તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 6th December 2025
કાલાવડના સાપરા પાસે કારે રિક્ષાને ઉલાળતાં રાજકોટના છ મહિલાને ઇજાઃ એક ગંભીર
કેટરર્સનું કામ પુરૂ કરી રાજકોટ આવતી વખતે બનાવ : લીલાબેન દયાતરને અમદાવાદ ખસેડાયાઃ ઘાયલ થયેલા તમામ ભગવતીપરા, બેડીપરાના વતની

રાજકોટ તા. ૬: કાલાવડનજીક સાપરા ગામ પાસે કારની ઠોકરે રિક્ષા ચડી જતાં રિક્ષામાં બેઠેલા રાજકોટના ભગવતીપરામાં રહેતાં કેટરર્સ કર્મચારી મહિલાઓ સહિત સાતને ઇજા થઇ હતી. કેટરર્સનું કામ પુરૂ કરી કાલાવડ તરફથી રાજકોટ આવતી વખતે આ બનાવ બન્યો હતો.
જાણવા મળ્યા મુજબ ભગવતીપરા નંદનવન-૪માં રહેતાં લીલાબેન કાળુભાઇ દયાતર (ઉ.વ.૫૮), ભગવતીપરા આવાસમાં રહેતાં જસુબેન વિજયભાઇ મક્કા (ઉ.વ.૩૭), બેડીપરાના સુમિતાબેન ગગજીભાઇ મક્કા (ઉ.વ.૩૮), ભગવતીપરા આવાસના લીલાબેન ભીખાભાઇ સરવૈયા (ઉ.વ.૪૦) અને જ્યોત્સનાબેન ભયલાભાઇ બાબરીયા (ઉ.વ.૪૦)ને રાતે ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. તબિબની પુછતાછમાં આ તમામને કાલાવડના સાપરા પાસે અકસ્માત નડયો હોવાનું જણાવાતાં પોલીસને જાણ કરાઇ હતી.
લીલાબેન સહિતના મહિલાઓ કેટરર્સનું કામ કરતાં હોઇ એક પ્રસંગમાં કામ પુરૂ કરી કાલાવડ તરફથી રાજકોટ આવવા રાજુભાઇની રિક્ષામાં બેઠા હતાં. આ બધા સાપરા નજીક પહોંચ્યા ત્યારે અજાણી કારના ચાલકે રિક્ષાને ઉલાળી દેતાં દેકારો મચી ગયો હતો. અકસ્માત સર્જી કારચાલક ભાગી ગયો હતો. ઘાયલ થયેલા તમામને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જેમાં લીલાબેનની હાલત વધુ ગંભીર હોઇ તેમને સારવાર માટે અમદાવાદ ખસેડાયા છે. લીલાબેનને સંતાનમાં એક દિકરી અને બે દિકરા છે. હોસ્પિટલ ચોકીના અમૃતભાઇ મકવાણા, યુવરાજસિંહ, ધર્મેન્દ્રભાઇ, રવિભાઇ, પ્રતાપભાઇએ કાલાવડ તાલુકા પોલીસને જાણ કરી હતી
(11:32 AM IST)










