<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th December 2025

કટારીયા ચોક એકાએક બંધઃ વાહન ચાલકોમાં રોષ

ગવાલીયાથી કોસ્‍મોપ્‍લેકસ સુધીનો રસ્‍તો બન્ને બાજુએથી ગત રાત્રીના એકાએક મનપા તંત્ર દ્વારા બંધ કરાતા રાહદારીઓ હેરાન-પરેશાન

રાજકોટ, તા., ૪ : સૌરાષ્‍ટ્રના પાટનગર સમા રાજકોટ શહેરનો દિન પ્રતિદિન અવિરત પણે વિકાસ થઇ રહયો છે. શહેરની વસ્‍તીમાં વધારાના કારણે શહેરીજનોને ટ્રાફીક સમસ્‍યામાંથી મુકિત મળે અને વાહનોની અવરજવરમાં સરળતા રહે તે હેતુસર મનપા દ્વારા કાલાવડ રોડ પર કટારીયા ચોકડીએ ૧પ૦ કરોડના ખર્ચે થ્રી લેયર બ્રીજ બનાવવામાં આવી રહયો છે.

આ કામગીરી અંતર્ગત મનપા તંત્ર દ્વારા કટારીયા ચોક ગત રાત્રીના એકાએક બંધ કરાતા હજારો વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહયો હતો.

અત્રે ઉલ્લેખનીય છેકે ગત સપ્તાહે પોલીસ તંત્ર દ્વારા કટારીયા ચોકડીના ડાયવર્ઝનનું જાહેરનામુ બહાર પાડવામાં આવ્‍યું હતું. પરંતુ કામગીરી ચોકમાં નહિ શરૂ થતા ચોકની બન્ને પર ટ્રાફીક અવર જવર શરૂ હતી.

પરંતુ એકાએક ગત રાત્રીના મનપા તંત્ર દ્વારા કામ ચાલુ છે તેવા હોર્ડીંગ બોર્ડ લગાવવામાં આવતા વાહન ચાલકો હેરાન-પરેશાન થયા હતા અને જાયે તો કહા જાયે તેવી સ્‍થિતિ જોવા મળી હતી.

આ અંગેની પ્રાપ્ત માહીતી મુજબ કોર્પોરેશન તંત્રએ નાગરિકો જોગ કોઇ પણ પ્રકારની જાહેરાત કર્યા વિના ધૂમ લગ્નગાળા વચ્‍ચે ગત રાત્રે ૧૧ વાગ્‍યાથી કાલાવડ રોડનો કટારીયા ચોક એકાએક બંધ કરતા દેકારો બોલી ગયો હતો. ગત રાત્રે ૧૧ વાગ્‍યાથી બ્રિજ નિર્માણ કરતી એજન્‍સીએ રસ્‍તાની બંને બાજુ પોતાના બેરીકેડ લગાવી રોડ ઉપર બાંધકામ મટીરિયલ્‍સના ઢગલા ખડકી દેતા ત્‍યાંથી પસાર થતા વાહનચાલકોને કટારીયા ચોક બંધ થયાની જાણ થઇ હતી. આજે તા.૭ ડિસેમ્‍બરથી એપ્રિલ સુધી કટારીયા બંધ રહેશે.

સિટી ઇજનેર મહેતાએ જણાવ્‍યું હતું કે કાલાવડ રોડ અને ન્‍યૂ રિંગ રોડ ઉપર રૂ.૧૬૭ કરોડના ખર્ચે કેબલ સ્‍ટેડ આઇકોનિક ફ્‌લાય ઓવર બ્રિજ અને અન્‍ડર પાસનું નિર્માણ કાર્ય કટારીયા ચોક સુધી પહોંચતા ગ્‍વાલિયાથી કોસ્‍મોપ્‍લેક્‍સ સુધીનો કાલાવડ રોડ ગત રાત્રીથી બન્ને બાજુથી બંધ કરવામાં આવ્‍યો છે. આ રસ્‍તો હવે પાંચ મહિના સુધી બંધ રહેશે. ડાયવર્ઝન રૂટ અગાઉથી જ એક્‍ટિવ હોય વાહન વ્‍યવહારને તકલીફ પડશે નહીં.

    શહેરના મોટા ભાગના પાર્ટી પ્‍લોટ કાલાવડ રોડ તેમજ ન્‍યૂ રિંગ રોડ ઉપર આવેલા હોય હાલ ધૂમ લગ્નગાળા વચ્‍ચે ગતરાત્રે કટારીયા ચોક બંધ કરતા ન્‍યૂ રાજકોટ વિસ્‍તારમાં આયોજિત લગ્ન પ્રસંગોમાં હાજરી આપવા ગયેલા લોકો પ્રસંગમાં ગયા ત્‍યારે કાલાવડ રોડ ઉપર કટારીયા ચોકમાંથી પસાર થઇ શકાતું હતું પરંતુ જ્‍યારે રાત્રે ૧૧ કલાકે ઘર તરફ પરત ફર્યા ત્‍યારે એકાએક આ રસ્‍તો બંધ કરી દેવામાં આવ્‍યો હતો જેથી દેકારો બોલ્‍યો હતો, આવા કારણોસર બેરિકેડિંગ કરી રહેલા કોન્‍ટ્રાકટર એજન્‍સીના સ્‍ટાફ સાથે પણ કારચાલકોને બોલાચાલી થયાનું જાણવા મળે છે.

 

મનપા તંત્ર ૧ર કલાક બાદ સફાળુ જાગ્‍યું : કટારીયા ચોકડીએ ટ્રાફિક ડાઇવર્ઝન રૂટની  હવે કરી જાહેરાત

રાજકોટઃ શહેરમાં કટારીયા ચોકડી વિસ્‍તારમાં બ્રિજ બનાવવાના કામને પગલે અવરજવરના તમામ રસ્‍તાઓ ગત રાત્રીના એકાએક બંધ કરવામાં આવ્‍યા બાદ તંત્ર દ્વારા ૧ર કલાક બાદ  એટલે કે આજે બપોરે મનપા તંત્ર દ્વારા ડાઇવર્ઝન રૂટની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

બ્રિજના બાંધકામના કામને કારણે કટારીયા ચોકડી ખાતે ગોંડલ રોડ થી જામનગર રોડ તરફ તથા જામનગર રોડ થી ગોંડલ રોડ તરફ જતો રીંગ રોડ તેમજ કાલાવડ તરફ થી રાજકોટ શહેર તરફ અને રાજકોટ શહેર તરફ થી કાલાવડ તરફ આવવા-જવાનો રસ્‍તો બંધ રાખવામાં આવ્‍યો છે.

ટ્રાફિકની સુગમતા જળવાઈ રહે તે માટે બંને દિશાના વાહનો માટે ડાઈવર્ઝન રૂટ શરૂ કરેલ છે, જે મુજબ વાહનોને વૈકલ્‍પિક માર્ગ દ્વારા પસાર થવાની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

રાજકોટ શહેર થી કાલાવડ તરફ આવવા-જવા માટે

-         કાલાવડ રોડ થી કોરાટવાડી મેઇન રોડ થી ધ વાઇબવાળા રસ્‍તા થી ૧૫૦ ફુટ રીંગ-ર થઇ પંડિત દિનદયાલ ઉપાધ્‍યાય આવાસ થી જીનીયશ સ્‍કુલવાળા રસ્‍તા થી કાલાવડ રોડ.

કાલાવડ થી રાજકોટ શહેર તરફ આવવા-જવા માટે

-         કાલાવડ રોડ થી કોસ્‍મોપ્‍લેક્ષ સિનેમા પહેલા સેરેનીટી ગાર્ડનવાળા રસ્‍તા થી કોમ્‍પ્‍લેક્ષ સિનેમા થઇ ૧૫૦ ફુટ રીંગ રોડ-   ર થઇ એલેકઝીર રોડ થી ગ્રીન ફિલ્‍ડ ગાર્ડનવાળા રસ્‍તા થી કાલાવડ રોડ તરફ.

૧૫૦ ફુટ રીંગ રોડ-ર, ગોંડલ ચોકડી થી

જામનગર રોડ તરફ આવવા-જવા માટે

એકવાકોરલ થી પંડિત દિનદયાલ ઉપાધ્‍યાય આવાસ થી જીનીયશ સ્‍કુલ થી કાલાવડ રોડ થી કોસ્‍મોપ્‍લેક્ષ સિનેમા         પહેલા સેરેનીટી ગાર્ડનવાળા રસ્‍તા થી કોનપ્‍લેક્ષ સિનેમા થઇ ૧૫૦ ફુટ રીંગ રોડ-ર.

૧૫૦ ફુટ રીંગ રોડ-ર, જામનગર રોડ થી

ગોંડલ રોડ તરફ આવવા-જવા માટે

૧૫૦ ફુટ રીંગ રોડ-ર થઇ એલેકઝીર રોડ થી ગ્રીન ફિલ્‍ડ ગાર્ડનવાળા રસ્‍તા થી કાલાવડ રોડ થી કોરાટવાડી મેઇન રોડ      - ધ વાઇબ રોડ - ૧૫૦ ફુટ રીંગ રોડ -ર.

૧૫૦ ફુટ રીંગ રોડ-ર, જામનગર રોડ થી

 ગોંડલ રોડ તરફ આવવા-જવા માટે

૧૫૦ ફુટ રીંગ રોડ-ર થઇ એલેકઝીર રોડ થી ગ્રીન ફિલ્‍ડ ગાર્ડનવાળા રસ્‍તા થી કાલાવડ રોડ થી કોરાટવાડી મેઇન રોડ      - ધ વાઇબ રોડ - ૧૫૦ ફુટ રીંગ રોડ -ર.

(3:48 PM IST)