તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 4th December 2025
રાજકોટમાં દસ્તાવેજ નોંધણી કામગીરી સરળ બનાવવા સરકારમાં મહત્વનો નિર્ણયઃ ૬ નવા સબ રજીસ્ટ્રાર ફાળવ્યા
રાજયભરમાં ૯પ અધીકારીઓની અલગ-અલગ જીલ્લામાં ફાળવણી

રાજકોટ તા. ૪: રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા દસ્તાવેજ નોંધણી અને અન્ય મહેસૂલી કામગીરીને વેગવંતી બનાવવા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં સબ-રજીસ્ટ્રારની મોટાપાયે ફાળવણી કરવામાં આવી છે. આ નિર્ણય અંતર્ગત રાજ્યના જુદા જુદા ૯૫ જેટલા જિલ્લા અને વિસ્તારોમાં નવા અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે.
રાજકોટને મળ્યા નવા અધિકારીઓ આ ફાળવણીનો સીધો લાભ રાજકોટને પણ મળ્યો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રાજકોટ શહેરમાં હાલ કુલ ૮ (આઠ) સબ-રજીસ્ટ્રાર કચેરીઓ કાર્યરત છે. સરકારના આ નવા આદેશ અન્વયે રાજકોટને ૬ (છ) જેટલા નવા સબ-રજીસ્ટ્રાર ફાળવવામાં આવ્યા છે.
અત્યાર સુધી અધિકારીઓની ઘટ અથવા કામના ભારણને કારણે દસ્તાવેજ નોંધણીમાં કયારેક વિલંબ થતો હતો. પરંતુ હવે નવા ૬ અધિકારીઓ ઉમેરાતા, એક કચેરી દીઠ બે સબ-રજીસ્ટ્રાર ઉપલબ્ધ રહે તેવી વ્યવસ્થા ગોઠવાઈ રહી છે. જેના કારણે અરજદારોનો સમય બચશે અને કામગીરી ઝડપી બનશે.મળતી વિગતો મુજબ, નવનિયુક્ત સબ-રજીસ્ટ્રારો શનિવાર સુધીમાં પોત-પોતાની કચેરીમાં હાજર થઈ ચાર્જ સંભાળી લેશે.
(4:18 PM IST)










