તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 4th December 2025
એસ.ટી.મુસાફર હિતરક્ષક સમિતિની ફરિયાદઃ દ્વારકા ડેપોમાં ફરિયાદ બુક ન આપનાર ટ્રાફિક કંટ્રોલરને રૂ.૨૦૦નો દંડ

રાજકોટઃ ગુજરાત એસ.ટી. મુસાફર હિતરક્ષક સમિતિ (રજિ.)ના ગુજરાત પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, પટેલ નાગજીભાઈ વિરાણી, ગોંડલના પ્રતિનિધિ પ્રદિપસિંહ જાડેજા અને મોરબીના પ્રતિનિધિ પી. પી. જોશી દ્વારા એક સંયુક્ત યાદીમાં એસ.ટી. નિગમની મુસાફરોને અપાતી સુવિધાઓ અંગે ગંભીર મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે.
તાજેતરમાં, સમિતિના પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલાની જામનગર ડિવિઝન હેઠળના દ્વારકા એસ.ટી. બસ સ્ટેશનની મુલાકાત દરમિયાન, મુસાફરોની અસુવિધા અંગે ફરિયાદ બુક માંગવામાં આવી હતી. ફરજ પરના ટ્રાફિક કંટ્રોલરે ફરિયાદ બુક 'કી અને લોક'માં હોવાનું જણાવી આપવાનો ઇનકાર કર્યો હતો.
સમિતિના પ્રતિનિધિએ ભારપૂર્વક જણાવ્યું કે જી.એસ.આર.ટી.સી.ના પરિશિષ્ટ 'અ' અને 'બ' મુજબ ફરિયાદ પોથી રાખવી ફરજિયાત છે અને તેને લોકમાં ન રાખી શકાય. આ બાબતે મુખ્યમંત્રી સહિત ઉચ્ચ સ્તરે રજૂઆત કરાતા, જામનગર વિભાગીય નિયામકે પગલાં લીધાં. ફરિયાદ બુક ન આપવા બદલ દ્વારકાના ટ્રાફિક કંટ્રોલરને પરિપત્ર ૨૦૪૨ મુજબ રૂ.૨૦૦/- (રૂપિયા બસો) દંડ ભરવાનો આદેશ (G-12 નંબર ૪૦૩૫૭, તારીખ ૨૭/૧૦/૨૦૨૫) કરવામાં આવ્યો હતો. ટ્રાફિક કંટ્રોલરને ભવિષ્યમાં મુસાફર માંગે તો ફરિયાદ બુક અવશ્ય આપવા માટે કડક આદેશ પણ કરાયો હતો અને પ્રતિનિધિને પડેલી તકલીફ બદલ દિલગીરી વ્યક્ત કરવામાં આવી હતી.
રાજકોટના ઢેબર રોડ પરના એસ.ટી. બસ પોર્ટ પરથી દરરોજ અંદાજે ૧૨૦૦થી વધુ બસોની આવક-જાવક અને ૬૦,૦૦૦થી વધુ મુસાફરોની અવર-જવર રહે છે. ત્યારે કોઈને પણ ફરિયાદ બુક ન આપવી અને માત્ર 'ઓનલાઈન ફરિયાદ' કરવાનો હઠાગ્રહ રાખવામાં આવતો હોવાનું પણ આ યાદીમાં જણાવાયું છે.
સમિતિની રજૂઆતોના પગલે, રાજકોટના વિભાગીય નિયામકે તારીખ ૧૦/૦૮/૨૦૨૩ અને તારીખ ૧૧/૦૯/૨૦૨૫ના રોજ એમ બે વાર લેખિત આદેશ કર્યો હોવા છતાં, આ આદેશનો અવારનવાર અનાદર કરવામાં આવે છે તેમ સમિતિએ જણાવ્યું છે.
ગુજરાત એસ.ટી. મુસાફર હિતરક્ષક સમિતિએ રાજ્યભરના તમામ ડેપો મેનેજરોને ચેતવણી આપતાં જણાવ્યું છે કે તેમની લાલિયાવાડી કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. (મુસાફર હિતરક્ષક સમિતિ હેલ્પલાઇન નંબર ૯૪૨૬૨૨૯૩૯૬.)
(4:02 PM IST)










