તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 4th December 2025
કણકોટમાં ફળઝાડ માટે અપાયેલ ૧૦ કરોડની જમીન ખાલસા કરતા મહેક જૈન
શ્રી સોસાયટી ફોર નેચર એન્ડ એન્વાયરમેન્ટ પ્રોટેકશન સ્ટડી સંસ્થા સહિત ૪ સંસ્થાને જમીન ૧૯૯૪-૯૬ કલેકટરે આપેલ પરંતુ ભાડા પટ્ટો રિન્યુ નકસો અને કોઇ વાવેતર પણ ન હતું તાલૂકા મામલતદારને તાત્કાલીક જમીનનો કબજો લેવા આદેશો કલેકટરને પણ રીપોર્ટ કરાયો

રાજકોટ, તા. ૪: રાજકોટ સીટી પ્રાંત-ર, આસિ. કલેકટર (ISA) શ્રી મહેક જૈને એક ચુકાદામાં ૧૦ કરોડની જમીન ખાલસા કરી જમીનનો કબ્જો લેવા આદેશો કર્યા હતા.
રાજકોટ તાલુકાનાં કણકોટ ગામે ફળઝાડ માટે ભાડાપટ્ટે અપાયેલ કુલ હે. ૫-૦૫-૮૪ ચો.મી. (એ.૧૨-૨૦ ગું.) જમીન સરકાર દાખલ કરાયાનું અધિકારી સૂત્રોએ ઉમેર્યુ હતું.
રાજકોટ જિલ્લાનાં રાજકોટ તાલુકાનાં કણકોટ ગામે પ્રમુખશ્રી, સોસાયટી ફોર નેચર એન્ડ એન્વાયરમેન્ટ પ્રોટેક્શન સ્ટડી સંસ્થાને સ.નં. ૩૪૨ પૈકી ૧ ની હે.૧-૦૧-૧૬ ચો.મી. જમીન કલેકટર રાજકોટનાં તા. ૨૧/૦૪/૧૯૯૪ નાં હુકમથી તેમજ શ્રી મહર્ષિ આયુર્વેદ સંસ્થાને સ.નં. ૩૪૨ પૈકી ૨૨ ની હે. ૨-૦૨-૩૪ ચો.મી. જમીન કલેકટરના તા. ૦૨/૦૩/૧૯૯૬ નાં હુકમથી તેમજ શ્રી નરસિંહ મહેતા પર્યાવરણ ફાઉન્ડેશનને સ.નં. ૩૪૨ પૈકી ૧૯ ની હે. ૧-૦૧-૧૭ ચો.મી. જમીન કલેકટરનાં તા. ૧૩/૦૪/૧૯૯૪ નાં હુકમથી તથા સ.નં. ૩૪૨ પૈકી ૨૦ ની હે. ૧-૦૧-૧૭ ચો.મી. જમીન કલેકટરનાં તા. ૨૨/૧૧/૧૯૯૪ નાં હુકમથી ફળઝાડ માટે નવી અને અવિભાજ્ય અને નિયંત્રીત શરતોને આધીન ભાડાપટ્ટે ફાળવવામાં આવેલ.
તમામ પટ્ટાની મુદ્દત પુરી થઇ ગયાં બાદ ભાડાપટ્ટો રીન્યુ કરવામાં આવેલ ન હોય તેમજ હુકમની શરતો મુજબ વળક્ષોનું વાવેતર કરવામાં આવેલ ન હોવાનું ધ્યાને આવતાં શરતભંગ અંગે કેસ ચલાવવામાં આવેલ. પક્ષકારોને રજૂઆત માટે પુરતી તક આપવામાં આવેલ. અંતે તમામ કિસ્સાઓમાં મુળ હુકમની શરતોનો ભંગ થતો હોવાનું સ્પષ્ટ થતાં આસીસ્ટન્ટ કલેકટરશ્રી, મહેક જૈન દ્વારા આ તમામ જમીન સરકાર હસ્તક લેવા અંગેનો હુકમ ફરમાવવામાં આવ્યો. આ જમીનની અંદાજિત બજારકિંમત રૂ. ૧૦ કરોડ જેટલી થવાપાત્ર છે, તેમ સુત્રોએ ઉમેર્યુ હતું.
કેસનો ચુકાદો આપી તાલુકા મામલતદારને જમીનનો ત્વરીત કબજો લેવા આદેશો કરાયા છે, કેસ અંગે કલેકટરને પણ રીપોર્ટ કરી દેવાયો છે.(
(4:28 PM IST)










