકઃ કારોબારી અધ્‍યક્ષ પી.જી. કયાડા નિવૃતિ તરફઃ અર્જુન ખાટરિયાએ ઢળવા માટે ‘ઢાળ' (ભાજપ) શોધ્‍યો તો લડવા માટે ‘લાગ' મળ્‍યોઃ વિપક્ષી નેતા મનસુખ સાકરિયા માટે મતક્ષેત્ર બદલવાની વેળાઃ અમૂક બેઠકો સામાન્‍ય વર્ગની છતા ત્‍યાં રાજકીય પક્ષોએ બક્ષીપંચના ઉમેદવાર મૂકવા પડે તેવી સ્‍થિતિ.

રાજકોટ તા.૩: રાજય ચૂંટણી પંચ દ્વારા ગઇકાલે રાજકોટ જિલ્લા પંચાયતની ૩૬ બેઠકો માટે અનામત વિસ્‍તાર ફાળવણી જાહેર થતા પંચાયતના રાજકારણમાં ધરખમ ફેરફાર થઇ ગયા છે. નવી ચૂંટણી પછી નવી ચૂંટાયેલી પાંખમાં અધિકાંશ નવા ચહેરા જોવા મળશે. સંભવત એપ્રિલ-મે માં ચૂંટણી યોજાય પછી કોનુ શાસન આવશે તે અત્‍યારે કહેવુ વહેલુ ગણાય પણ લગભગ બધા અથવા મોટાભાગના ચહેરા નવા હશે. નવુ રોટેશન ૨૫ થી વધુ બેઠકોને સ્‍પર્શી ગયુ છે. જિલ્લા પંચાયતમાં ત્રણ કે તેથી વધુ ટર્મથી ચૂંટાઇને ફરી આવે તેવી શકયતા નવી પાંખની દ્રષ્‍ટિએ નહિવત છે. જિલ્લા પંચાયતના રાજકારણમાં સમય બદલાવાની શરૂઆત થઇ ચુકી છે. જુનાઓના રાજકીય કાંટા ચોંટવા લાગશે અને નવા ચહેરાઓને રાજકારણમાં ડંકા વગડાવાની તક મળશે.

જિલ્લા પંચાયતના વર્તમાન ૫ વર્ષ પૈકી પ્રથમ અઢી વર્ષના પ્રમુખ ભૂપત બોદર, ઉપપ્રમુખ સવિતાબેન સામાણી અને કારોબારી અધ્‍યક્ષ સહદેવસિંહ જાડેજા તથા હાલના અઢી વર્ષના પ્રમુખ પ્રવીણાબેન રંગાણી, ઉપપ્રમુખ રાજુ ડાંગર અને કારોબારી અધ્‍યક્ષ પી.જી. કયાડાને અનામત ફાળવણીની અસર થઇ છે. આ છ પૈકી પાંચ પદાધિકારીઓએ ચૂંટણી લડવાનું માંડી વાળવુ પડશે અથવા અન્‍ય બેઠક પર લડવુ પડશે.

પ્રમુખ પ્રવીણાબેનની કુવાડવા બેઠક હવે સામાજીક શૈક્ષણિક (બક્ષીપંચ) વર્ગની થઇ ગઇ છે. ઉપપ્રમુખ રાજુ ડાંગરની દેરડી બેઠક સામાન્‍યસ્ત્રી અનામત બેઠક બની છે. શ્રી ડાંગરએ નજીકના કોલીથડ મત વિસ્‍તારમાં લડવાનુ થાય તેવા સંજોગો છે વિકલ્‍પે મોવૈયા બેઠક છે. આ બન્ને બેઠક બક્ષીપંચ વર્ગ માટેની થઇ છે. ઉપપ્રમુખ પી.જી. કયાડાની થાણાગાલોળ બેઠક સામાન્‍યસ્ત્રી બેઠકમાં ફેરવાઇ ગઇ છે. પી.જી. અન્‍ય બેઠક પર ચૂંટણી લડે તેવી શકયતા બહુ ઓછી છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા સતત ૪ ટર્મથી ચૂંટાતા અર્જુન ખાટરિયા માટે ચૂંટણી લડવાના અનૂラકુળ સંજોગો થઇ ગયા છે. તેની સામાન્‍ય બેઠક બક્ષીપંચ અનામતમાં (કોટડાસાંગાણી) ફેરવાઇ ગઇ છે. તેઓ પોતે બક્ષીપંચ વર્ગની આહિર જ્ઞાતિના છે. વિપક્ષી નેતા મનસુખ સાકરિયા( ભાડલા)ની બેઠક સામાન્‍યસ્ત્રી અનામત થઇ ગઇ છે. તેણે ચૂંટણી લડવાનુ માંડી વાળવુ પડશે અથવા નવા વિસ્‍તારમાં જવુ પડશે. રાજકીય પક્ષોમાં કઇ બેઠક પર કયા ઉમેદવાર મુકવા તેનો નિર્ણય પાર્ટી કક્ષાએ થતો હોય છે.

પંચાયતમાં કુલ ૩૬ બેઠકો પૈકી હવે બક્ષીપંચ માટે હાલની ૪ના બદલે ૧૦ બેઠકો થઇ છે. સામાન્‍ય વર્ગની બેઠકો ૨૭માંથી ઘટીને ૨૧ થઇ ગઇ છે. સામાન્‍ય વર્ગની બેઠક પર અનામત જ્ઞાતિના ઉમેદવારને લડાવી શકાય પરંતુ બદલાયેલા સંજોગોમાં રાજકીય પક્ષો અપવાદરૂપ કિસ્‍સામાં જ આવો નિર્ણય કરે તેવી શકયતા છે. જો કે બે- ત્રણ બેઠકો એવી છે કે જે સામાન્‍ય વર્ગ માટે હોવા છતાં જ્ઞાતિના સમીકરણો ધ્‍યાને રાખીને રાજકીય પક્ષોએ બક્ષીપંચના ઉમેદવારને પસંદ કરવા પડશે. અનૂસુચિત જનજાતિ માટે એકમાત્ર જામકંડોરણા બેઠક ભાગે આવી છે. રાજકીય દ્રષ્‍ટિએ ચૂંટણી સુધીમાં હજુ ઘણા ચઢાવ-ઉતાર આવી શકે છે.

(4:07 PM IST)