તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 4th December 2025
તારે અહિ આવવું નહિ કહી દાસી જીવણપરામાં જયસુખભાઇ મુછડીયા પર ભટ્ટ પિતા-પુત્રનો છરી વડે હુમલોઃ ધમકી
૮૦ ફુેટ રોડ સત્યમ્ પાર્કના રિક્ષાચાલક માતાના ઘરે જતાં સામે રહેનારાઓએ ડખ્ખો કર્યો : વૃજભુમિ એપાર્ટમેન્ટમાં રહેતાં ભૂપત ભટ્ટ અને તેના દિકરા હાર્દિક ભટ્ટ તથા અજાણ્યા શખ્સ સામે માલવીયાનગર પોલીસે હુમલો, એટ્રોસીટી, ધમકીનો ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૪: શહેરના ૮૦ ફુટ રોડ પર સત્યમ્ પાર્કમાં રહેતાં રિક્ષાચાલક પ્રોૈઢ દાસી જીવણપરામાં રહેતાં માતાના ઘરે ગયા ત્યારે ત્યાં સામેના ફલેટમાં રહેતાં પિતા-પુત્ર સહિત ત્રણ જણાએ આ વિસ્તારમાં તારે આવવુ જ નહિ કહી ગાળો દઇ જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી છરીથી હુમલો કરી મારી નાખવાની ધમકી આપતાં અને પ્રોૈઢના વયોવૃધ્ધ માતા બચાવવા વચ્ચે આવતાં તેમને પણ ધક્કો મારી પછાડી દેતાં ફરિયાદ નોંધાવાઇ છે.
આ બનાવમાં માલવીયાનગર પોલીસે ૮૦ ફુટ રોડ પર હુન્ડાઇના શો રૂમ સામે સત્યમ્ પાર્ક-૧માં રહેતાં રિક્ષાચાલક જયસુખભાઇ રામજીભાઇ મુછડીયા (ઉ.વ.૪૯)ની ફરિયાદ પરથી ભૂપત ભટ્ટ, હાર્દિક ભટ્ટ અને અજાણ્યા સામે જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી ગાળો દઇ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવાનો ગુનો નોંધ્યો છે.
જયસુખભાઇ સત્યમ્ પાર્કમાં પરિવાર સાથે રહે છે. તેના માતા લક્ષ્મીબેન રામજીભાઇ મુછડીયા (ઉ.વ.૮૦) નાના મવા રોડ દાસી જીવણપરા-૫માં આવેલા વૃજભુમિ એપાર્ટમેન્ટની સામે મોમાઇ કૃપા નામના મકાનમાં રહે છે. જયસુખભાઇ ગત સાંજે માતાના ઘર પાસે હતાં ત્યારે માતાના પડોશમાં વૃજભૂમિ એપાર્ટમેન્ટમાં રહેતાં ભૂપત ભટ્ટ, તેના દિકરા હાર્દિક ભટ્ટ અને અજાણ્યાએ ઝઘડો કરી માર મારી છરીથી ઇજા પહોંચાડતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં માલવીયાનગર પોલીસે તેની ફરિયાદ નોંધી હતી.
જયસુખભાઇએ જણાવ્યું છે કે તે તેની માલિકીની રિક્ષા જીજે૦૩એયુ-૭૨૩૯ લઇને માતાના ઘરે બુધવારે સાંજે ગયા હતાં. રિક્ષા શેરીમાં પાર્ક કરી એ વખતે જ સામેના વ્રજભૂમિ એપાર્ટમેન્ટમાં રહેતા ભુપત ભટ્ટ અને તેનો દીકરો હાર્દિક ભટ્ટ તેમજ એક અજાણ્યો શખ્સ આવ્યા હતાં. આ ત્રણેયએ તેને આ વિસ્તારમાં ન આવવા માટે કહી ધમકાવવાનું શરૂ કર્યું હતું અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બોલાચાલી દરમિયાન જયસુખભાઇને જ્ઞાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો પણ કહ્યા હતાં. આ પછી ભુપત ભટ્ટે જયસુખભાઈનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હતો. દેકારો થતાં જયસુખભાઇના માતા લક્ષ્મીબેન વચ્ચે છોડાવવા આવતા આરોપીઓએ તેમને પણ ધક્કો મારી નીચે પાડી દીધા હતા.
ત્યારબાદ ભુપત ભટ્ટે તેના દીકરા હાર્દિક ભટ્ટ અને અજાણ્યા શખ્સને બોલાવી ‘આને મારી નાખો' તેમ કહેતા હાર્દિક ભટ્ટે પોતાની પાસે રહેલી છરી અજાણ્યા શખ્સને આપી હતી. બાદમાં અજાણ્યાએ જયસુખભાઈને પાછળના ભાગે જમણા ખભા ઉપર છરીનો ઘા માર્યો હતો. આથી લોહીલુહાણ થઇ ગયા હતાં. બાદમાં તે પોતાના માતાને તેમના ઘરે મુકી ભત્રીજાન મિલનને ફોન કરી બોલાવી હોસ્પિટલે પહોંચતા દાખલ કરાયા હતાં. પીએસઆઇ આર. આર. કોઠીયાએ તેમની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો હતો. જયસુખભાઇ માતાના ઘરે જતાં હોઇ તે વાત ભટ્ટ પિતા-પુત્રને ગમતી ન હોઇ ખાર રાખી હુમલો કરાયાનું જણાવાયું છે.
(3:15 PM IST)










