તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 6th December 2025
એડવોકેટ સંદીપ વેકરીયાના સભ્યપદ મુદે કાનૂની જંગઃ બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાનો સ્ટે
બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાએ સ્ટે આપતા એસોસીએશનની ચૂંટણી પર અસર પડશે

રાજકોટ, તા. ૬: રાજકોટ બાર એસોશિએશનનાં સેક્રેટરી એડવોકેટ સંદીપ વેકરીયાનું સભ્યપદ રદ કરવાનો બાર એસોસિએશન દ્વારા ઠરાવ કરાયો હતો. જે ઠરાવને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે રદ કરવાનો હુકમ કર્યો હતો. જે હુકમ સામે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ સ્ટે આપતા કાનૂની જંગના એંધાણ મંડાયા છે. બાર એસોસિએશનની ચૂંટણીમાં સમરસ પેનલમાંથી જોઈન્ટ સેક્રેટરી પદે સંદીપ વેકરીયાએ ઉમેદવારી નોંધાવી છે. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ સ્ટે આપતા હવે તેની અસર બાર એસોસિએશનની ચૂંટણી ઉપર પડશે.
રાજકોટ બાર એસોસિએશનમાં ભાજપ પ્રેરિત વકીલોના બે જૂથ વચ્ચે ચાલતો વિવાદ દર વર્ષે બાર એસોસિએશનની ચૂંટણીમાં ઉડીને આંખે વળગે છે. ત્યારે ગત બાર એસોસિએશનની ચૂંટણીમાં સેક્રેટરી પદે ચૂંટાયેલા સંદીપ વેકરીયાએ રાજકોટ બાર એસોસિએશનની ગરિમાને લાંછન લાગે તે રીતે બાર એસોસિએશનના હોદેદારો અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડીયાના સહ અધ્યક્ષ દિલીપભાઈ પટેલ વિરુદ્ધ આક્ષેપ કરતું રાજીનામુ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યું હતું. જેને પગલે બાર એસોસિએશન દ્વારા સંદીપ વેકરીયાનું રાજીનામુ સ્વીકારી બાર એસોસિએશનમાંથી સભ્યપદ રદ કરતો ઠરાવ કર્યો હતો. રાજકોટ બાર એસોસિએશનના ઠરાવ સામે સંદીપ વેકરીયા દ્વારા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં અપીલ દાખલ કરી હતી.
ગુજરાત બાર એસોશિએશનની કમિટીની વર્ચ્યુઅલ મોડમાં બેઠક યોજાઈ હતી.જેમાં અરજદાર સંદીપ વેકરીયા દ્વારા કરાયેલી રાજકોટ બારમાં ચૂંટણી કમિશનર નિયુક્ત થયાં બાદ એસોશિએશનનો વહીવટ અને સંચાલન કમિશનરને સોંપવા તેમજ ગઈ તા.૨૯-૧૧નાં એસોશિએશનનાં હોદ્દેદારો અને કારોબારી સભ્યો દ્વારા ગઈ તા.૨૯-૧૧નાં કરાયેલ તેનું સભ્યપદ રદ કરવાનાં ઠરાવને રદ કરવાની અરજી કરાઈ હતી. આ બેઠકમાં અરજદાર ઉપરાંત રાજકોટ બારનાં પ્રમુખ અને ઉપપ્રમુખ પણ જોડાયા હતા. જેમાં અરજદાર સંદીપ વેકરીયાએ રજૂઆત કરી હતી કે ગઈ તા.૨૯-૯નાં મંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ એસોશિએશન તરફથી તેને, નોટીસ અપાઈ હતી. જેનાં જવાબમાં જરૂરી દસ્તાવેજોની નકલ મેળવવાં અરજી કરી હોવા છતાં નકલો પૂરી પાડવામાં આવી ન હતી.એટલું જ નહીં સભ્યપદ રદ કરવાનો નિર્ણય કરતા પહેલાં તેને સ્પષ્ટીકરણની અથવા રૂબરૂ રજૂઆત કરવાની તક આપવામાં આવી ન હતી. તેનું નામ મતદાર યાદીમાં હોવા છતાં ઉમેદવારી ન કરી શકે તે માટે નિર્ણય લેવામાં આવ્યો હતો.
બીજી તરફ રાજકોટ બારના પ્રમુખે રજૂઆતમાં જણાવ્યું હતું કે અરજદારને ખુલાસો રજૂ કરવા નોટીસ અપાઈ હતી. તેમજ માંગેલી નકલો તૈયાર હોવા છતાં અરજદારે નકલો મેળવી ન હતી. તેમજ નોટીસનો જવાબ આપ્યો ન હતો. અરજદાર એસો. વિરુદ્ધ પાયાવિહીન આક્ષેપો કરતા હોવાથી તેમને જવાબ આપવાં હાજર થવાં તક આપવામાં આવી હોવાં છતાં તે હાજર રહ્યા ન હતાં આથી તા.૨૯નાં સભ્યપદ રદ કરવાનો ઠરાવ હાથ ધરવામાં આવ્યો હતો. તેને લઈ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે બંને પક્ષની રજૂઆત બાદ અરજદાર સંદીપ વેકરીયાનું સભ્યપદ રદ કરવાના નિર્ણયને ઈલેક્શન કમિટીએ ગેરકારદે હોવાનું ગણાવી તા.૨૪-૧૧નાં બાર એસો. દ્વારા પ્રકાસિત થયેલ મતદાર યાદીમાં નામ સામેલ હતું તે પ્રમાણે પુનઃ સામેલ કરવાનો અને તેઓ ચૂંટણી લડવા પાત્ર ગણાશે તેવો હુકમ કર્યો હતો.
બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના હુકમ સામે રાજકોટ બાર એસોસિએશન દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા સમક્ષ દાદ માંગતી રિવિઝન દાખલ કરી હતી. જે અરજી હાથ પર લેવામાં આવતા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના હુકમ સામે સ્ટે ફરમાવ્યો છે. ઉલ્લેખનીય છે કે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના હુકમ બાદ સંદીપ વેકરીયાએ ભાજપ લીગલ સેલની સમરસ પેનલમાંથી જોઈન્ટ સેક્રેટરી પદે ઉમેદવારી નોંધાવી હતી. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ સ્ટે ફરમાવતા સંદીપ વેકરીયાના ચૂંટણી લડવા મુદ્દે કોર્ટ પરિસરમાં ગણગણાટ શરૂ થયો છે.
(3:43 PM IST)










