તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 8th December 2025
સોની બજારના વેપારીનું ઉદયપુર પાસે અકસ્માતમાં મોત : પાંચને ઇજા
દરબારગઢ કેશવ વીલામાં રહેતાં ૩૮ વર્ષિય નયનભાઇ વાગડીયા-સોની, તેમના પત્નિ, પુત્ર, પુત્રી, મિત્ર, મિત્રના પત્નિ-પુત્ર સાથે ગોકુલ-મથુરા વ્રજ દર્શન કરીને પરત આવતાં હતાં ત્યારે ઉદયપુરના ખીરવાડા પાસે બનાવઃ રાજકોટથી પરિવારજનો-મિત્રો દોડી ગયા : ખીરવાડા પાસે ટ્રક પાછળ અથડાઇને ક્રેટા કારનો બૂકડોઃ નયનભાઇનું ઘટના સ્થળે મૃત્યુઃ તેમના પત્નિ જ્યોતિબેન, પુત્ર જેનીલ, પુત્રી રાશી રાજકોટ સારવારમાં: મિત્ર ગોૈરવભાઇ અને તેના પત્નિ તન્વીબેન અમદાવાદ સારવારમાં: તેના પુત્રનો ચમત્કારીક બચાવ : નયનભાઇ વૃધ્ધ માતા, પત્નિ, બે સંતાનનો આધારસ્તંભ અને ચાર બહેનના એક જ ભાઇ હતાં: પરિવારમાં શોકની કાલીમા

અકસ્માતમાં મૃત્યુ પામનારા સોની બજારના યુવા વેપારી નયનભાઇ પ્રફુલભાઇ વાગડીયા (ઉ.વ.૩૮)નો ફાઇલ ફોટો અને ઘટના સ્થળે બૂકડો બોલી ગયેલી ક્રેટા કાર, કાર્યવાહી કરી રહેલા ખીરવાડા પોલીસ સ્ટેશનના આસી. સબ ઇન્સ. દિગ્વીજયસિંહ સહિતના જોઇ શકાય છે
રાજકોટ તા. ૮: રાજસ્થાનના ઉદયપુરના ખીરવાડા નજીક હાઇવે પર ટ્રક પાછળ ક્રેટા કાર અથડાતાં કારનો બૂકડો બોલી ગયો હતો. જેમાં બેઠેલા રાજકોટના સોની બજારના વેપારી ૩૮ વર્ષિય યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત થયું છે. જ્યારે તેમના પત્નિ, પુત્ર, પુત્રી, મિત્ર, મિત્રના પત્નિને ઇજાઓ થતાં અમદાવાદ અને રાજકોટ સારવાર હેઠળ છે. વેપારીના મિત્રના દિકરાનો નહિવત ઇજા સાથે બચાવ થયો છે. આ બંને મિત્રો પરિવારજનો સાથે કાર લઇને ગોકુલ-મથુરા-વ્રજ દર્શન કરવા, ફરવા માટે ગયા હતાં. ત્યાંથી પરત રાજકોટ તરફ આવતી વખતે આ બનાવ બન્યો હતો. કાળનો કોળીયો બની ગયેલા વેપારી યુવાન વૃધ્ધ માતા, પત્નિ, સંતાનોનો એક માત્ર આધારસ્તંભ અને ચાર બહેનના એક જ ભાઇ હતાં.
જાણવા મળ્યા મુજબ સોની બજાર દરબારગઢ રામનાથ મહાદેવવાળી શેરીમાં આવેલા કેશવ વીલા એપાર્ટમેન્ટમાં રહેતાં નયનભાઇ પ્રફુલભાઇ વાગડીયા-સોની (ઉ.વ.૩૮) ક્રેટા કાર લઇને રાજકોટથી ગોકુલ-મથુરા-વ્રજ ખાતે દર્શનાર્થે અને ફરવા માટે ચાર દિવસ પહેલા રાજકોટથી રવાના થયા હતાં. તેમની સાથે પત્નિ જ્યોતિબેન (ઉ.વ.૩૪), દિકરી રાશી (ઉ.વ.૧૦) અને દિકરો જેનીલ (ઉ.વ.૮) તથા મિત્ર ઢેબર રોડ ગુરૂકુળ પાસે રહેતાં ગોૈરવભાઇ હર્ષદભાઇ રાજપરા, તેના પત્નિ તન્વીબેન ગોૈરવભાઇ અને તેનો દિકરો પણ જોડાયા હતાં. ચાર દિવસ ધાર્મિક સ્થળોનો પ્રવાસ પુરો કરી લીધા બાદ ગઇકાલે રવિવારે આ બધા કાર મારફત રાજકોટ આવવા નીકળ્યા હતાં.
આ દરમિયાન રાજસ્થાન ઉદયપુર જિલ્લામાં તેમની મુસાફરી માતમમાં ફેરવાઈ ગઈ હતી. ખીરવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ખાંડી ઓબેરી ટોલ પ્લાઝા નજીક નેશનલ હાઈવે ૪૮ ઉપર તેઓ પહોંચ્યા ત્યારે કાર આગળ જઇ રહેલા ટ્રક પાછળ ધડાકાભેર અથડાતાં ચીસો ગાજી ઉઠી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે કારનું બોનેટ અને ડ્રાઈવર સીટનો ભાગ સંપૂર્ણપણે કચડાઈ ગયો હતો. કારનો બૂકડો બોલી જતાં ગંભીર ઈજાઓ થતાં નયનભાઇ વાગડીયાનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે નયનભાઇના પત્નિ, પુત્ર, પુત્રી, મિત્ર ગોૈરવભાઇ, ગોૈરવભાઇના પત્નિને ઇજાઓ થઇ હતી.
ઘટનાની જાણ થતાં જ ખીરવાડા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તમામ ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે ખીરવાડાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી ડુંગરપુર હોસ્પિટલમાં ખસેડાયા હતાં. બાદમાં નયનભાઇના પત્નિ જ્યોતિબેન, પુત્ર જેનીલ અને પુત્રી રાશીને રાજકોટ ખાનગી હોસ્પિટલમાં તથા ગોૈરવભાઇ અને તેના પત્નિને અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તેમના દિકરાનો ચમત્કારીક બચાવ થયો છે.
ડુંગરપુર જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. પોલીસે મળતક નયનભાઈના મળતદેહને ખીરવાડા સામુહીક આરોગ્ય કેન્દ્ર (સીએચસી)ના શબઘરમાં રાખીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાની જાણ થતાં મૃતક નયનભાઇના રાજકોટ રહેતાં સગા-સ્વજન, મિત્રો સહિતના રાજસ્થાન ઘટના સ્થળે પહોંચ્યા હતાં. ખીરવાડા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ આસી સબ ઇન્સ. દિગ્વીજયસિંહના કહેવા મુજબ અહિ મૃતદેહના પોસ્ટમોર્ટમની અને અન્ય જરૂરી કાર્યવાહી કરાયા બાદ મૃતદેહ સ્વજનને સોંપવાની તજવીજ થઇ છે.
મૃત્યુ પામનાર નયનભાઇ વાગડીયા સોની બજાર સવજીભાઇની શેરીમાં જે. પી. ટાવરમાં સોની કામની દુકાન ચલાવતાં હતાં. તેમના પિતા હયાત નથી. વૃધ્ધ માતા ભાનુબેન, પત્નિ, સંતાનોનો તેઓ આધારસ્તંભ હતાં. ચાર બહેનના એકના એક ભાઇ હતાં. પોસ્ટમોર્ટમ બાદ મૃતદહેને રાજકોટ લાવી અંતિમસંસ્કાર કરવામાં આવશે. તેમ મૃતકના સ્વજન પ્રમીતભાઇએ જણાવ્યું હતું. આ બનાવથી સોની બજારમાં અને પરિવારજનો, મિત્રોમાં ગમગીની છવાઇ ગઇ છે. (૧૪.૧૦)
(2:10 PM IST)










