તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 6th December 2025
ઘરફોડ ચોરીમાં ૧૪ મહિનાથી ફરાર પાટણનો રીઢો તસ્કર ઝડપાયોઃ ૧૭ ગુનામાં સામેલ
એરપોર્ટ રોડની ઇન્કમટેક્સ સોસાયટીમાં જીએસટી અધિકારીના ઘરમાં ચોરી થઇ હતીઃ એક શખ્સ પકડાતાં નામ ખુલ્યું હતું

રાજકોટઃ તા.૬, એરપોર્ટ રોડ પર આવેલી ઇન્કમટેકસ સોસાયટીમાં રહેતા જી.એસ.ટી.ના આસીસ્ટન્ટ કમિશ્નરના મકાનમાં થયેલ રૂા.ર.પ૦ લાખાની ચોરીમાં પોલીસે એક શખ્સને પકડી લીધા બાદ વધુ એક શખ્સનું નામ ખુલ્યુ હતું. આ ગુનામાં છેલ્લા ૧૪ મહિનાથી ફરાર રીઢો તસ્કરને ડીસીપી ઝોન-ર ની એલસીબી ટીમે ગાંધીધામ (કચ્છ)થી ઝડપી લીધો હતો.
મળતી વિગત મુજબ એરપોર્ટ મેઇન રોડ પર આવેલી ઇન્કમટેકસ સોસાયટીમાં રહેતા અને રેસકોર્ષ રોડ પર આવેલી રાજકોટ સેન્ટ્રલ જી.એસ.ટી. ઓફિસમાં આસીસ્ટન્ટ કમિશ્નર તરીકે ફરજ બજાવતા શિવદાસભાઇ પિતાંબરભાઇ મેનન (ઉ.વ.પ૮) ગત તા. ૧૧/૧૦/ર૦ર૪ ના રોજ મકાનને તાળુ મારી પરિવાર સાથે દ્વારકા અને સોમનાથ ખાતે દર્શન કરવા માટે ગયા હતા બીજા દિવસે પરત ઘરે આવ્યા ત્યારે દરવાજાનો લોક તુટેલો જોતા અંદર જતા સામાન વેરવિખેર જોવા મળ્યો હતો. બાદ તેણે તપાસ કરતા રૂા.૪૦ હજાર રોકડા તથા દાગીના જોવા ન મળતા ચોરી થઇ હોવાની ખબર પડી હતી, આથી તેણે ગત તા. ૧૩/૧૦/ર૦ર૪ ના રોજ ગાંધીગ્રામ પોલીસ મથકમાં કોઇ અજાણ્યા શખ્સો મકાનના દરવાજાનો લોક તોડી રોકડ તથા દાગીના મળી રૂા.ર,૪૮,પ૦૦ ની માલમતા ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવી હતી. આ બનાવામાં પોલીસે એક શખ્સને ઝડપી લીધો હતો, તેની પુછપરછમાં પાટણનો કિશોર નામના શખ્સનું નામ ખુલ્યુ હતું.
આ ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડવા માટે પોલીસ કમિશ્નર બ્રિજેશકુમાર ઝા, આસી. પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા તથા એસીપી ઝોન-ર ના રાકેશ દેસાઇની સૂચનાથી એલસીબીના પી.એસ.આઇ આર.એચ.ઝાલા તથા સ્ટાફે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથધરી હતી, દરમ્યાન બાતમી મળતા પોલીસે જી.એસ.ટી.ના અધિકારીના ઘરમાં થયેલી ચોરીના ગુનામાં ૧૪ મહિનાથી ફરાર કિશોર માવજીભાઇ વારૈયા (રહે પાટણના વારાહી ગામમાં, અંબીકા સોસાયટીની પાછળ વાડી વિસ્તારમાં) ને ગાંધીધામ (કચ્છ) થી પકડી લઇ ગાંધીગ્રામ પોલીસને સોપ્યો હતો. આ શખ્સ રાજકોટ, ગાંધીધામ (કચ્છ), આદિપુર, બનાસકાંઠા અને પાટણમાં ઘરફોડ ચોરીના ૧૭ ગુનામાં પકડાઇ ચુકયો છે.
આ કામગીરી પી.એસ.આઇ. આર.એસ.ઝાલા, હેડ કોન્સ. અંકિતભાઇ નિમાવત તથા કોન્સ. અમીનભાઇ ભલુર દ્વારા કરવામાં આવી હતી.
(2:58 PM IST)










