<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th December 2025

કોઠારીયા રીંગ રોડ પર બીલખા-સુરત રૂટની ટ્રાવેલ્‍સ બસ ઉપર પથ્‍થરમારોઃ આગળનો કાચ ફુટી ગયો

રાજકોટમાં વધુ એક વખત ખાનગી બસને નિશાન બનાવાઇઃ સતત આવી ઘટનાઓથી ડ્રાઇવર-ક્‍લીનર-મુસાફરોમાં ભય : ડ્રાઇવર જુનાગઢ ડુંગરપુરના રાહુલ ધાધલની આજીડેમ પોલીસમાં અજાણ્‍યા શખસ સામે ફરિયાદઃ અગાઉ પણ આવી ઘટનાઓ બનતાં પોલીસને રજૂઆત થઇ હતીઃ બસમાં ૩૫ મુસાફરો હતાં

રાજકોટ તા. ૬: શહેરમાં ખાનગી ટ્રાવેલ્‍સ બસો પર પથ્‍થરમારાની ઘટનાઓ અવાર-નવાર બને છે. ત્‍યાં ફરી એકવાર આવો બનાવ બન્‍યો છે. કોઠારીયા રીંગ રોડ પર આવેલા આજીડેમ ચોકડીના પુલ પર  મોડી રાત્રે બિલખાથી સુરત જઈ રહેલી એક લક્‍ઝરી બસને અજાણ્‍યા શખ્‍સે નિશાન બનાવી હતી, જેમાં બસનો મુખ્‍ય આગળનો કાચ તૂટી ગયો હતો અને ડ્રાઈવરને ડાબા હાથની કોણીમાં મુંઢ ઈજા પહોંચી હતી. ડ્રાઈવરે આ બનાવની પોલીસ ફરિયાદ નોંધાવી છે.

જાણવા મળ્‍યા મુજબ આ બનાવ અંગે જુનાગઢના ડુંગરપુર ગામના રહેવાસી અને રામનાથ ટ્રાવેલ્‍સના ડ્રાઈવર રાહુલભાઈ ભીખાભાઈ ધાધલ (ઉ.વ.૨૩) એ આજીડેમ પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.તેણે પોલીસને જણાવ્‍યું છે કે તા.૩/૧૨ના રાતે અગીયારથી સાડા અગીયાર વાગ્‍યાની આસપાસ લક્‍ઝરી બસ નં. જીજે૦૩બીવી-૪૫૨૪ લઈને બીલખાથી વાયા રાજકોટ થઇ સુરત જવા નીકળ્‍યો હતો. આ વખતે રાજકોટ કોઠારીયા રીંગ રોડ ગ્રીનલેન્‍ડ ચોકડી તરફ જઈ રહ્યા હતા અને આજીડેમ ચોકડીનો પુલ ચડી રહ્યો હતો તે સમયે અચાનક રોડ ઉપર કોઈ અજાણ્‍યા શખ્‍સે પથ્‍થરનો ઘા કરતાં તે પથ્‍થર બસના આગળના મેઈન કાચની વચ્‍ચેના ભાગે ભટકાયો હતો.

પથ્‍થરની તીવ્રતા એટલી હતી કે કાચ તૂટીને અંદર આવ્‍યો અને સનવાઇઝર સાથે ભટકાઈને રાહુલભાઇને ડાબા હાથની કોણીમાં વાગ્‍યો હતો. જેના કારણે તેને મુંઢ ઈજા થઈ હતી. બસમાં તે સમયે આશરે ૩૫ જેટલા મુસાફરો સવાર હતા. આથી રાહુલભાએ તાત્‍કાલિક બસ રોડની સાઈડમાં ઊભી રાખી દીધી હતી અને આ બનાવ અંગે તાત્‍કાલિક બસ માલિક સંજયભાઈ જેબલીયાને જાણ કરી હતી. તેમજ ૧૧૨ ઉપર ફોન કરીને પોલીસને પણ બોલાવી હતી. આ ઘટનામાં બસના આગળના કાચને તૂટવાથી આશરે રૂ. ૧૨,૫૦૦નું નુકસાન થયું છે. મુસાફરોની સુરક્ષાને ધ્‍યાનમાં રાખીને અને સુરત જવા માટે નીકળી જવાના કારણે રાહુલભાઈએ તે સમયે કોઈ સારવાર લીધી ન હતી.

રાહુલભાઈએ વધુમાં જણાવ્‍યું હતું કે અગાઉ પણ તેમની ટ્રાવેલ્‍સ બસના કાચ આવી જ રીતે આ કોઠારીયા રીંગ રોડ વિસ્‍તારમા તુટયા હતાં. આથી આ વખતે ફરિયાદ દાખલ કરાવી હતી. ઉલ્લેખનીય છે કે આ ઘટનાના થોડા દિવસો પૂર્વે પણ રાજકોટ-અમદાવાદ હાઇવે પર રામ વન નજીકના વિસ્‍તારમાં ૪ થી ૫ ખાનગી બસો પર પથ્‍થરમારો થયો હતો. જેમાં બસના કાચ તૂટવાની ઘટના અંગે ખાનગી ટ્રાવેલ્‍સ એસોસિએશને પોલીસ કમિશનર, આજીડેમ પોલીસને રજૂઆત કરી હતી. આ પ્રકારના કળત્‍યોથી નિર્દોષ મુસાફરો અને ડ્રાઈવરની સલામતી જોખમમાં મુકાય છે. પોલીસ આ રીતે પથ્‍થરમારા કરી બસના કાચ ફોડી નાખતા તત્‍વોને શોધી કાઢે તેવી વધુ એક વખત માંગણી ઉઠી છે.

(3:07 PM IST)