News of Saturday, 6th December 2025
આત્મીય કોલેજના બી. ટેકના છાત્ર અવિનાશ મોલીયાનો પેપર નબળુ જતાં ફાંસો ખાઇ આપઘાત
આનંદ બંગલા પાસે સ્વાશ્રય સોસાયટીમાં બનાવઃ કારખાનેદાર પત્નિ સાથે સત્સંગ સભામાં ગયાઃ પરત આવ્યા ત્યારે એકનો એક દિકરો લટકતો મળ્યોઃ પરિવારમાં શોકની કાલીમા

રાજકોટ તા. ૬: શહેરના મવડી રોડ આનંદ બંગલા ચોક નજીક આવેલી સોસાયટીમાં રહેતાં આત્મીય કોલેજના બી ટેક એન્જિનીયરીંગના વિદ્યાર્થીએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. માતા-પિતા સ્વામિનારાયણ મંદિરે સભામાં ગયા હતાં ત્યાંથી પરત આવ્યા ત્યારે એકનો એક દિકરો લટકતી હાલતમાં મળતાં કલ્પાંત સર્જાયો હતો. હાલમાં પરિક્ષા ચાલી રહી હોઇ એક પેપર નબળુ ગયાની વાત તેણે સાંજે કરી હતી. બાદમાં રાતે આ પગલુ ભરી લીધું હતું.
જાણવા મળ્યા મુજબ આનંદ બંગલા ચોક નજીક સ્વાશ્રય સોસાયટી-૫માં રહેતાં અવિનાશ હરસુખભાઇ મોલીયા (ઉ.વ.૨૦) નામના યુવાને રાતે ઘરના હોલમાં ગ્રીલ સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં ૧૦૮ના ઇએમટી તબિબ બાબુભાઇએ તેને મૃત જાહેર કરતાં પોલીસ કન્ટ્રોલ રૂમ ઇન્ચાર્જ પીએસઆઇ એચ. કે. રાવલ દ્વારા માલવીયાનગર પોલીસને ઘટનાની જાણ કરાઇ હતી. બનાવને પગલે હેડકોન્સ. એ. વી. ચાવડા સહિતના સ્ટાફે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો.
આપઘાત કરનાર અવિનાશ એક બહેનથી નાનો અને માતા-પિતાનો એકનો એક પુત્ર હતો. તેના બહેનના લગ્ન થઇ ગયા છે. પિતા હરસુખભાઇ સિવિલ એન્જીનીયર છે. હાલમાં તેઓ સમ્રાટ ઇન્ડસ્ટ્રીઅલ એરીયામાં કારખાનુ ચલાવે છે. અવિનાશ આત્મીય કોલેજમાં બી ટેક એન્જીનિયરીંગનો ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. હાલમાં તેની પરિક્ષા ચાલી રહી હતી. સાંજે તે મમ્મી પપ્પા સાથે જમવા બેઠો ત્યારે તેણે એક પેપર નબળુગયાની વાત કરી હતી. જેથી પિતાએ સાંત્વના આપી હતી અને ચિંતા નહિ કરવા સમજાવ્યો હતો.
જમી લીધા બાદ પિતાએ તેને સ્વામિનારાયણ મંદિરે સત્સંગ સભામાં સાથે આવવા કહ્યું હતું. પણ અવિનાશે પોતાને વાંચવાનું છે એટલે ઘરે જ રહેશે તેમ કહ્યું હતું.
બાદમાં હરસુખભાઇ અને તેના પત્નિ રસીલાબેન મંદિરે સભામાં ગયા હતાં. ત્યાંથી બારેક વાગ્યે તેઓ પરત ઘરે આવ્યા ત્યારે દિકરાને લટકતો જોતાં હતપ્રભ થઇ ગયા હતાં. તુરત જ ૧૦૮ બોલાવાઇ હતી. પરંતુ તેના તબિબે અવિનાશને નિષ્પ્રાણ જાહેર કર્યો હતો. એકના એક દિકરાના આ પગલાથી મોલીયા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
(11:46 AM IST)










