તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 4th December 2025
ભારતીય ખેલ હોકીની ગૌરવશાળી પરંપરાને પોલીસ જવાનોની ખેલ પ્રતિભા આગળ ધપાવી રહી છેઃ ડીજીપી વિકાસ સહાય
રાજકોટમાં ૭૪મી ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશિપનો શુભારંભઃ ૩૦૦થી વધુ ખેલાડીઓ વચ્ચે ૫૬ જેટલા મેચ રમાશે પોલીસ બેન્ડની સુરાવલી, સાંસ્કળતિક કાર્યક્રમ, માર્ચ પાસ્ટ સાથે ભવ્ય ઉદ્દઘાટન સમારોહઃ રાજકોટના હોકી ગ્રાઉન્ડ ખાતે ૨૪ પુરૂષ ટીમો અને ૮ મહિલા ટીમો વચ્ચે ૧૪મી સુધી મેચઃ ડીજીપી રાજુ ભાર્ગવ, પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, રેન્જ આઇજી અશોકકુમાર યાદવ, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવા, ડીસીપી હેતલ પટેલ સહિતની ઉપસ્થિતિઃ અર્જુન એવોર્ડ વિજેતા ઉત્તર પ્રદેશના હોકી ખેલાડી લલિતકુમાર ઉપાધ્યાયનું વિશેષ સન્માન કરાયું

રાજકોટ ખાતે આજથી ૭૪મી ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશિપનો શુભારંભ થયો છે. આ હોકી ટુર્નામેન્ટમાં ૧૪મી સુધી ૫૬ મેચો રમાશે. આજે આ કાર્યક્રમનું પોલીસ હેડક્વાર્ટર ખાતે રંગારંગ ઉદ્દઘાટથ રાજ્યના પોલીસ વડાશ્રી વિકાસ સહાય, ડીજીપીશ્રી રાજુ ભાર્ગવ, પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, રેન્જ આઇજીશ્રી અશોકકુમાર યાદવ સહિતના અધિકારીઓની સહિતની ઉપસ્થિતિમાં થયું હતું. જેની ઝલક તસ્વીરોમાં નિહાળી શકાય છે (તસ્વીરઃ સંદિપ બગથરીયા)
રાજકોટ તા. ૪: ગુજરાત માટે ગૌરવ સમાન ૭૪મી ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશીપ-૨૦૨૫-૨૬નો પોલીસ મહાનિર્દેશકશ્રી વિકાસ સહાયની અધ્યક્ષતામાં રાજકોટ ખાતે રંગારંગ શુભારંભ થયો હતો. રેસકોર્સ સ્થિત પોલિસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વિભિન્ન પ્રાંતમાંથી આવેલા પોલીસ જવાનો અને સુરક્ષા દળોના ખેલાડીઓની માર્ચ પાસ્ટ, પોલીસ બેન્ડની સુરાવલી, અને ભવ્ય સાંસ્કળતિક કાર્યક્રમો વચ્ચે આજથી તા. ૧૪ ડિસેમ્બર સુધી ૫૬ જેટલા મેચની યજમાની રાજકોટ ખાતે કરવામાં આવી છે.
આ તકે ડીજીપીશ્રી વિકાસ સહાયે તેમના ઉદબોધનમાં ભારતીય ખેલ હોકીની ગૌરવશાળી પરંપરાના ધરોહર શ્રી મેજર ધ્યાનચંદને યાદ કરી જણાવ્યું હતું કે, સુરક્ષા દળોના જવાનો, પોલીસ કર્મીઓની કોર વેલ્યુઝ એવી સંકલન, ટીમ ભાવના, એકતા અને અનુસાશન તથા ગોલ કેન્દ્રિત ડેડિકેશનના ગુણો રમતમાં પણ તેમનું કૌશલ્ય ઉજાગર કરવામાં મદદરૂપ બને છે. પોલીસ જવાનો રમત-ગમત અને ખાસ કરીને હોકીમાં રાષ્ટ્રની ગૌરવની પરંપરાને આગળ ધપાવી રહ્યા હોવાનું તેમણે ગૌરવપુર્વક જણાવ્યું હતું.
કેન્દ્રીય ગળહ વિભાગ હસ્તકના ઓલ ઇન્ડિયા પોલીસ કંટ્રોલ બોર્ડ રાષ્ટ્રીય તેમજ રાજ્ય કક્ષાની રમતના આયોજન થકી જવાનોની ખેલ પ્રતિભાને બહાર લાવવાનું કાર્ય કરે છે, ત્યારે બોર્ડ દ્વારા ગુજરાત રાજ્યમાં રાષ્ટ્રીય પોલીસ હોકી ચેમ્પિયનશિપ આપવા બદલ તેમનો આભાર માન્યો હતો. સાથોસાથ ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ શ્રેષ્ઠ રીતે રમતગમતના આયોજન થકી આ લીગને પણ સફળતાપૂર્વક આગળ ધપાવશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
રાજકોટ ખાતે આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ હોકી સપર્ધામાં ભાગ લઈ રહ્યા છે, ત્યારે રાજકોટની પ્રજાને ખેલ પ્રતિભાને રમતી નિહાળવાનો અવસર પ્રાપ્ત થશે તેમ વિશેષમાં શ્રી વિકાસ સહાયે જણાવી રાજકોટ પોલીસને સુંદર આયોજન બદલ અભિનંદન પાઠવ્યાં હતાં. આ તકે ડીજીપીશ્રી રાજુ ભાર્ગવે સ્વાગત પ્રવચનમાં રાષ્ટ્ર સેવામાં હંમેશા તત્પર સુરક્ષા જવાનો ટીમ વર્ક, રણનીતિ, ગતિ, એકતા અને સન્માનની ભાવનાના ગુણ સાથે ખેલ પ્રતિભામાં પણ હંમેશા દેશનું નામ રોશન કરી રહ્યા છે, ત્યારે તમામ ખેલાડીઓ હાર જીતથી ઉપર ઉઠી ખેલ ભાવના સાથે શ્રેષ્ઠ પ્રદર્શન કરવા અપીલ કરી હતી.
રાજકોટના યજમાન પદે આજથી શરૂ થતી લીગમાં આધુનિક સુવિધાઓ સાથેના આંતરરાષ્ટ્રીય સ્તરનું મેદાન ધરાવતા મેજર ધ્યાનચંદ હોકી સ્ટેડિયમ, રેસકોર્સ તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સ્થિત હોકી ગ્રાઉન્ડ ખાતે ૩૦૦થી વધુ ખેલાડીઓ વચ્ચે ૫૬ જેટલી હોકી સ્પર્ધાઓ યોજાશે.
ગુજરાત પોલીસ દ્વારા આયોજિત ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશિપમાં ભારતભરના વિવિધ રાજ્ય પોલીસ દળો, કેન્દ્ર સરકારની અર્ધલશ્કરી દળો અને અન્ય સુરક્ષા એજન્સીઓની કુલ ૩૨ ટીમો ભાગ લેશે, જેમાં ૨૪ પુરૂષ ટીમો અને ૦૮ મહિલા ટીમો સમાવેશ થાય છે. ભારતની સુરક્ષા વ્યવસ્થામાં મહત્વનું યોગદાન આપતા દળોના ખેલાડીઓ માટે આ ટૂર્નામેન્ટમાં પ્રતિભા રજૂ કરવાનું એક મહત્વનું મંચ સાબિત થશે.
કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય ખેલાડી અને અર્જુન એવોર્ડ વિજેતા ઉત્તરપ્રદેશના હોકી ખેલાડી શ્રી લલિતકુમાર ઉપાધ્યાયનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ખેલાડીઓએ ખેલ અંગે શપથ લેવામાં આવ્યા હતાં. કાર્યક્રમના અંતે અધિક પોલીસ કમિશનરશ્રી મહેન્દ્ર બગડિયાએ ભારત દેશના વિવિધ પ્રાંતમાંથી આવેલા ખેલાડીઓ, કોચ તેમજ ઉપસ્થિત સૌ મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો.
શુભારંભ પ્રસંગે ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ અને પુર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, એડિશનલ ડીજીપીશ્રી પી. કે રોશન, પોલીસ કમિશનરશ્રી બ્રજેશકુમાર ઝા, કલેક્ટરશ્રી ડો. ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદ, રીજીનલ મ્યુનિસિપલ કમિશનર શ્રી મહેશ જાની, રેન્જ આઇ.જી અશોકકુમાર યાદવ, ડીસીપી ક્રાઇમ શ્રી જગદીશ બાંગરવા, ડીસીપી ઝોન-૧ હેતલ પટેલ સહિત રાજકોટ પોલીસ વિભાગના અધિકારીશ્રીઓ સહિત વિભિન્ન પ્રાતમાંથી આવેલા કોચ, પોલીસ જવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
(4:32 PM IST)










