તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 4th December 2025
રાજકોટ જીલ્લા કાનુની સતામંડળ દ્વારા ૧૩ ડીસેમ્બરે લોક- અદાલતનું આયોજન

રાજકોટઃ તા.૪, રાજકોટ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા આગામી તા.૧૩ મી ડિસેમ્બરના રોજ રાજકોટ શહેર અને તાલુકા મથકો ખાતેની તમામ કોર્ટમાં વર્ષ ૨૦૨૫ ની આખરી મેગા લોક-અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંગે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી જે.વી. જોટાણીયાએ પત્રકારો સમક્ષ લોક અદાલત અંતર્ગત માહિતી રજૂ કરી હતી. જેમાં સમાધાન લાયક પ્રિલીગેશન કેસો મૂકવામાં આવશે અને વધુમાં વધુ કેસોનો સમાધાનથી નિકાલ થાય અને બંને પક્ષો ને ન્યાય મળે તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવશે. વધુ વિગત મુજબ ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદ ના ઉપક્રમે રાજકોટ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા તા.૧૩/૧૨/૨૦૨૫ ના રોજ રાજકોટ જીલ્લા અને તાલુકા મથકે આવેલી તમામ અદાલતોમાં વર્ષ- ૨૦૨૫ની આખરી રાષ્ટ્રીય મેગા લોક-અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોક-અદાલતમાં દાખલ થયેલ તથા અદાલતમાં કેસ દાખલ થાય તે પહેલાં (પ્રીલીટીગેશન) કેસો હાથ પર લેવામાં આવનાર છે. લોક-અદાલતમાં ફોજદારી સમાધાન લાયક, ચેક રીટર્ન, બેન્ક લેણા, મોટર અકસ્માત વળતરના, લગ્નવિષયક, મજુર અદાલતના, જમીન સંપાદન, ઈલેકટ્રીસીટી તથા પાણીના બીલોના, રેવન્યુ, દિવાની પ્રકારના અન્ય સમાધાન લાયક કેસો હાથ પર લેવામાં આવનાર છે. તેમજ, સીસીટીવી કંટ્રોલરૂમ દ્વારા ટાફીક નિયમનો ભંગ કરતા વાહન ચાલકોને આપવામાં આવતા ઈ-ચલણના નાણા ઓનલાઈન તથા ઓફલાઈન માધ્યમથી લોક અદાલતમા ભરી શકાશે. લોક અદાલતનો લાભ લઈ બાકી ઈ-ચલણના નાણાની ચુકવણી કરી દેવાથી ભવીષ્યમા તે અંગે કોઈ કોર્ટ કાર્યવાહી થશે નહી. જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ, રાજકોટના ચેરમેન તથા મુખ્ય જીલ્લા ન્યાયાધીશ જે. આર. શાહ દ્વારા તમામ પક્ષકારોને અનુરોધ કરવામાં આવેલ છે કે, લોક-અદાલતમાં તેઓના કેસ મુકી નિર્ણિત કરવામાં આવે તો બન્ને પક્ષકારોને લાભ કર્તા છે. બન્ને પક્ષકારો વચ્ચે સમાધાનથી કેસનો નિકાલ થાય છે તથા કોઈનો વિજય નહી તેમજ કોઈ નો પરાજય નહી તેવી પરીસ્થિતી ઉદભવે છે અને તે કારણસર પક્ષકારો વિવાદ મુક્ત બને છે તથા વૈમનસ્યથી મુક્ત થવાય છે તેમજ પક્ષકારોની સમજણ તથા સમજુતીથી કેસનો નિકાલ થયેલ હોય અપીલ થતી નથી જેથી ભવિષ્યના વિવાદથી પણ પક્ષકારોને છુટકારો મળે છે. જેથી આગામી તા.૧૩/૧૨/૨૦૨૫ ના રોજ યોજાનાર લોક-અદાલતમાં તમામ પક્ષકારોને સક્રીય ભાગ લેવા તથા જે પક્ષકારો પોતાનો કેસ આગામી લોક-અદાલતમાં મુકવા માંગતા હોય તેઓ તેઓના વકીલ મારફતે અથવા તો સીધા જે તે કોર્ટનો સંપર્ક કરી અથવા જીલ્લા કાનૂની સેવા સતા મંડળ રાજકોટ તથા તાલુકા કાનૂની સેવા સમીતીનો સંપર્ક કરી પોતાના કેસો લોક-અદાલતમાં મુકવા કાર્યવાહી હાથ ધરી શકે છે. જેથી લોક-અદાલતનો મહત્તમ લાભ લઈ વધુને વધુ કેસો લોક-અદાલતમાં મુકાવી લોક-અદાલતને સફળ બનાવવા અનુરોધ કર્યો છે.(
(4:34 PM IST)










