તા. ૨૧ ફેબ્રુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ મહાવદ – ૮ શુક્રવાર
News of Friday, 5th December 2025
રાજકોટમાં યોજાયેલ નેશનલ લીગલ સેમિનારના આયોજનમાં લાખોની રકમનો ભ્રષ્ટાચાર થયાની બાર કાઉન્સીલમાં ફરિયાદ
ફરિયાદમાં બાર કાઉન્સીલના દિલીપભાઇ પટેલ અને બાર એસો.ના કેટલાક વર્તમાન હોદેદારો ઉપર પણ આક્ષેપ કરાયોઃ એડવોકેટ જીજ્ઞેશ જોષી દ્વારા બેંક ડીટેઇલ સાથે સેમિનાર માટે કુલ ૪૯ લાખ ૪૦ હજાર ઉઘરાવવાનો આક્ષેપઃ જનરલ બોર્ડની મંજુરી વગર નવુ બેંક એકાઉન્ટ ખોલી તેમાં રકમ જમા કરાવાઇ બાર એસો.ની ચૂંટણી યોજાઇ રહી છે ત્યારે વકીલ જીજ્ઞેશ જોષીની ખળભળાટ મચાવતી ફરિયાદ

રાજકોટ, તા. પઃ રાજકોટ બાર એસોસિએશનની આગામી તારીખ ૧૯ મી એ ચૂંટણી યોજાનાર છે જેમાં આર બી એ પેનલના ઉમેદવારોએ આજે ઉમેદવારી નોંધાવી છે. ત્યારે આરબીએ પેનલના કેટલાક વર્તમાન હોદ્દેદારો અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પૂર્વ ચેરમેન તેમજ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના કો-ચેરમેન દિલીપભાઈ પટેલ સામે તાજેતરમાં યોજાયેલા નેશનલ લીગલ સેમિનારના આયોજનમાં લાખો રૂપિયા ઉઘરાવી ખર્ચની રકમ કરતાં અનેક ગણી રકમનો ભ્રષ્ટાચાર કર્યા નો સનસનીખેજ આક્ષેપો કરતી ફરિયાદ રાજકોટના એડવોકેટ જીગ્નેશભાઈ જોશી દ્વારા ગુજરાત બાર ઓફ કાઉન્સિલ અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન અને વાઇસ ચેરમેનને ફરિયાદ કરતા વકીલ વર્તુળોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
આગામી બાર એસો.ની ચૂંટણીમાં આજે આરબીએ પેનલના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે ત્યારે એડવોકેટ જીગ્નેશ જોશી દ્વારા કરવામાં આવેલા આક્ષેપો એ વકીલ વર્તુળોમાં ચકચાર મચાવી દીધી છે. એડવોકેટ જીગ્નેશ જોશી દ્વારા થયેલી ફરિયાદમાં એવો આક્ષેપ કરેલ છે કે રાજકોટ બાર એસોસિએશન નું વર્ષોથી રાજકોટ નાગરિક બેંકમાં એકાઉન્ટ ચાલી રહ્યું છે ત્યારે તાજેતરમાં રાજકોટ ખાતે બાર એસોસિએશન દ્વારા યોજાયેલા નેશનલ લીગલ સેમિનારના ખર્ચની રકમ મેળવવા માટે કેનેરા બેન્કમાં એકાઉન્ટ ખોલતા પહેલા વર્તમાન બાર એસોસિયેશનની બોડી દ્વારા જનરલ બોર્ડની બેઠક બોલાવી મંજૂરી લેવી જોઈએ પરંતુ આવી કોઈ મંજૂરી લીધા વગર રાજકોટ બાર એસોસિએશન ના નામે એકાઉન્ટ ખોલીને તેમાં જુદી જુદી કોલેજો માંથી રૂપિયા ૧૧.૪૦ લાખ રકમ મેળવી ખાતામાં જમા કરાવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા નવા વકીલો માટેની પરીક્ષા યોજાયેલ જેમાં જીગ્નેશ જોશી પરીક્ષામાં વિદ્યાર્થીઓને ચોરી કરાવ્યા ના આક્ષેપ કરવામાં આવેલા જે બાબતે બાર કાઉન્સિલના ઓફ ગુજરાતના પૂર્વ ચેરમેન દિલીપભાઈ પટેલ દ્વારા જીગ્નેશભાઈ જોશીની સનદ સસ્પેન્ડ કરાવવા કાર્યવાહી કરાઈ હતી અને આ બંને વચ્ચે આ બનાવ અંગે મોટા પાયે મતભેદો સર્જાયા હતા રાજકોટમાં યોજાયેલા નેશનલ લીગલ સેમીનાર માટે રાજકોટ સહિત સૌરાષ્ટ્રની આશરે ૧૪ જેટલી કોલેજો અને ટ્રસ્ટો પાસેથી અંદાજે રૂપિયા ૧૧.૪૦ લાખ, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા પાસેથી સેમીનારના ખર્ચ માટે ૨૦ લાખ રૂપિયાનું ફંડ આવેલુ હતું.
આ ઉપરાંત સેમિનારમાં ભાગ લેનાર દરેક વકીલ પાસેથી રૂ. ૪૦૦ રજીસ્ટ્રેશન ફી લેવામાં આવી હતી. ૨૫૦૦ વકીલો પાસેથી લેવામાં આવેલ રકમ કુલ રૂ.૧૦,૦૦,૦૦૦ થાય છે. આ રકમમાંથી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના મેમ્બર દિલીપભાઈ દ્વારા રજીસ્ટ્રેશન કરાવનાર દરેક વકીલોને કીટ સાથે પુસ્તકો આપવામાં આવેલા જેમાં બાર કાઉન્સિલના દિલીપભાઈએ પોતાના નામ અને હોદાવાળા થેલાઓ અને પુસ્તકો છપાવી ૨૫૦૦ રજીસ્ટ્રેશન કરનાર વકીલોને અપાયા હતા જે કૃત્ય સંપૂર્ણપણે ગેરકાયદે અને એડવોકેટ રૂલ્સની જોગવાઈ વિરુદ્ધ છે. જીગ્નેશભાઈ જોશી દ્વારા જે ફરિયાદ કરવામાં આવી છે તે મુજબ ૨૫૦૦ વકીલો પાસેથી રજીસ્ટ્રેશન ફીના બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ૨૦ લાખ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પાંચ લાખ અને ખાતામાં થયેલા વ્યવહાર અને રોકડ ફીની આવક ગણી જે કુલ રૂપિયા ૨૧.૪૦ લાખ થાય છે આ બધી રકમો ગણાતા કુલ ૪૯.૪૦ લાખનું ઉઘરાણું કરવામાં આવ્યા નો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવેલો છે.
આજે આર બી એ પેનલના હોદ્દેદારોએ ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી નોંધાવી છે ત્યારે એડવોકેટ જીગ્નેશભાઈ જોશી દ્વારા રાજકોટ બાર એસો.ના કેનેરા બેન્કમાં ખોલાયેલા એકાઉન્ટ નંબર અને કઈ કઈ કોલેજો અને ટ્રસ્ટો પાસેથી ઉપરોકત રકમ ઉઘરાવીને કેનેરા બેન્કના એકાઉન્ટમાં જમા કરાવી છે તેની બેન્ક ડીટેલ પ્રિન્ટ મીડિયા અને ઇલેકટ્રોનિક મીડિયામાં જાહેર કરતા રાજકોટ બાર એસોસિએશનની આગામી ચૂંટણી યોજાઇ તે પૂર્વે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ભરના વકીલોમાં ખળભળાટ મચાવી દીધો છે. આ અંગે પોલીસમાં પણ ભ્રષ્ટાચાર અંગેની ફરિયાદ કરવામાં આવશે તેમ એડવોકેટ જીગ્નેશભાઈ જોશી એ મીડિયા ને જણાવ્યું હતું.
(4:30 PM IST)










