તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 5th December 2025
બાબરીયા કોલોનીમાં સિકયુરીટી ગાર્ડ ઘરનો સામાન ફેરવતા હતાં ત્યારે ૨.૨૯ લાખની ચોરી
બાચકામાંથી કોઇ દાગીના-રોકડ ચોરી ગયું, ખાલી થેલી રોડ પરથી મળીઃ ભકિતનગર પોલીસે સરમનભાઇ ઓડેદરાની ફરિયાદ નોંધી

રાજકોટ તા. ૫: તસ્કરોએ પોલીસને પડકાર ફેંકવાનું ચાલુ રાખ્યું છે. કુવાડવાના તરઘડીયામાં ધોળે દિવસે ખેડુતના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો રૂપિયા પોણા સાત લાખની માલમત્તા ચોરી ગયાની ઘટના તાજી જ છે ત્યાં શહેરની બાબરીયા કોલોનીમાં રહેતાં સિકયુરીટી ગાર્ડના ઘરમાં ચોર ત્રાટકી રૂપિયા ૨ લાખ ૨૯ હજારની માલમત્તા ચોરી ગયા છે.
આ બનાવમાં ભકિતનગર પોલીસે બાબરીયા કોલોની કવાર્ટર બ્લોક નં. ૨ કવાર્ટર નં. ૬માં રહેતાં સરમનભાઇ રઘુભાઇ ઓડેદરા (ઉ.વ.૫૨)ની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો છે. સરમનભાઇએ જણાવ્યું છે કે હું અહિ બે વર્ષથી રહુ છું અને સિકયુરીટી ગાર્ડ તરીકે નોકરી કરુ છું. મારે સંતાનમાં ત્રણ દિકરી છે, જેમાં એક સાસરે છે અને બીજી બે મારી સાથે રહે છે. તા. ૩/૧૨ના વહેલી સવારે મારે મકાન ખાલી કરી બીજે રહેવા જવાનું હોઇ સવારે છ સાડા છ આસપાસ સામાન ખાલી કરી હું અને મારા પત્નિ તથા દિકરીઓ સામાન નીચે ઉતારી રહ્યા હતાં.
આ વખતે નજીકમાં ભાવેશ ધોબી નામનો માણસ રહેતો હોઇ તેને અમને સામાન ખાલી કરાવ મદદરૂપ થવા બોલાવ્યો હતો. અમે બધા સામાનને પ્લાસ્ટીકના બાચકામાં ભરતાં હતાં. અમે તા. ૨ના રોજ બાચકા તૈયાર કરી નીચે બ્લોકમાં રાખ્યા હતાં. બાદમાં ત્યાંથી ખસેડી સામે રોડ પર જાહેરમાં રાખ્યા હતાં. જેમાં એક બાચકામાં બીજા સામાન સાથે સોનાના દાગીના અને રોકડ પણ થેલીમાં ભરીને મુકયા હતાં. આ થેલી ઉપર આલાપ જ્વેલર્સ લખેલુ હતું.
જેમાં સોનાનો ચેઇન રૂ. ૧,૧૩,૯૩૩નો અને સોનાની બુટી રૂ. ૪૫ં૬૪૫ તથા રોકડા રૂ. ૭૦ હજાર હતાં. બાદ ઘરનો તમામ સામાન ઉતારી હું નજીકમાં ટેમ્પોવાળા ભાઇ કાનાભાઇન બોલાવવા ગયો હતો. ટેમ્પો આવતાં અમે સામાન ભરી દીધો હતો.
તમામ સામાન ટેમ્પામા શિફટ થઈ ગયા બાદ ત્યા નજીકમા બાબરીયા મે.રોડ પર આવેલ મકાન ભાડે રાખેલ ત્યા ગયેલ અને તે સામાન તે મકાને દસ વાગ્યે ઉતારી થોડીવાર થાક ખાઈ ફરીથી તે સામાન તે નવા ઘરમા ગોઠવવા લાગેલ તમામ સામાન ગોઠવાઈ ગયા બાદ માલુમ પડેલ કે, સોનાના દાગીના તથા રોકડ રકમ વાળી થેલી તો નીકળી નહી, જેથી ફરીથી જુના ઘરે ચેક કરવા જતા ત્યા કોઈ સામાન કે થેલી હતી નહી અને બારીમાંથી જોતા ત્યા આલાપ જવેલર્સ વાળી થેલી રોડ પર પડેલ હતી. ત્યા જઈ ચેક કરતા તે માત્ર ખાલી થેલી હતી. તેમા દાગીના કે રોકડ રકમ હતી નહી, જેથી કોઈ અજાણ્યો શખ્સ સોનાના દાગીના તથા રોકડ મળી રૂ.૨.૨૯ લાખના મુદામાલની ચોરી કરી નાશી છૂટતાં ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી ભકિતનગર પોલીસ સ્ટેશનના પીઆઇ એમ. એમ. સરવૈયાની રાહબરીમાં પીએસઆઇ એસ. પી. ચોૈહાણે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(1:00 PM IST)










